Sat. Jun 6th, 2026

લેખિકા: શમીમ મર્ચન્ટ

જૂના કલકત્તામાં એક ખંડેર થિયેટર હતું, સ્વરાંજલી રંગમંચ, જેમાં એક સમયે શાહી ઝુમ્મર લટકતા, હવે ફક્ત કાટ લાગેલી સાંકળો અને ઝાંખા મખમલના પરદા હતા.

૨૮ વર્ષીય ચારુલતા મુખર્જી, શાસ્ત્રીય તાલીમ પામેલી અને અત્યંત મહત્વાકાંક્ષી, ‘રહસ્યમય દુર્ઘટના’ નામની એક પ્રાચીન નાટકની સ્ક્રિપ્ટ પકડીને મંચ પર ઉભી હતી. તેને એ નાટકમાં હંસિની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી, જેના વિશે અફવા હતી, કે આ નાટક ક્યારે ભજવવામાં આવ્યું જ નહોતું. ચારુલતાએ ખાલી બેઠકો તરફ નજર કરતા વિચાર્યું, “આ મારા માટે ઇતિહાસ રચવાનો મોકો છે.”

તેની પાછળ, આધેડ ઉંમરના દિગ્દર્શક રાજીવ સેન ચશ્મા સાફ કરતા બોલ્યા, “પચાસ વર્ષમાં કોઈએ આ નાટકને હાથ લગાડવાની હિંમત નથી કરી. મૂળ નાટ્યકાર, આર્યન વર્મા, આ જ મંચ પર મૃત્યુ પામ્યા હતા; પડદો ઊઠવાની થોડીવાર પહેલા તે પડી ગયા હતા.”

ચારુલતાએ સાવચેતીપૂર્વક પૂછ્યું, “તેમના મૃત્યુનું કારણ?”

“સત્તાવાર રીતે? હાર્ટ એટેક. પરંતુ બિનસત્તાવાર રીતે… કેટલાક કહે છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.”

ચારુલતા ચોંકી ગઈ. રાજીવએ અવાજ ધીમો કર્યો, “લોકો કહે છે કે આ નાટક શાપિત છે. ત્રણ અન્ય પ્રોડક્શન્સે તેને રજૂ કરવાનો પ્રયાસ કર્યો. દરેક વખતે કંઈક દુર્ઘટના થઈ, કેબલ તૂટીને પડ્યું, આગ લાગી, એક અભિનેતા અચાનક ગાયબ થઈ ગયો.”

ચારુલતા ધ્રુજી ગઈ, “શું તમે ખરેખર આ રહસ્યમય વાર્તાઓમાં વિશ્વાસ કરો છો?”
રાજીવે દૃઢ નિશ્ચય સાથે જવાબ આપ્યો. “હું ‘રહસ્યમય દુર્ઘટના’ નાટકને પ્રેક્ષકો સમક્ષ લાવવામાં માનું છું.”

નાટકની પ્રેક્ટિસ શરૂ થઈ. પાત્ર, હંસિનીનું પાત્ર એક દગો ખાધેલી પ્રેમિકાનું હતું, જે ગાંડપણ તરફ દોરી ગઈ હતી. ચારુલતા જેટલી ઊંડાણમાં તેમાં ડૂબતી ગઈ, તેટલું જ તેને લાગ્યું કે થિયેટર જાદુઈ પ્રતિક્રિયા આપી રહ્યું હતું કે પછી તે રહસ્યમય હતું? કારણ વગર લાઇટ્સ ઝબકતી હતી અને ડ્રેસિંગ રૂમમાં એક અરીસો ફાટ્યો જ્યારે તે ખાસ કરીને તીવ્ર એકપાત્રી સંવાદનો અભ્યાસ કરી રહી હતી:
“મારો અવાજ ચોરીને તેને કળાનું નામ આપ્યું,
પણ મારા દુઃખી હૃદય વેદનાનું ગુંજારવું રહ્યું.
મે દરેક પંક્તિમાં મારી આત્મા ઉમેરી હતી,
હવે ભસ્મ થતા જોજે, જે એક સમયે દૈવી હતી.”

પછી સપનાઓ શરૂ થયા. રાત્રે તે સ્ટેજ પર ચાલતી દેખાતી, ચારુલતા તરીકે નહીં પણ હંસિની બનીને. પાછળ એક ઘેરી છાયા શાહીથી લખતી હતી, એવી શાહી જે રક્ત જેવી લાગતી હતી અને ધૂમાડા જેવી લપસતી. તે ધીમેથી ચેતવણી આપતો: “તમારા અંતથી સાવધ રહો!”
શું ડરાવનું સપનું હતું!

જેમ જેમ અંતિમ રિહર્સલ નજીક આવ્યું, અજીબ ઘટનાઓએ સમગ્ર ટીમને હચમચાવી નાખી. કોસ્ચ્યુમ ડિઝાઇનર માળિયાની સીડી પરથી પડી ગઈ. “કોઈએ મને ધક્કો માર્યો,” જયારે કે ત્યાં કોઈ નહોતું. લાઈટિંગ કર્મચારી મંચની પાછળ બેહોશ મળ્યો, તેનું હેડસેટ તૂટેલું હતું.

ચારુલતા ગભરાઈ ગઈ. “હંમેશા જ્યારે હું ડાયલોગ બોલું છું, મને કોઈ સ્ત્રીનો અવાજ સંભળાય છે,” તેણે રાજીવને કહ્યું. “શુ આપણે ખરેખર આ નાટક કરવું જોઈએ?”

રાજીવે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની આંખોમાં પણ સંશય ઝળકતો હતો. “ચારુ, વધુ ન વિચાર. આ તારી જિંદગીનો શ્રેષ્ઠ અભિનય સાબિત થઈ શકે છે. વિશ્વાસ રાખ.”

