ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (3 જાન્યુઆરી, 2025) બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (NIMHANS)ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે, અસાધારાણ દર્દીની સંભાળ સાથે નવીન સંશોધન અને કઠોર શૈક્ષણિક કાર્યક્રમે NIMHANSને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં નિર્વિવાદ લીડર બનાવી દીધા છે. સમુદાય-આધારિત માનસિક આરોગ્ય સંભાળના બેલ્લારી મોડેલે ઇતિહાસ રચ્યો છે. હવે, ટેલિ માનસ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ નોંધતા આનંદ થાય છે કે દેશભરમાં 53 ટેલિ માનસ સેલે છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની પસંદ કરેલી ભાષામાં લગભગ 17 લાખ લોકોને સેવા આપી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતકાળમાં, માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અને ચિંતાઓ પર કેટલાક સમાજોમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જોકે, તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ વધી રહી છે. માનસિક બીમારીઓ સાથે સંકળાયેલી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને કલંક ભૂતકાળની વાત છે, જેના કારણે વિવિધ બિમારીઓથી પીડાતા લોકો માટે મદદ લેવાનું સરળ બને છે. ખાસ કરીને આ તબક્કે આ એક આવકારદાયક વિકાસ રહ્યો છે, કારણ કે વિશ્વભરમાં વિવિધ માનસિક આરોગ્યના મુદ્દાઓ રોગચાળાનું પ્રમાણ લઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વધતી જાગૃતિથી દર્દીઓ માટે તેમની સમસ્યાઓ શેર કરવાનું શક્ય બન્યું છે. તેમને એ જાણીને આનંદ થયો હતો કે નિમ્હાંસે ગમે ત્યારે ગમે ત્યાં કાઉન્સેલિંગની સુવિધા આપવા માટે ટેલિ માનસ અને બાળક અને કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંવાદ પ્લેટફોર્મ જેવી ઘણી પહેલ કરી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને સંતો પાસેથી મળેલા જ્ઞાન અને જીવનના પાઠ આપણને બધાને એક આધ્યાત્મિક માળખું વિકસાવવામાં મદદ કરી શકે છે, જેની અંદર આપણે જીવનના ઉતાર-ચડાવને સમજી શકીએ છીએ જે મનના સંતુલનને પ્રભાવિત કરે છે. આપણા શાસ્ત્રો આપણને જણાવે છે કે વિશ્વમાં આપણે જે કંઈ પણ અનુભવીએ છીએ તેના મૂળમાં મન છે. તેમણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની તકલીફ દૂર કરવા માટે યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓને આધુનિક આરોગ્ય સંભાળની પદ્ધતિઓ સાથે સફળતાપૂર્વક સામેલ કરવા બદલ NIMHANSની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વસ્થ મન એ સ્વસ્થ સમાજનો પાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્ઞાન અને બુદ્ધિની સાથે કરુણા અને દયા ડૉક્ટર્સ અને અન્ય માનસિક હેલ્થકેર નિષ્ણાતોને તમામ પરિસ્થિતિઓમાં દરેક સમયે સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારસંભાળ પ્રદાન કરવામાં માર્ગદર્શન કરશે.