Sun. Feb 23rd, 2025

મનુષ્યજગતમાં કોઈને પણ “મૂર્ખ” શબ્દ પસંદ નથી. બાળકથી લઈ વૃદ્ધ કોઈપણ ઉંમરના વ્યક્તિને જો કોઈ મૂર્ખ કહી સંબોધે તો તે ખૂબ હતાશ નિરાશ થઈ આવેશમાં આવી ક્રોધિત થઇ જાય છે કેમકે દરેક મનુષ્ય પોતાની જાતને હોશિયાર બુદ્ધિશાળી અને સમજદાર સમજે છે. તે કદાપિ એ સ્વીકારી જ શકતો નથી કે પોતે મૂર્ખ પણ હોઈ શકે. વિદુરનીતિના ગહન અભ્યાસ દ્વારા એવું સમજાય છે કે જગતના મોટાભાગના મનુષ્યો મૂર્ખની કેટેગરીમાં આવે છે એ વાત જુદી છે કે તેઓને ક્યારેય અહેસાસ નથી થતો કે પોતે મૂર્ખ છે જેથી તેવો સ્વીકારી પણ શકતા નથી.
ભારતીય સંસ્કૃતિના વિશ્વકોશનું સ્થાન પ્રાપ્ત કરનાર મહાભારત આપણી મહામૂલી સંપત્તિ છે. જેમાં માનવજીવનની તમામ પ્રકૃતિઓનું શ્રેષ્ઠ નિરૂપણ છે. એટલે જ કહેવાય છે કે જે મહાભારતમાં નથી તે ભારતમાં પણ નથી. એમાંય મહાભારતના ત્રણ વિભાગ તો ઉત્તમ કોટીના છે જેને ભગવાને પ્રિય ગણ્યા છે. જેમાં સમાવેશ થાય છે ૧) વિષ્ણુનામસહસ્ત્ર ૨) શ્રીમદ ભગવદ ગીતા અને ૩) વિદુરનીતિ. જીવનમાં સુખ ઈચ્છતા દરેક મનુષ્યે વિદુરનીતિનું વાંચન અવશ્ય કરવું જોઈએ. વિદુરનીતિના કુલ આઠ અધ્યાયો છે. જેમાં તમામ નીતિશાસ્ત્રનો સાર આવી જાય છે. જેમાં સુખ માટે મહેનત કરવા છતાં લોકો સુખી કેમ થતા નથી? ઊંઘ કોને નથી આવતી? ડાહ્યો માણસ કોને કહેવાય? મૂર્ખ કોને કહેવાય? કંજૂસ કોને કહેવાય? લોભી કોને કહેવાય? સાચો શિષ્ય કોને કહેવાય? નિર્દયી માણસ કોને કહેવાય? સાચો મિત્ર કોને કહેવાય? કોનું જીવન નિષ્ફળ ગયું ગણાય? સાચો ગૃહસ્થ કોણ? જેવા અનેક પ્રશ્નોના જવાબ મળે છે. આમ વિદુરનીતિ જીવનઘડતરનું શાસ્ત્ર છે.

આજે આપણે એના આધારે મૂર્ખ કોને કહેવાય, તેની ટૂંકી ચર્ચા કરીશું. વિદુરજીના મતે મૂર્ખના લક્ષણો નીચે પ્રમાણે છે. જેના અભ્યાસ દ્વારા આપણે આપણી પોતાની જાતનું પણ નિરીક્ષણ કરી શકીએ કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ અને જો સ્વીકારી શકાય કે આપણે મૂર્ખ છીએ તો ડાહ્યા બનવાનો કે સમજદાર બનવાનો પ્રયાસ અવશ્ય કરી શકાય. મૂર્ખ માણસના થોડા લક્ષણ નીચે મુજબ છે,

૧) એવો મનુષ્ય કે જેનામાં યથાર્થ જ્ઞાન ન હોય પરંતુ અહંકાર વિશેષ હોય તે મહામૂર્ખ છે. જેણે શાસ્ત્રો પુરા જાણ્યા નથી, વાંચ્યા નથી, સમજ્યા નથી, આચરણમાં મૂક્યા નથી પરંતુ તેની બે-પાંચ વાતો જાણી તેનું સતત અભિમાન કરે છે, લોકો પાસે દેખાડો કરે છે, તેવા લોકો વિદુરજીના મતે મહામૂર્ખ છે.

