૧૧ વર્ષના એકને બાળકને તેના માતા-પિતા દરરોજ નાસ્તામાં પડીકાં ખવડાવે છે. પડીકાને કારણે તેમને રાંધવું પડતું નથી અને તેમનો ઘણો સમય બચે છે શું બનાવવું તેની ચિંતા પણ ઓછી રહે છે. અને બાળકને આ પડીકાં બહુ ભાવે અને રોજ નવા પડીકાં મળે એટલે બાળકને તો મજા જ પડે. આ મજા લાંબો સમય ન ચાલી…
થોડાં વખતમાં બાળકને માથાનો દુખાવો શરુ થયો અને આંખે ધૂંધળું દેખાવાની ફરિયાદ કરી. માતા-પિતા બાળકને ડૉક્ટર પાસે લઈ ગયાં. ડૉક્ટરે તેમને કહ્યું કે, ‘ તમારા બાળકને બ્લડ પ્રેશર છે.’ ત્યારે માતા-પિતા ચોંકી ગયા. કે આટલા નાની ઉંમરના તેમના બાળકને બ્લડ પ્રેશર!
ડૉક્ટરે કડક સલાહ આપી કે,
- બાળકે તાત્કાલિક વજન ઘટાડવું પડશે.
- પડીકાં ખાવાનું ઓછું કરવું પડશે અને
- જેમાં વધારે મીઠું હોય એટલે કે ખારો અને ચટપટો ખોરાક ન ખાવો જોઈએ.
સાથે ડૉક્ટરે ચેતવણી પણ આપી કે જો બાળક તેમ નહીં કરે તો તેને હૃદયરોગ અને ડાયાબિટીસ થઈ શકે છે.
આજે પડીકામાં મળતો ખોરાક આપણા જીવનમાં ઢોરની બગાઈની જેમ ચોટી ગયો છે. ગુજરાતનાં અંતરિયાળ ગામડામાં પણ પ્લાસ્ટિકના પડીકામાં વેફર-નાસ્તા મળતાં થઈ ગયાં છે. વળી શહેરોમાં પડીકાં દરેક શેરીએ અને દરેક ઘર સુધી પહોંચી ગયા છે. આપણા ઘરના રોજ ઘણા મોટા પ્રમાણમાં આ પ્રકારના તૈયાર પડીકામાં મળતાં નાસ્તા અને હોટલનો ખોરાક ખાઈ રહ્યાં છીએ.

આપણા શરીર પર તેની શું અસર થશે તે આપણને ખબર નથી. માત્ર સહેલું પડે છે તે ધ્યાનમાં રાખીને દિવસે-દિવસે આ પડીકામાં મળતો ખોરાક અને હોટલનો ખોરાક વધી રહ્યો છે. આપણે જાત્રામાં કે પ્રવાસમાં તો કેટલો પડીકામાં મળતો ખોરાક ખાઈએ છીએ તેનો હિસાબ પણ રાખતા નથી. સ્ટેશન, બસ સ્ટેન્ડમાં પડીકાં તો મળે જ…જ્યાં ફરવા જઈએ ત્યાં દુકાનોમાં પણ માત્ર પડીકાં જ પડીકાં!
આપણા બાળકો રડે ત્યારે શાંત રાખવા નાકેથી પડીકું લાવીને આપી દઈએ. વળી બાળક મોટું થાય ત્યારે જાતે જ પડીકું લઇ આવે અને ન મળે તો જીદ કરે.
આ પડીકાં શરીર માટે કેમ નુકસાનકારક છે તે સમજીએ.
- આ પડીકામાં શરીર માટે જરૂરી અને ફાયદાકારક વસ્તુઓ ખૂબ ઓછી હોય છે.
- આ પડીકાં લાંબો સમય ચાલે અને ખરાબ ન થાય તે માટે ખોરાક સાથે તેમાં વિવિધ રસાયણો ઉમેરવામાં આવે છે. જે શરીરને લાંબાગાળે નુકસાન કરે છે.
- આ પડીકામાં ખૂબ વધારે મીઠું-નમક હોય છે. એક પડીકાંમાં સમગ્ર દિવસમાં શરીર માટે જરૂરી મીઠું મળી જાય છે. વિચારો કે એક પડીકું ખાઈએ પછી કોઈ ચીજમાં મીઠું ખાવાની જરૂર જ નહીં!
- આ પડીકામાં જે તેલ હોય છે તેમાં ખૂબ ખરાબ ચરબી હોય છે, જેનાથી હૃદયની તકલીફ વધી શકે છે.
