Sun. Feb 23rd, 2025

પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને ઘણીવાર તેમના વિરુદ્ધ લક્ષણો માટે હાઇલાઇટ કરવામાં આવે છે. એક જ શહેરના બે પ્રદેશો વચ્ચે પડેલી ભેદભાવની રેખાની ઓળખાણ કરાવવાના ઉદેશ્યથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. લેખમાં બંને પ્રદેશની જીવનક્ષમતા, સામાજિક-આર્થિક સ્થિતિ, ટ્રાફિક મેનેજમેન્ટ, ઇનફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસના દ્રષ્ટિકોણનો તફાવત રજૂ કરવામાં આવશે.

Article by : સાક્ષી આર. દાવડા

 

અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું અને સ્માર્ટ સિટી ગણાતું શહેર છે. જે સમૃદ્ધ વારસો અને ઝડપી આધુનિકતાનો સંયોગ દર્શાવે છે. શહેર વિવિધ ઝોનમાં વહેંચાયેલુ છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને ઘણીવાર તેમના વિરુદ્ધ લક્ષણો માટે હાઇલાઇટ કરવામાં આવે છે. એક જ શહેરના બે પ્રદેશો વચ્ચે પડેલી ભેદભાવની રેખાની ઓળખાણ કરાવવાના ઉદેશ્યથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને નદીની આ બાજુનું અને નદીની પેલી બાજુ એટલે કે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ એમ બે ભાગમાં વહેંચી દીધું છે. બંને પ્રદેશની  જીવનક્ષમતા, સામાજિક-આર્થિક સ્થિતિ, ટ્રાફિક મેનેજમેન્ટ, ઇનફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસના દ્રષ્ટિકોણનો તફાવત રજૂ કરવામાં આવશે. આ લેખમાં ઉલ્લેખ કરાયેલી તમામ બાબતોમાં લેખકના પોતાના અવલોકન અને મંતવ્યો છે, વાંચકોનો મત આનાથી જુદો હોઇ શકે છે.

અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમનો સામાન્ય ભેદ જોવામાં આવે તો એ છે કે પૂર્વ એટલે જ્યાં કારખાના અને ઉદ્યોગો સ્થપાયેલા છે. જ્યારે પશ્ચિમમાં મોટી મોટી સોફ્ટવેર કંપનીઓ અને AC વાળા સેમિનાર હોલ્સ વગેરે વગેરે. એટલે કે પૂર્વ અમદાવાદમાં લોકો હાથ કાળા કરીને શારીરિક મહેનત દ્વારા પોતાનો ધંધો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પશ્ચિમ અમદાવાદમાં કાચવાળી ઑફિસમાં બેસીને માનસિક મહેનત સાથે લોકો વ્હાઇટ કોલર જોબ કરી રહ્યા છે, એવું કહી શકાય. દેખાવમાં સાબરમતી નદી જેટલી પાતળી ભેદરેખા ધરાવતો આ તફાવત મૂળમાં ઘણો ઊંડો ઉતરેલો છે. તેના સંખ્યાબધ ઉદાહરણો મળી રહેશે જેમ કે, યુનિવર્સિટીસ તેમજ મોટાભાગની કંપનીઓ પશ્ચિમ અમદાવાદમાં હોવાથી પૂર્વમાં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતાં લોકોને વધારે અંતર હોવા છતાં પશ્ચિમ અમદાવાદમાં આવવું જ પડે જેના માટે તેમણે લગભગ ઓછામાં ઓછા એક કલાક પહેલા પોતાના ઘરેથી નીકળવું પડતું હોય છે, પછી એ શિયાળો હોય કે ચોમાસું. સવારે 8 વાગ્યે ઓફિસે પહોંચવાનો ટાઇમ હોય કે પછી કોલેજના લેક્ચર્સ હોય, ત્યારે 7 વાગ્યે ઘરેથી નીકળે તો જ મેળ પડે. ઉપરાંત સાંજે ઘરે પાછા વળતાં સમયે સાબરમતી નદીના તમામ બ્રિજ પર પિક અવર્સ દરમિયાન પશ્ચિમ અમદાવાદથી પૂર્વ તરફ જતાં માર્ગમાં ટ્રાફિકનો અડિંગો જામેલો જ હોય જ્યારે સામે પક્ષે પશ્ચિમથી પૂર્વ અમદાવાદ જતાં માર્ગમાં  તેટલો ટ્રાફિક જોવા નથી મળતો. તેના પરથી કહી શકાય કે પૂર્વમાં રહેતા મોટાભાગના લોકો અભ્યાસાર્થે કે રોજગારી માટે પશ્ચિમ અમદાવાદમાં આવતા હોય છે.

