Sat. Jun 6th, 2026

જે હૈયે વસે, હોઠ પર એ જ આવે.
મને એક સાથે કળા બે, ન ફાવે.

કરું ભુલ જ્યારે, તરત એ બતાવે.
કોઈ મિત્રતા એવી રીતે નિભાવે!

ગજા બહારનું પહેલા સપનું સજાવે,
પછી? એ જ રાતોની નીંદર ઉડાવે!

સૂરજની પ્રતીક્ષામાં સૌ જે ગુમાવે,
હૃદય મારું, ઉત્સવ શશીનો મનાવે!

શું તાકાત એની કે આંસુઓ લાવે!
પીડાઓ તો આવે, ને ગઝલો લખાવે!

એ ઈચ્છે ને ત્યારે રડાવે, હસાવે,
પ્રણયને કોઈ લાડ આવા લડાવે?

તું કિનખાબ પહેરે ને અત્તર લગાવે!
જીવન મારું, કેવળ ખુમારી દિપાવે.

સંદીપ પૂજારા

Related Post