Sat. Jun 6th, 2026

લેખિકા: શમીમ મર્ચન્ટ

“વાહ! મારા પ્રિય યુનિકોર્નને મેઘધનુષ પર બેસાડ્યો છે. કેટલો અનોખો કેક! મને તે ખૂબ ગમ્યો. મમ્મી/પપ્પા થેંક્યું.”
અંકિતાના સાતમા જન્મદિવસે તેના છેલ્લા શબ્દો. એક વીજળીના અકસ્માતે નિર્દયતાથી તેમની પરીને કાયમ માટે તેમનાથી છીનવી લીધી!

મેઘા તેની દીકરીના જન્મદિવસના ફોટા સામે જોતી રહી: તેજસ્વી સ્મિત સાથે, અંકિતાએ યુનિકોર્ન તરફ ઈશારો કરીને મેઘધનુષના કેકની સામે પોઝ આપ્યો હતો. આ અકસ્માતે તે મીઠી યાદને કડવી બનાવી દીધી. તેમના ઘરનો સૂર્યપ્રકાશ અને મેઘધનુષ, તેમની દીકરી અંકિતા હવે નહોતી રહી. હવે…જીવન આંસુ, લાંબા સન્નાટા અને ખાલી ઓરડાઓમાં સીમિત રહી ગયું હતું.

તે દુર્ઘટના પછી, મેઘા અને તેના પતિ મોહન માટે દુઃખ જીવનની વ્યાખ્યા બની ગઈ હતી. “મેઘા, હું પણ એ જ પીડામાંથી પસાર થઈ રહ્યો છું, પણ આપણે આપણા જીવનના ટુકડા ઉપાડીને આગળ વધવું જોઈએ,” એમ કહીને મોહને શાંતિ શોધવાનો પ્રયાસ કરતા પોતાને કામમાં ઝંપલાવી દીધો. જોકે, મેઘાએ આ ઘટનાને વધુ કઠોરતાથી લીધી હતી. ઉપચાર અને દવાઓના ઝાંખા પડદામાં એક વર્ષ પસાર થઈ ગયું. પરિવારના સમર્થન છતાં, તેને દરેક વ્યક્તિ ભાવનાત્મક રીતે ગેરહાજર અને અસંવેદનશીલ લાગતા. “તેઓ ક્યારેય એક માનું દુ:ખ નહીં સમજી શકે.”

મોહન પોતાની એક સમયની સોફ્ટવેર એન્જિનિયર પત્નીને આમ વેદનાગ્રસ્ત નહોતો જોઈ શકતો. મેઘાએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ઘરે બેસીને તેના દુ:ખમાં ડૂબી રહી હતી. તેને આ દુર્દશામાં જોવી હૃદયદ્રાવક હતું અને મોહન મેઘાના જીવનની સ્થિતિ બદલવા માંગતો હતો.

દિવસ-રાત વિચાર-વિમર્શ કર્યા પછી, મોહને પ્રિયા યાદ આવી; મેઘાની મિત્ર અને એક નર્સ, મેઘા તેને યોગા ક્લાસમાં મળી હતી. મોહને તેનો સંપર્ક કર્યો, “પ્રિયા, મારો આખો પરિવાર અને હું પોતે, અમે મેઘાને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં કોઈ કસર નથી છોડી. એવું લાગે છે કે તે તેના દુઃખમાંથી બહાર આવવા જ નથી માંગતી. મને મારી દીકરીની ખૂબ યાદ આવે છે, પણ હું ફરીથી જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે, મેઘા? તેના દુઃખનો કૂવો ખૂબ ઊંડો લાગે છે અને મને સમજાતું નથી કે તેને તેમાંથી કેવી રીતે બહાર કાઢવી.” મોહન વાત કરતા કરતા ગદગદ થઈ ગયો. પ્રિયાએ તેનો હાથ થપથપાવ્યો, “હું મેઘાને મળીશ અને બની શકે તેટલી મદદ કરીશ.”

પ્રિયા મેઘાને મળવા આવી, જાણે કોઈ સરપ્રાઈઝ મુલાકાત હોય તેવું વર્તન કર્યું, “મહિનાઓથી તને જોઈ નહોતી અને આજે મને રજા હતી, તેથી તારી યાદ આવી.”

