શ્રેયાર્થ યુનિવર્સિટીના શ્રી શાંતિલાલ શાહ સેન્ટર ફોર મીડિયા એક્સેલન્સ દ્વારા આજે શ્રી એચ. કે. કોમર્સ કોલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે “AI Workshop for Media, PR & Journalists” શીર્ષક હેઠળ વિશેષ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રેયાર્થ યુનિવર્સિટીના પ્રો. (ડો.) અપૂર્વ રાવલએ તમામ મીડિયા હાઉસ અને તેમના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે શ્રેયાર્થ યુનિવર્સિટી નવા સંશોધન સમાજ સુધી પહોંચે અને લોક હિતમાં સંશોધનનો વ્યાપક ઉપયોગ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ ઉમદા પ્રયત્ન અંતર્ગત આ વર્કશોપમાં પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનના 60થી વધુ વિદ્યાર્થીઓ સાથે મીડિયા ક્ષેત્રના અનુભવી દિગ્ગજો, અખબારોના માલિકો અને વરિષ્ઠ તંત્રીઓએ સક્રિય ભાગ લીધો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે ગુજરાત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અગ્રણી મીડિયા હાઉસના પ્રતિનિધિઓએ પણ આ સંવાદાત્મક સત્રમાં હાજરી આપી હતી.

આ માસ્ટરક્લાસનું સંચાલન AI સ્ટ્રેટેજિસ્ટ અને Future Tech expert શ્રી વિઝન રાવલે કર્યું હતું. તેમણે ન્યૂઝરૂમમાં પરિવર્તન લાવી રહેલાં આધુનિક AI ટૂલ્સ અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપી હતી. શ્રી રાવલે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, ઇન્ટેલિજન્ટ એડિટોરિયલ વર્કફ્લો અને ન્યૂઝરૂમ ઓટોમેશનની વ્યવહારુ પદ્ધતિઓનું નિદર્શન કર્યું હતું. સાથે જ તેમણે ઉભરતા એજન્ટિક AI ક્ષેત્ર વિશે મહત્વપૂર્ણ માહિતી આપી અને સમજાવ્યું કે મલ્ટી-એજન્ટ ફ્રેમવર્ક, ઓટોનોમસ એજન્ટ્સ અને ઓટોમેટેડ પાઇપલાઇન્સ કેવી રીતે ડિજિટલ રિપોર્ટિંગ, તપાસલક્ષી સંશોધન, કન્ટેન્ટ ક્યુરેશન અને ફેક્ટ-ચેકિંગના ક્ષેત્રને નવો આકાર આપશે.

AQe ગ્રુપના CTO જીગર મિસ્ત્રી દ્વારા આ AI ના વિવિધ પ્રકારો, ટેકનિકલ પ્રોસેસ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી
સત્રના અંતે યોજાયેલા ખુલ્લા સંવાદમાં વિદ્યાર્થીઓ અને મીડિયા અગ્રણીઓએ ઓટોમેટેડ અને એજન્ટિક ન્યૂઝરૂમના વાતાવરણ સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે તાલમેલ સાધવો તે અંગે ચર્ચા કરી હતી.

