Sat. Jun 6th, 2026

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

By Shilpa Shah ( પ્રોફેસર HKBBA કોલેજ )

 

કર્મના સિધ્ધાંત અનુસાર દરેક વ્યક્તિએ પોતાના કર્મના ફળ સુખ-દુઃખરૂપે જન્મ-મરણના ફેરા ફરી ભોગવવા પડતા હોય છે અર્થાત એવું માનવામાં આવે છે કે જીવનના દરેક દુઃખ કે જન્મ પાછળ કર્મ જવાબદાર છે, તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે પ્રથમ કર્મ થયું કેવી રીતે કે જેના ફળ રૂપે આજે પણ જીવ દુઃખી છે અને ભોગવી રહ્યો છે, જીવાત્માનો કર્મ સાથેનો સહયોગ કેટલો પ્રાચીન છે? જેમ આ દુનિયાના સર્જન સંદર્ભે વિચારતા એક પ્રશ્ન હરહંમેશ થાય કે સર્જન કર્યું કોણે? ને કેવી રીતે? અર્થાત બાયોલોજીના નિયમ અનુસાર પ્રથમ કોણ આવ્યું? મરઘી કે ઈંડુ કેમકે ઈંડા વગર મરઘી શક્ય નથી અને મરઘી વગર ઈંડુ આવે ક્યાંથી, એ દ્રષ્ટિએ પ્રથમ ઈંડું કે મરઘી જેવા પ્રશ્નો દરેકને હંમેશા મૂંજવતા હોય છે. કોઈ જીવાત્મા કર્મોની જાળમાંથી છટકી શકતો નથી તેમ જ એક કર્મ ભોગવવા જતા બીજા અનેક નવા કર્મો બાંધી બેસે છે. કર્મ અને કર્મફળના આવા ભવંડરમાંથી બચવા પ્રયત્નશીલ વ્યક્તિને પોતાના અભ્યાસ દરમ્યાન કર્મ કોને કહેવાય, કર્મ કેટલા પ્રકારના હોય, કર્મબંધન થાય કેવી રીતે અને એમાંથી છૂટવું કઈ રીતે વગેરે સમજતી વખતે વારંવાર એક પ્રશ્ન સતાવતો હોય છે કે કર્મનો પ્રથમ સંયોગ જીવાત્મ સાથે થયો કેવી રીતે?

