Sat. Jun 6th, 2026

ગમતી વ્યક્તિ જો ભેટવા આવે ( સંદીપ પૂજારા )

સઘળા દુઃખની તો એક દવા આવે!
ગમતી વ્યક્તિ જો ભેટવા આવે!

વિશ્વ આખું હું મારુ આપી દઉં,
કોઈ ખુદને જો આપવા આવે!

માત્ર ગમતી રમત રમાડે, રમે,
જીતવા નહિ, ન હારવા આવે!

સ્વપ્ન જોઉં છું જેનું રાત દિવસ
એ જ સાચું બનાવવા આવે!

ખાતરી છે કે આવશે સાથે,
એ ભલે માર્ગ ચીંધવા આવે!

સ્વાર્થ બંનેનો એક સરખો હોય,
જીવવા ને જીવાડવા આવે!

એની ચાહત બને પૂજા મારી,
ચાહ છોડી જો ચાહવા આવે!

સંદીપ પૂજારા

Related Post