એક સાંજ, ચારુલતાને ભોંયરામાં એક જૂની ટ્રંક મળી. અંદર લોહી લાગેલી શાલ અને એક ડાયરી હતી.

૨ માર્ચ, ૧૯૭૫
“આર્યન વર્મા કહે છે કે અંત દુ:ખદ જ રહેવો જોઈએ. પણ તેણે મને આ ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું. મેં તે ભૂમિકા મારા માટે લખી હતી. હવે તેણે તે બીજી છોકરીને આપી દીધી. તે કહે છે કે હું ‘ખૂબ જ લાગણીશીલ’ છું. તેને ખબર નથી કે મેં શું કર્યું છે. સંવાદ તેમને ફસાવી દેશે. જે કોઈ હંસિનીના પગરખાંમાં પગ મૂકશે તે મરી જશે, સિવાય કે કોઈ અંત બદલવાની હિંમત કરે.” – શર્વણી.

ચારુલતાએ રાજીવને ડાયરી બતાવી. “તેણે નાટકને શાપ આપ્યો. આર્યનની પ્રેમિકા શર્વણી. તેણે આર્યન સાથે નાટક લખ્યું, પરંતુ થોડા સમય પછી આર્યને શર્વણીની ભૂમિકા કોઈ બીજાને આપી દીધી.”

રાજીવે ગંભીરતાથી માથું હલાવ્યું. “તેથી શર્વણીએ અંતિમ દ્રશ્ય ગુપ્ત રીતે ફરીથી લખ્યું, પણ નાટક ક્યારે મંચ પર આવ્યું જ નહીં. આર્યન તેને રોકે તે પહેલાં જ મૃત્યુ પામ્યો.”

ચારુલતાએ કંઈક સૂચવ્યું, “આપણે અંત ફરીથી લખવો જોઈએ. સ્ક્રિપ્ટ બદલીને, આપણે ચક્ર તોડી શકીએ છીએ અને આ શ્રાપનો અંત લાવી શકીએ છીએ.”

“તે રંગભૂમિ સાથે અન્યાય છે,” રાજીવે મક્કમતાથી કહ્યું. “પરંતુ આપણે નાટકનો અંત બદલવો જ પડશે.”

પ્રથમ પ્રદર્શન

સ્વરાંજલિ રંગમંચ ખચાખચ ભરાયેલો હતો: ઉત્સુક દર્શકો, તીખી નજરાવાળા નાટ્ય સમીક્ષકો અને એ જૂના લોકો જેઓને આર્યન વર્મા અને તે વિનાશક રાત હજુ પણ યાદ હતી. દરેક જણ નાટક ‘રહસ્યમય દુર્ઘટના’નું પ્રથમ મંચન જોવા આવેલા.

અંતિમ અંક શરૂ થયો ત્યારે ચારુલતા મંચના મધ્યમાં ઊભી હતી, તેનું હ્રદય જોરથી ધબકતું હતું અને હાથમાં કટારી કાંપતી હતી. મૂળ સ્ક્રિપ્ટ મુજબ, હંસિની આત્મહત્યા કરવાની હતી: ધોકાબાજીથી પડી ભાંગેલી. પરંતુ આજે રાતે અંત બદલાયો હતો.

ચારુલતાએ ઊંડો શ્વાસ લીધો અને કટારી ફેંકી દીધી. “હું મરીશ નહીં,” તેણે ઘોષણા કરી, એનો અવાજ આખા ભવનમાં ગૂંજ્યો, તેની આંખોમાં અડીખમ ઝળહળાટ હતો. “હંસિની માફી પસંદ કરે છે.”

ઠંડો પવન મંચ પર લહેરાઈ ગયો અને સિત્તેરના દાયકાની સાડી પહેરેલી એક સ્ત્રીનો પડછાયો દેખાણો – શર્વણી! પ્રેક્ષકોમાં હાહાકાર મચી ગયો પરદા થથરી ગયા. લાઇટો ઝબકવા લાગી, પછી વધુ તેજસ્વી થઈ. ચારુલતા આગળ વધી. “શર્વણી, તેં દુઃખમાં એક શ્રેષ્ઠ કૃતિ લખી, પણ તેં હંસિનીને તારી દુર્ઘટનામાં ફસાવી કારણ કે તારી પોતાની વાર્તાનો અંત ખરાબ હતો.”

ચારુલતાએ ઊંડો શ્વાસ લીધો, તે ભાવનાથી ગદગદ થઈ ગઈ હતી. “પ્લીઝ પાત્રને મુક્ત કરો. હંસિનીની ભૂમિકા ભજવતી દરેક અભિનેત્રીને તેનું જીવન જીવવા દો.”

પડછાયાએ ઉદાસી ભરેલું સ્મિત કર્યું અને ધીમે ધીમે ઝાંખી થયા પછી ગાયબ થઈ ગઈ.

પ્રદર્શન પછી રાજીવે કહ્યું, “કોઈ દુર્ઘટના નહીં. કોઈ ભય નહીં.”
“ફક્ત તાળીઓનો ઝંકાર,” ચારુલતાએ સ્મિત કર્યું.

એક મહિના પછી, ગ્રીનરૂમના અરીસાની પાછળ તેમને એક કાગળ મળ્યો:
“મને મુક્તિ આપવા બદલ આભાર…” – શર્વણી.

એ વર્ષે, સ્વરાંજલિ રંગમંચે ‘રહસ્યમય દુર્ઘટના’ના ૨૫ સફળ શો રજૂ કર્યા. જે નાટક શાપિત ગણાતું હતું, તે હવે દંતકથામાં બદલાઈ ગયું.

Related Post