સાયબરક્રાઈમ નો વ્યાપ અતિશય વધી રહ્યો છે તેવા સંજોગોમાં એવું જાણવા મળ્યું છે કે સાયબરક્રાઈમ ના ગુનેગારો તેમણે કપટપૂર્વક મેળવેલા નાણાં તેમના બેન્ક ખાતામાંથી કોર્ટ ઓર્ડર થી ફરિયાદી ના બેન્ક ખાતામાં પરત મળ્યા બાદ ફરિયાદી ઉપર ખોટી ક્રોસ સાયબર ફરિયાદ કરી ફરિયાદી ના ખાતાને લિયન માર્ક કરાવડાવી દે છે. જેથી અસલ ફરિયાદી પરત મેળવેલા નાણાં વાપરી શકતો નથી અને બિનજરૂરી મુકદમાબાજી માં ભેરવાઈ જાય છે. ગુજરાત માં પણ આવા અસંખ્ય કેસો બન્યા હોવાનું જાણમાં આવેલ છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા આવી એક બાબતે ઉત્તરપ્રદેશની સાયબરક્રાઇમ એજન્સી સાથે ડિસેમ્બર 2024 માં પત્રાચાર કરવામાં આવ્યો હોવા છતાં પરપ્રાંતની એજન્સી ભોગ બનનાર ફરિયાદીને ફરિયાદ દાખલ થઇ હોય તે પોલીસ સ્ટેશનમાં ઉત્તરપ્રદેશ રૂબરૂ હાજર રહેવાનો આગ્રહ રાખતી હતી.

આ કેસમાં અમદાવાદના ફરિયાદી વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં આવી એક ફર્જી ફરિયાદ દાખલ કરાવી આરોપીએ કોર્ટ ઓર્ડરથી અમદાવાદના ફરિયાદીને મળેલ નાણાં ઉપર કાયદાનો દુરુપયોગ કરી લિયન માર્ક કરાવડાવ્યું હતું. આ સંજોગોમાં આ કેસમાં નવા બી એન એસ એસ કાયદાની મલ્ટીપલ જ્યુરીસડીક્શન ની જોગવાઈઓ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરાઈ હતી જેમાં નામદાર હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્યની એજન્સીઓને નોટિસ કાઢી હતી પણ તે સરકારી એજન્સીઓ કોર્ટમાં હાજર ન થતાં નામદાર હાઈકોર્ટે કડક વલણ અપનાવી બીજી વખત ઉત્તરપ્રદેશ ના સાયબરક્રાઇમના તપાસ અધિકારીને નોટિસ કાઢતા ખોટી ફરિયાદ ના આધારે ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા લિયન માર્ક કરાયેલ રૂપિયા 35 લાખ આ કેસમાં તાત્કાલિક છુટા કરવાનો ઉત્તરપ્રદેશની સાયબરક્રાઇમ એજન્સીએ નિર્ણય લેવો પડ્યો હતો અને ફર્જી ફરિયાદ કરનાર પાસે ફર્જી ફરિયાદ પરત ખેંચાવડાવી હતી.

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રીમતિ હેમલ વી. રાવલે સાયબર ક્રાઇમના કેસમાં નવા બી એન એસ એસ કાયદાની મલ્ટીપલ જ્યુરીશડીક્શનની જોગવાઈઓનો પહેલી વખત ઉપયોગ કરી સચોટ અને ધારદાર દલીલો કરી નામદાર ગુજરાત હાઇકોર્ટને કન્વીન્સ કરવામાં અને ફર્જી ક્રોસ ફરિયાદોના કિસ્સાઓમાં નવો રસ્તો અપનાવી સફળતા મેળવેલ છે. જેથી આવા કિસ્સાઓમાં સાયબરક્રાઇમનો ભોગ બનેલાઓને પરપ્રાંતની એજન્સીઓ પાસે ચક્કર કાપવામાંથી રાહત મળશે.
આ કિસ્સામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરની ટીમે પણ ફરિયાદીના લિયન થયેલ રૂપિયા 35 લાખ તેઓના ફરિયાદીને પરત આપવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