૨) દરિદ્ર હોવા છતાં મોટી-મોટી વાતો કરે તે પણ મૂર્ખ છે. ઘરમાં પૈસા ન હોય, મહિનાના અંત સુધી પૈસો પહોંચતો ન હોય છતાં લાખો કરોડો રૂપિયાની વાતો કરતા હોય, દેખાડો કરતા હોય, મોટા-મોટા મનસુબા બનાવતા હોય, શક્તિ બહારના સપના જોતા હોય તેઓને વિદુરજી મૂર્ખ ગણે છે.

૩) એ જ રીતે નીચકર્મથી અનીતિ દ્વારા જે પૈસાદાર થવાનો પ્રયત્ન કરે છે તે મૂર્ખ છે કેમકે તેને ખબર નથી કે અનિતીનો પૈસો જીવનમાં કદાપી સુખ શાંતિ લાવી શકતો નથી. જુગાર રમીને પૈસાદાર થવા ઇચ્છનાર પણ મૂર્ખ છે. દુર્યોધનની જેમ બધું પચાવી પાડવાની દાનત રાખનાર મૂર્ખ છે.

૪) પોતાનું કામ છોડી એટલે કે સ્વધર્મને છોડી અન્યનું કામ કરવા તત્પર રહે તે પણ મૂર્ખ છે. અર્થાત જે કાર્ય ઈશ્વરે તમને સોપ્યું છે કે જે વ્યક્તિગત ક્ષમતા અનુસાર કે વર્ણ અનુસાર વ્યક્તિએ કરવું જોઈએ તેના બદલે દેખાદેખી અન્યના કાર્ય તરફ આકર્ષાય તે મૂર્ખ છે. ગુલાબ ખીલીને કમળ બનવાની ઈચ્છા રાખે છે તો એ મૂર્ખામી જ કહેવાય કે નહિ? ગાય પોતાનો સ્વધર્મ ભૂલી ઘોડો બનવાનો પ્રયત્ન કરે એટલે કે દૂધ આપવાના બદલે રેસમાં દોડવાનું પસંદ કરે તો તે મૂર્ખ ન કહેવાય? સચિન તેંડુલકર ક્રિકેટ છોડી લતા મંગેશકરની જેમ સિંગર બનવા જાય તો મુર્ખામી ગણાય. આવા તમામ ઉદાહરણ મૂર્ખની કેટેગરીમાં આવે છે. આપણા બધાના જીવનમાં દુઃખ છે કેમકે આપણે આપણી ક્ષમતા યોગ્યતા જાણ્યા વગર અન્ય જેવા બનવાનો પ્રયત્ન કરીએ છીએ. આ મહામૂર્ખનું અગત્યનું લક્ષણ છે.

૫) પોતાના મિત્ર માટે પણ જો વ્યક્તિ મિથ્યાઆચરણ તરફ વળે તો તે મૂર્ખ છે, જેમ કે કર્ણ કેમકે મિથ્યા આચરણ જીવનને નર્ક સમાન બનાવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વ્યક્તિ પોતાનું સ્વમાન પણ ગુમાવી બેસે છે. ગમે તેટલા સારા ગુણો હોવા છતાં લોકો તેને પસંદ કરતા નથી. કોઈ સંવેદનશીલ કારણસર પણ મિથ્યા આચરણ કરનાર મૂર્ખ છે.

૬) પોતાના પર સ્નેહ રાખનાર સ્નેહીઓનું જે અપમાન કરે અને પારકાને કે જેને તમારા પર સ્નેહ નથી તેને પોતાના બનાવવા કઠિન પ્રયાસ કરે તે મૂર્ખ ગણાય. સાચું પૂછો તો આપણે સૌ આજીવન પોતાના સ્વજનોને દુઃખી કરી અર્થાત ઘરના લોકોને દુઃખી કરી અન્ય પારકાઓને કે જેનામાં આપણને કોઈ અંગત લાભની અપેક્ષા છે તેમને ખુશ કરવાનો પ્રયત્ન જ અવિરત કરતા હોઈએ છીએ. એના પરથી જ કહેવત પડી છે કે “ઘરના છોરું ઘંટી ચાટે અને પારકાને લોટ” જેનાથી “બાવાના બેય બગડ્યા” જેવા હાલ થતા હોય છે. પારકા પોતાના કદાપી થઈ શકતા નથી અને પોતાનાને ખોઈ બેસવાનો વખત આવે છે. જેથી વિદુરજી કહે છે કે સ્નેહીઓનું અપમાન કરનાર, સ્વજનોની અવગણના કરનાર અને પારકાને પોતાના બનાવવા ઇચ્છનાર મૂર્ખ છે. સુખડ સુગંધ આપશે બાવળ કદાપી નહીં તે જે સમજે એ જ ડાહ્યો માણસ છે. પોતાના સ્નેહીને તરછોડી અન્યને સ્નેહી બનાવવા જાય તે મૂર્ખ ગણાય.

૭) પોતાનું કામ જાતે ન કરે તે મૂર્ખ છે કારણ કે કામ જાતે ન કરીને વ્યક્તિ આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓને આવકારે છે. જેમ કે ઘરના દૈનિક કામો કામવાળા પાસે કરાવવાના અને પછી આરોગ્ય માટે જીમમાં જવાનું એ ક્યાંની સમજણ કહેવાય? ઘરનું કામ પૈસા આપીને કરાવડાવવાનું અને એ પણ ઉત્તમ કોટીનું તો મળી ન શકે એટલે ગમે તેવું ચલાવી લેવાનું અને પોતાના સ્વાસ્થ્ય માટે કસરત કરવા જીમમાં જઈ પૈસા ખર્ચવાના શું આ મૂર્ખામી નથી? પોતાનું કામ કે જે વગર પૈસે થઇ શકે તેના માટે પૈસા ખર્ચવાના અને ઘરના જે રૂટીન કામ દ્વારા સ્વાભાવિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય તેના બદલે કસરત અર્થે જીમમાં પૈસા આપવાના અને તેમ છતાં બંને દ્વારા ધાર્યું પરિણામ તો મળી શકે જ નહીં તો શું આ મૂર્ખામી ન કહેવાય?

૮) કોઈપણ કાર્યમાં અતિ વિલંબ કરનાર મૂર્ખ છે. કેમ કે તે નિર્ણય લેવા સક્ષમ નથી અથવા એટલી બુદ્ધિ ધરાવતો નથી. વળી આળસ પણ મૂર્ખાઓનું લક્ષણ છે. કાર્યમાં વિચારપૂર્વકનો વિલંબ સમજી શકાય. યોગ્ય નિર્ણય લેવા માટે જરૂરી વિલંબ થાય તે યથાર્થ છે. પરંતુ સમય નીકળતો જાય અને કાર્ય થાય જ નહીં એવી અતિ વિલંબિત કાર્યવૃત્તિ એ મૂર્ખાનું લક્ષણ ગણાય.

૯) જે ગૃહસ્થ ઇષ્ટદેવની પૂજા નથી કરતો તે વિદુરજીના મતે મૂર્ખ છે. જીવનમાં અનેક અવરોધો મનુષ્યને નડતા રહે છે. ગ્રહપીડા, પનોતી, ઉપાધિઓ વગેરે. પરંતુ દરેકનું સમાધાન ઇષ્ટદેવ પરની દ્રઢ શ્રદ્ધા દ્વારા શક્ય બને છે. જેથી ઇષ્ટદેવની પૂજા ન કરનારને વિદુરજી મૂર્ખ માને છે.