પહેલા તો મેઘાએ તેને ઉદાસીભર્યું સ્મિત આપ્યું, પણ પછી તેની ભાવનાત્મક સુનામી ફાટી નીકળી અને તે તેના મિત્ર સામે હૃદય ઠાલવતા, ધાર પાણીએ રડી પડી. પ્રિયાએ તેને ગળે લગાવી અને તેની સાથે આંસુ વહાવ્યા. જ્યારે તેઓ બંને ફરીથી શાંત થયા, ત્યારે પ્રિયાએ ધીમેથી શરૂઆત કરી, “મને તારી સાથે સંપૂર્ણપણે સહાનુભૂતિ છે મેઘા અને જીવન ક્રૂર હોઈ શકે. શું તને લાગે છે કે તારી દીકરી તને આ દયનીય સ્થિતિમાં જોવાનું પસંદ કરત? અંકિતાને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ રહેશે કે તું બીજા બાળકોનું ઉત્થાન કર, ખાસ કરીને જરૂરિયાતમંદ બચ્ચાઓનું.

મેઘાએ ભ્રમર ઉંચી કરી અને પ્રિયાએ આગળ સમજાવ્યું, “તને ખબર છે ને, કે હું બાળરોગ ઉપશામક સંભાળ વોર્ડમાં કામ કરું છું. મોટાભાગના બાળકો કદાચ પુખ્તાવસ્થા સુધી નહીં પહોંચે. છતાં, તેમાંના કેટલાક આપણા કરતાં વધુ સ્મિત કરે છે.”

મેઘાએ દેખાડ્યું નહીં, પણ તેને આ સાંભળીને ખૂબ આઘાત લાગ્યો. પ્રિયાએ આશાપૂર્વક આગળ કહ્યું, “ક્યારેક હોસ્પિટલ આવ અને પોતે જો. અમે હંમેશા સ્વયંસેવકોનું સ્વાગત કરીએ છીએ અને આ બાળકોને ગમે તે રીતે મદદ કરી શકે, અમે તેમના પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ.”

શરૂઆતમાં, મેઘાએ પ્રતિકાર કર્યો. જલ્દી મૃત્યુ પામવા બાળકોથી ભરેલી જગ્યામાં ચાલવાનો વિચાર અસહ્ય લાગ્યો. પરંતુ એક તેજસ્વી ગુરુવારે, જ્યારે પક્ષીઓ બહાર સવાર સવારમાં ચહેકી રહ્યા હતા, ત્યારે મોહનના શબ્દોએ તેના મનમાં કંઈક હલનચલન પેદા કરી, “મેઘા, જો આપણી પરી અંકિતા અહીં હોત, તો તે આ ગંભીર બીમારીવાળા બાળકોને મદદ કરવા માટે ખૂબ ઉત્સાહ બતાવત. મને ખાતરી છે કે તે ખુશીથી તેના બધા રમકડાં તેમને દાનમાં આપી દેત.”

મેઘા તેના પતિને ભેટી પડી અને આંસુઓની નદી વહી ગઈ. મોહન પણ તેને બાથમાં રાખતા મનોમન રડી પડ્યો. તે પોતાની લાગણી પ્રદર્શિત કરીને મેઘાને વધુ નબળી પાડવા નહોતો માંગતો.

કોઈ અપેક્ષા વગર, મેઘા હોસ્પિટલમાં બિસ્કિટના ડબ્બા, રંગોના બોક્સ અને ચિત્રકામની પુસ્તકો લઈને પહોંચી. પ્રિયાએ ખુલ્લા મનથી તેનું સ્નેહભર્યું સ્વાગત કર્યું, “તને જોઈને મને ખૂબ આનંદ થયો, મેઘા. વિશ્વાસ કર, તે ખૂબ જ સચોટ નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં તું પણ મારી સાથે સંમત થઈશ.”