- દિલ્હીમાં એક હોસ્પિટલના પેટના રોગો અને ડાયાબિટીસ વિભાગના વડા જણાવે છે કે : આહારમાં વધુ ટ્રાન્સ ચરબી હોવાને કારણે હૃદયરોગનું જોખમ અનેકગણું વધી શકે છે, પરંતુ કંપનીઓ આ અંગે બિલકુલ ચિંતિત દેખાતી નથી.
આ પડીકાનો ખોરાક દાંતમાં ચોંટી જાય છે. દાંતના ડૉક્ટર સમજાવે છે કે ચિપ્સ ચીકણી હોય છે, દાંતમાં ચોટી જાય છે અને કલાકો સુધી મોંમાં રહે છે. તેને કારણે દાંત અને પેઢાને નબળાં બનાવે છે.
પડીકાની આદત કેમ પડે છે? :
પડીકાં બનાવતી કંપનીઓ એવી યોજના બનાવીને કામ કરે છે કે જેથી આપણને વધુને વધુ પડીકાં ખરીદવાનું મન થાય.
- જાણીતા હીરો-હિરોઇન આ પડીકાંની જાહેરાત કરે છે. અથવા બાળકો જ જાહેરાત કરે જેથી બીજા બાળકોને મન થાય.
- બાળકોને ગમે તેવા રમકડાં પડીકાંમાંથી નીકળે તેથી બાળકો ખરીદવા માટે જીદ કરે.
- ઘરના ખોરાક કરતાં પડીકાંને સારા બતાવવામાં આવે છે.
- પડીકાં ખાવાથી આપણને શું નુકસાન થાય છે તેના વિષે પેકેટ પર લખવામાં આવતું નથી.
- પડીકાંના રંગ ધ્યાન ખેંચે તેવા હોય છે. તેથી પડીકું જોઇને ખરીદવાનું મન થાય છે.
પ્રોફેસર ઉદય સિંહા કહે છે કે, ‘જાહેરાત લોકો પર અસર કરે છે અને લોકોને વસ્તુ ખરીદવા તૈયાર કરે છે. લોકોને ખાવાની ઇચ્છા ઊભી કરે છે. લાંબા સમય પછી તે ટેવ બની જાય છે. આ કંપનીઓ છાપામાં આખા પાનાની જાહેરાતમાં, ઘરે રાંધેલા તાજા ભોજનને ખરાબ બતાવી અને પોતાના ખોરાકને ‘સારો’ બતાવશે. આમ કંપનીઓ લોકોને તૈયાર કરી પોતાની વસ્તુનું વેચાણ કરે છે. આ જાહેરાતમાં બાળકોને બતાવીને નાનપણથી જ ટેવ પાડવામાં આવે છે.
બાળકોનું ભવિષ્ય જોખમમાં છે ! :
પોતે સારો ખોરાક આપે છે તેવો દાવો કરતી આ કંપનીઓ આપણા અને આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે રમી રહી છે.
સૌથી ચિંતાજનક વાત એ છે કે જંક ફૂડને કારણે બાળકોમાં નીચેની અસરો જોવા મળે છે.
- ખૂબ જ નાની ઉંમરે હૃદયના રોગો થાય.
- બાળકોનું શરીર જાડું થવું.
- નાની ઉંમરે દાંત બગાડવા અથવા સડી જવા.
- જાડા શરીરને કારણે શરીરમાં બીજા રોગો થાય છે.
બાળકો જાણીતા જંક ફૂડમાં જરૂરિયાત કરતાં અતિશય વધુ ખાંડ, મીઠું અને ચરબી ખાઈ રહ્યાં છે. આ પડીકાં અને પેકેટો પર જણાવેલ વિગતો દ્વારા આપણી સાથે છેતરપિંડી કરી જ રહ્યાં છે, પરંતુ બાળકોનાં જીવન સાથે પણ ચેડાં થઈ રહ્યાં છે. મોટાભાગના પુખ્ત વયના લોકો પણ કંપનીઓના દાવાઓ અને તેમના પર લખેલી વિગતોને સમજ્યા-જાણ્યા વિના માની લે છે. આપણે જ સમજતા નથી તો બાળકોની તો બાળકોને સમજાવવાની વાત જ બાજુ પર રહી !
બાળકો માટે કામ કરતાં ડૉક્ટર કહે છે કે, ‘આ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો તમે ઘરે રાંધેલા ખોરાકને બદલે બહારના ભોજનની પસંદગી કરી રહ્યાં છો, તો એવું કરતાં પહેલાં ઓછામાં ઓછું બે વાર વિચાર કરજો.’
Article by – પાર્થ ત્રિવેદી.
Journalism, Gujarat University