જીવ માત્રનું અંતિમ લક્ષ્ય છે કર્મરહિત અવસ્થા, જેને મુક્તિ કે મોક્ષ તરીકે ઓળખવામાં આવે છે. દરેક દુઃખો, બંધનો, પીડાઓ, અજ્ઞાન, વાસનાઓ કે કામનાઓમાંથી મુક્ત થઈ પરમ શાંતિ અને અનંત આનંદની અવસ્થા દરેક ઈચ્છે છે જેના માટે સૌથી વધુ બાધક કોઈ હોય તો તે કર્મ છે. કર્મ જ જન્મનું કારણ છે અને જન્મ સાથે આધિ-વ્યાધિ-ઉપાધિ જોડાયેલા છે જેથી તેને સહન કર્યા વગર છુટકો નથી. તેમ છતાં જીવનપર્યંત જીવાત્મા શાંતિ અને આનંદ ઈચ્છે છે, જેના માટે કર્મમુક્તિ અનિવાર્ય છે. કર્મ એ કોઈ સામાન્ય ક્રિયા નથી કર્મ તો જન્મનું બીજ છે, કર્મ દુઃખનું બીજ છે. હવે જો જીવનમાં દુઃખનું કારણ ક્રિયા નથી પણ કર્મ છે તો વિચારશીલ વ્યક્તિને પ્રશ્ન થાય કે કર્મ અને ક્રિયામાં શું ફર્ક અને જીવાત્મા સાથે કર્મ જોડાયું કેવી રીતે? સૌ પ્રથમ સમજીએ કર્મ કોને કહેવાય. તમામ પ્રકારના સામાન્ય કાર્ય કે ક્રિયા કર્મ નથી, ચોક્કસ પ્રકારની ઈચ્છા કે કામના સાથે સ્વાર્થની પૂર્તિ અર્થે મન, વચન કે કાયાથી કરેલા કાર્યો જ કર્મ બને છે. ટૂંકમાં “કર્મ એટલે સંકલ્પ કરીને, ફળના હેતુ સાથે કરવામાં આવતા કાર્યો.” સામાન્ય ક્રિયા કે કાર્યમાં જયારે ઉદેશ્ય, વૃત્તિ અને અહંકારનું તત્વ ભળે એટલે સાદી ક્રિયા પણ કર્મ બની જાય પછી તેના ફળ ભોગવવા જ પડે. કોઈ પણ પ્રકારની ક્રિયા કે કાર્યથી ડરવાની જરુર નથી કેમ કે કોઈ ક્રિયા કે કાર્ય બંધનકારક કે પીડાદાયક નથી પરંતુ સામાન્ય ક્રિયા કે કાર્ય કર્મ ન બની જાય તેની તકેદારી અવશ્ય રાખવી જોઈએ.
શાસ્ત્રો જણાવે છે કે જીવ સાથેનો કર્મનો સંયોગ અનાદિ છે કેમ કે વિરાટ અસ્તિત્વમાં જીવ અને કર્મનું સહઅસ્તિત્વ હોય છે અર્થાત બંને સર્વથા સાથે જ રહે છે. કર્મ આપણી મતિને (બુદ્ધિને વિવેકને) ભ્રષ્ટ કરે છે એ દ્રષ્ટિએ આપણો ખરો શત્રુ કર્મ જ છે. પરંતુ આપણે આવા શત્રુને પોતાનો અંગત મિત્ર માની તેને પોષીએ છીએ. કર્મ વગર તો એક સેકન્ડ રહી શકાતું નથી અને જેના વગર રહી ના શકાય એ તો અતિપ્રિય પાત્ર જ હોઈ શકે, જેને છોડવું સરળ નથી. જેના લીધે જીવનમાંથી દુઃખનિવૃત્તિ સંભવ બની શકતી નથી. દુઃખના કારણ બીજને સતત પોષવાથી દુઃખ ઘટે કેવી રીતે? જીવાત્માને કર્મથી અલગ કર્યા વગર પરમાત્મા પણ તેને દુઃખમુક્ત કરી શકતો નથી કેમકે કર્મની સત્તા ખૂબ શક્તિશાળી છે. કર્મ એ જડ પરમાણુઓનો જથ્થો છે, જે આત્માને વળગ્યો છે. જેટલો વધુ વળગાટ અથવા જેટલી વળગણમાં ચિકાશ વધુ, તીવ્રતા વધુ તેટલું કર્મથી છૂટવું મુશ્કેલ. કર્મના જડ પરમાણુઓમાં એટલી અનંત શક્તિ હોય છે કે તે ચેતન એવા આત્માને પણ શક્તિહીન બનાવી દે છે. કોઈને કદાચ થાય કે શું જડમાં ચૈતન્ય કરતાં પણ વધારે શક્તિ હોય છે, ના એવું નથી પરંતુ સૂક્ષ્મ પરમાણુઓની તાકાતનો પરચો આજના વિજ્ઞાનયુગના લોકોએ અણુબોમ દ્વારા અનુભવ્યો છે. જેથી સૂક્ષ્મ અણુ કે પરમાણુને પણ ઓછા શક્તિશાળી સમજવાની ભૂલ કરવા જેવી નથી. વીજળી શક્તિ, યાંત્રિક શક્તિ વગેરે જડની શક્તિના જ ઉદાહરણ છે જે ઘણી બળવાન છે. વળી જ્યારે આવા શક્તિશાળી જડ (કર્મ) પરમાણુઓને જીવાત્મા સાથે (ચેતન સાથે) સંસર્ગ થાય ત્યારે તે વિશેષ શક્તિશાળી બની જાય છે અને ચૈતન્ય પણ ઘણીવાર તો જડની જેમ વર્તવા માંડે છે. જડ (કર્મ) અને જીવ (ચૈતન્ય) સ્વભાવમાં અલગ હોવા છતાં અર્થાત પ્રકૃતિથી જુદા હોવા છતાં જ્યારે જોડાય છે ત્યારે અનહદ શક્તિશાળી બની જાય છે, જેને છુટા પાડવા મોટા ભાગે અશક્ય બની જાય છે. જેવું કર્મને જીવથી અળગું કરવામાં આવે કે તરત ચૈતન્ય પોતાના સ્વભાવમાં આવી જાય છે. જેમ ગેસ ભરેલા ફુગ્ગાને પથ્થરથી બાંધી રાખવામાં આવે તો શક્તિશાળી હોવા છતાં વળી ફુગ્ગાની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વ હોવા છતાં જડ એવા પથ્થર સાથેના જોડાણને કારણે, તે ઉપર ઉડી શકતો નથી, એ જ રીતે આત્મા (જીવ) શક્તિશાળી હોવા છતાં કર્મના જડ પરમાણુ સાથેનો સંયોગ તેને પકડી રાખે છે.