મેઘાને જે પહેલું બાળક મળ્યું તે છ વર્ષનો આરુષ હતો. તે લ્યુકેમિયાથી પીડાતો હતો પણ દરેક કલાકે મસ્તી મજાક કરતો.
“હાથીઓ આટલા કરચલીવાળા કેમ હોય છે?” તેણે પૂછ્યું, આઈ.વી ટ્યુબ જેટલી પહોળી સ્મિતની અનુમતિ આપી રહી હતી, તેણે તેટલું મોટું સ્મિત કર્યું.
“મને ખબર નથી,” અચકાતા, મેઘાએ જવાબ આપ્યો.
“કારણ કે તેઓ ઇસ્ત્રી કરવા માટે અતિશય મોટા છે!” આરુષે જોરથી કહ્યું.

મેઘા હસી પડી. ઘણા લાંબા સમય પછી પહેલી વાર તે ખરેખર હસી; આરુષના મજાક પર એટલી બધી નહીં, પણ તે છોકરાના બીમારી પ્રત્યેના બિન્દાસ વલણથી આશ્ચર્યચકિત થઈ ગઈ. હાસ્ય દુઃખદ ક્ષણોમાં પણ માણસને સ્થિર રાખી શકે. આરુષે તે વાક્યને મૂર્તિમંત બનાવ્યું.

તે દિવસે, મેઘાએ આરુષને વાદળી કાગળના આકાશમાં મેઘધનુષ રંગવામાં મદદ કરી. “મેઘા આંટી, મેઘધનુષ દોરવું એ કાગળને ખુશ કરવા જેવું છે, આપણે તેને ઘણા રંગોથી ભરી રહ્યા છીએ, નહીં?”
આરુષે આટલી સરળ રીતે જે મહાન ફિલસૂફી આપી હતી તેનાથી મેઘા ખૂબ જ પ્રભાવિત થઈ. તેની પહેલી મુલાકાતમાં અને આરુષના શબ્દો દ્વારા, મેઘા શાબ્દિક રીતે તેના ખભા પરથી દુઃખનો ભાર હટતો અનુભવી રહી હતી.
નિર્ણય લેવાયો – તે અહીં જરૂર પાછી આવશે!

ટૂંક સમયમાં, મેઘા નિયમિત મુલાકાતી બની ગઈ. તે સ્કેચબુક, મોડલ બનવાની માટી અને ક્યારેક મોજાંની કઠપૂતળી લઈને આવતી. હોસ્પિટલની પરવાનગી લઈને, તેણે બાળકોના વોર્ડને તેમની જ કલાકૃતિથી શણગાર્યો. કેટલાક બાળકો ડાયનસોર ઇચ્છતા હતા; અન્ય ને પરીઓના કિલ્લા બનાવવા હતા. એક છોકરી ઘરની અંદર તારાઓ જોવા માંગતી હતી, તેથી મેઘા અંધારામાં ચમકતા સ્ટીકરો લાવી અને છત પર એક આકાશગંગા બનાવ્યું.

દરેક સત્ર સાથે, તેના અંદર કંઈક ઓગળતું ગયું. મેઘાએ ક્યારેય અંકિતા વિશે વાત ન કરી. પણ એક બપોરે, નિધિ નામની છોકરીએ તેને પૂછ્યું, “શું તમારા બાળકો છે?”
મેઘા અચકાઈ. પછી માથું હલાવ્યું.
“તેઓ મસ્ત હશે ને?”
અને બસ, મેઘાનો ચહેરો લાંબા સમયથી ગેરહાજર સ્મિતથી ચમકી ઉઠ્યો. મેઘાએ અંકિતાના મૃત્યુ વિશે સ્પષ્ટતા ન કરી, પરંતુ આંસુ રોકીને, તેણે ધીમેથી કહ્યું, “તે અદ્ભુત છે.”

નવી મેઘાને જોઈને મોહનને ખૂબ જ રાહત થઈ. મેઘાને ફક્ત તેના દુઃખમાંથી શાંતિ નહોતી મળી, પરંતુ જીવન જીવવાનો એક નવો હેતુ પણ મળી ગયો હતો. હોસ્પિટલમાં બીમાર બાળકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ તેઓ ચોક્કસપણે તેની પત્નીને સાજા કરવામાં મદદ પણ કરી રહ્યા હતા.

Related Post