Fri. Jun 5th, 2026

‘અમૂલ્ય વારસો 3’ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવા માટે અનોખી પહેલ

અમદાવાદ, 9 મે 2026:

સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ‘અમૂલ્ય વારસો 3’ કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ 9 મે 2026ના રોજ સાંજે 4:00 થી 7:00 દરમિયાન મીઠાખળી લાયન્સ હોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરી ગુજરાતી વારસો, સંસ્કૃતિ અને સાહિત્યને પ્રોત્સાહન આપવાનું કાર્ય સતત કરી રહી છે.

કાર્યક્રમમાં આશરે 22 જેટલી બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારોએ ગુજરાતી ગીત, બાળગીત, ગરબા, ગઝલ, કવિતા પાઠ, અભિનય સહિતની વિવિધ સાંસ્કૃતિક કલાઓની સુંદર રજૂઆતો કરી ઉપસ્થિત મહેમાનોનું મન મોહી લીધું હતું.

કાર્યક્રમની વિશેષતા રૂપે 3 દિવ્યાંગ બાળકોએ પોતાની મનમોહક અને પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ દ્વારા સૌના દિલ જીતી લીધા હતા. તેમની પ્રતિભા અને આત્મવિશ્વાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યા હતા.

આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે શ્રીમતી હેતલ અમીન, શ્રીમતી તૃપ્તિબા રાઓલ, શ્રી શિવાંગ દવે અને શ્રી જૈમિલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અન્ય મહેમાનોમાં AILFના સ્થાપક શ્રી ઉમાશંકર યાદવ તથા પૂર્વ IAS અધિકારી શ્રી મનોજ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાગ લેનારાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપી ઉત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જાણીતા AI અને ફ્યુચર ટેક એક્સપર્ટ શ્રી વિઝન રાવલ અને શ્રી સંજય ઠક્કર ભાઈએ વિશેષ સહયોગ આપ્યો હતો. સમર્પણ NGO ના મુખ્ય ટ્રસ્ટીઓમાં શ્રીમતી ભૂમિકા વિરાણી, તેજલ વસાવડા, શ્રીમતી રીમા શાહ અને શ્રીમતી વર્ષા મજેઠીયા દ્વારા આયોજનને સફળ બનાવવામાં અને સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.

સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રે આવી જ સર્જનાત્મક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

અમૂલ્ય વારસો’ કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી કે આ મંચ એવા પ્રતિભાશાળી લોકો માટે એક અનોખું પ્લેટફોર્મ બની રહ્યું છે, જેઓમાં કળા અને પ્રસ્તુતિ કરવાની ઇચ્છા તો છે પરંતુ યોગ્ય તક અને મંચના અભાવે તેઓ પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડી શકતા નથી. સમર્પણ ટ્રસ્ટ આવા કલાકારો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી તેમની અંદરની કળાને ઉજાગર કરવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *