એ હૃદયથી પૂર્ણ ગરવો જોઈએ,
તો પછી વિશ્વાસ કરવો જોઈએ.
રામ છો? તો આવ ને સાબિત કર,
ફેંક પથ્થર જળમાં તરવો જોઈએ.
ભેદ શ્રદ્ધાનો સમજવો હોય તો,
એક માનવ મનથી નરવો જોઈએ.
હોય મક્કમ એજ સાથી આપણો,
એ પવન સાથે ન ફરવો જોઈએ.
સાવ સાચી હોય જો દિલની દુઆ,
કોઈ તારો આજ ખરવો જોઈએ.
છે કપટથી જીતવાની વાત ત્યાં,
સ્હેજ આતમ પાપે ડરવો જોઈએ.
પેટ ભરવું એજ ક્યાં ઉદેશ્ય છે?
પૂણ્યથી ખલકો ય ભરવો જોઈએ.
મોતની આખર ઘડી પહેલાં સહજ,
દેહ ભીતર મોહ મરવો જોઈએ.
ભાવ જાગે હંસ સરખાં એ મનખ,
મનથી મોતી ચારો ચરવો જોઈએ.
~દિલીપ ધોળકિયા “શ્યામ”