૧૦) સાચા મિત્રને મળવાનું જે ટાળે તે પણ મૂર્ખ છે કેમકે જીવનમાં સાચા મિત્ર કિસ્મતથી મળે છે. તેને ટકાવી રાખવામાં બેદરકાર રહેનાર માણસ મૂર્ખ ગણાય. સાચા મિત્ર જીવનની ઘણી મુશ્કેલીઓ અને અવરોધો દૂર કરવામાં ઉપયોગી નીવડે છે, આટલું ન સમજનારને મૂર્ખ નહીં તો શું કહેવાય?

૧૧) જે ઘરમાં આવકાર ન મળે ત્યાં જનાર મૂર્ખ છે. કેમકે સ્વમાનના ભોગે જીવનારને ડાહ્યો માણસ કહી શકાય નહીં. સમજદાર માણસ ક્યારેય “કેમ છો – શું ચાલે છે” એમ કહી કોઈના ઘરમાં સીધો ઘુસી જતો નથી.

૧૨) જે વસ્તુ કે ક્રિયા આપણને ન ગમતી હોય તે કદાપી અન્ય સાથે ન કરવી. આપણી કોઈ મશ્કરી કરે, અપમાન કરે, આપણા તરફ ધ્યાન ન આપે તે જો આપણને ન ગમતું હોય તો તેવું વર્તન અન્ય સાથે કરનાર મૂર્ખ ગણાય.

૧૩) પુરુષાર્થથી સતત ભાગતો રહે અને ભગવાન પાસે પોતાની દરેક જરૂરિયાત માટે અવિરત માંગણી કરતો રહે તે મૂર્ખ છે. દરેક મનોરથ કે જીવનના ઉદ્દેશો પુરા પાડવા અંગે ભગવાનના આધારે બેસી રહે તે મૂર્ખ છે. કોઈ પણ કાર્ય માટે પહેલા પ્રયત્ન પછી પ્રાર્થના ત્યારબાદ જરૂરી પ્રતીક્ષા અને અંતે પરિણામ એ જ સફળતાનો ક્રમ છે એ જે ન સમજે તે મૂર્ખ છે.

૧૪) ગજા બહારનું કામ હાથ પર લેનાર મૂર્ખ કહેવાય. પોતાની શક્તિ સામર્થ્યને સમજીને કામ હાથ પર લેનાર ડાહ્યો ગણાય.

૧૫) વગર વિચારે કોઈનું અપમાન કરે તે મૂર્ખ ગણાય.

૧૬) જે વસ્તુ પોતાને મળવાની ન હોય તેની અપેક્ષા કરે તે મૂર્ખ ગણાય, અણહકકનું લેવાની અપેક્ષા રાખે તે મૂર્ખ છે કેમકે તે દ્વારા વ્યક્તિ હંમેશા જીવનમાં દુઃખને આમંત્રણ આપે છે.

૧૭) સાધુપુરુષ (અર્થાત સજ્જન), સ્વજનોમાં જેને વિશ્વાસ નથી, તેમના પર જેને પ્રેમભાવ નથી તે મૂર્ખ છે.

૧૮) સહન કરે તે ડાહ્યો માણસ કહેવાય અને સહનશક્તિ વગરનો માણસ મૂર્ખ ગણાય. જે નિંદા સાંભળી શકે તે ડાહ્યો અને જે પોતાની નિંદા ન સાંભળી શકે તે મહામૂર્ખ. જે પોતાની નિંદા સાંભળી શકે તે જ સમગ્ર જગતને જીતી શકે આવી સમજણ જેનામાં નથી તે અવશ્ય મૂર્ખ છે.

ટૂંકમાં ઉપર પ્રમાણેના અઢાર લક્ષણો ધરાવતો માણસ વિદુરજીના મતે મુર્ખ છે કેમ કે ઉપર પ્રમાણેની સમજણના અભાવમાં વ્યક્તિ જીવનને સાર્થક કરી શકતો નથી અને જીવનભર દુઃખમાં વિતાવે છે. આ વાંચ્યા પછી જો તમને પણ લાગતું હોય કે આમાંના અમુક લક્ષણો આપણામાં પણ છે તો તેને દૂર કરવાનો પ્રમાણિક પ્રયન્ત થવો જોઈએ એટલું તો હું અહી અવશ્ય કહીશ.

~ શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

Related Post

You Missed