સમગ્ર સંસાર જડ અને ચેતનની રમત જ છે. જીવાત્માની સમગ્ર દોડ જડ એવા લાડી-ગાડી-વાડી તરફની જોવા મળે છે. જો જડથી જીવાત્મા પ્રભાવિત ન થાય તો જડ (કર્મના પરમાણુઓ) તેને વિશેષ હેરાન કરી શકે નહીં અર્થાત જીવને ચોંટી શકે નહીં. અસ્તિત્વમાં કર્મના જડ પરમાણુ અને જીવાત્મારૂપી ચૈતન્ય સાથે જ રહેતા હોવાથી જ્યારે જીવાત્મા આવા જડ પરમાણુ તરફ આકર્ષાય છે ત્યારે લોચુંબકની જેમ કર્મના પરમાણુઓ જીવને વળગી જાય છે. જીવાત્માની જેટલી આસક્તિ આ જડ પરમાણુ (કર્મના પરમાણુ) તરફ વિશેષ એટલો તેનો સંયોગ સખત. જેમ બે કાગળને બહુ ઓછા ફેવિકોલથી આછાપાતળા ચોંટાડવામાં આવે તો ગમે ત્યારે તેમને થોડા પ્રયત્નોથી છૂટા પાડી શકાય પરંતુ જો અતિશય ફેવિકોલ સાથે જબરજસ્ત રીતે જોડવામાં આવે તો બે કાગળ કદાપિ એકબીજાથી છૂટી શકે નહીં. એ જ રીતે જીવ અને કર્મ અસ્તિત્વમાં સાથે જ અનાદિકાળથી હોવાથી અને જીવાત્માના જડ કર્મ પરમાણુ પ્રત્યેના આકર્ષણથી તેઓનો સંયોગ થયો છે અને આ સંયોગ ક્ષણેક્ષણ સુખ અથવા દુઃખનું સર્જન કરે છે. જો એનાથી બચવું હોય તો કર્મ અને જીવનો સંયોગ નબળો પાડવો પડે. જેથી જીવાત્મા ધીરેધીરે કર્મની પકડમાંથી છૂટી શકે. જો જીવાત્મા જડથી પ્રભાવિત થવાનું છોડી દે અને પોતાની સ્વ અવસ્થામાં અવસ્થિત થઈ જાય તો સુખ-દુઃખરૂપી સંસાર જ સમાપ્ત થઈ જાય. પરંતુ ચેતન જીવાત્મા હંમેશા જડનો (કર્મનો) સંયોગ ઝંખે છે, જેથી સંસાર ચાલુ રહે છે. આમ સંસારનું કારણ જીવાત્માનો કર્મ પરમાણું સાથેનો અર્થાત જીવનો જડ સાથેનો પ્રેમ જ છે.

એ સમજવું જરૂરી છે કે જીવાત્માએ અનંત સંપદા ક્યાંય બહારથી મેળવવાની નથી, અસીમ સંપદા તો આત્માનો પોતાનો સ્વભાવ છે. આત્માએ માત્ર કર્મના જડ પરમાણુથી દૂર થઈ પોતાની સંપદાઓનો આવિર્ભાવ કરવાનો છે અને

Related Post