પૂર્વ અમદાવાદમાં પરંપરાગત રીતે જથ્થાબંધ ગરીબી, આરોગ્યસંભાળની અણઉપલબ્ધતા અને શૈક્ષણિક સુવિધાઓ જેવી સુવિધાની અછત જોવા મળી રહી છે. વિરુદ્ધમાં, પશ્ચિમ અમદાવાદે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધપાત્ર વિકાસ મેળવ્યો છે. આ વિસ્તાર ઉચ્ચતમ નિવાસી વિસ્તારો, આધુનિક શોપિંગ કોમ્પ્લેક્સ અને વધુ શૈક્ષણિક અને આરોગ્યસંભાળની સુવિધાઓ ધરાવે છે. પશ્ચિમ અમદાવાદનું સામાજિક-આર્થિક પ્રોફાઇલ વધુ સમૃદ્ધ છે, જે પૂર્વની તુલનામાં વધુ સુવિધાઓ ધરાવે છે.

રોડ રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક તરફ એસજી હાઇવેને જોઈ લો જ્યાં દર મોટા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલો અને ટીઆરબી જવાનો કાયમ ફરજ પર હાજર જ રહે છે અને ત્યાં જ બીજી તરફ નેશનલ હાઇવે જ્યાં ટ્રાફિક સિગ્નલો તો લગાવેલ છે પણ તે ચાલુ નથી, મહત્વની વાત તો એ છે કે આ નેશનલ હાઇવે પર એક્સપ્રેસ હાઇવે, સીટીએમ, વિરાટ નગર જેવા મોટા જંક્શન આવેલા છે જ્યાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે કોઈ જ હાજર હોતું નથી જેના કારણે સંપૂર્ણ નેશનલ હાઇવે પર પિક અવર્સ દરમિયાન ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. તેવી જ રીતે મેટ્રો જ્યાંથી પસાર થાય છે તે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરતાં જોવા મળે કે પશ્ચિમમાં થલતેજથી એસપી સ્ટેડિયમ સુધીના મેટ્રો સ્ટેશન એટલે કે ડ્રાઇવ ઇન રોડ પર કુલ 6 ટ્રાફિક સિગ્નલસ મૂકવામાં આવ્યા છે, તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટીઆરબી જવાન પણ કાર્યરત હોય છે. બીજી બાજુ પૂર્વમાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ સ્ટેશનના રૂટ પરના રસ્તા જ્યાં એક પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ સ્થિતિમાં અવેલેબલ નથી. ત્યાંના વહાનચાલકોએ પોતે જ મેદાનમાં આવીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવો પડે છે, જેમાં તેઓ ગૂંચવાઈ જે છે અને સમગ્ર રુટ દરમિયાન લગભગ દરેક ચાર રસ્તા જેવા કે અમરાઇવાડી, રબારી કોલોની પર આ પરિસ્થિતિ જોવા મળે છે. ડ્રાઇવ ઇન રોડની દિવાલોને રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવેલી છે જ્યાં બીજી તરફ 100 મીટર સુધીનો રોડ પણ ખાડા વગરનો જોવા નહીં મળે. રોડનો સારો દેખાવ તો પછીની વાત છે પણ જેની જરૂરિયાત છે તે કામ પણ થઈ નથી રહ્યું. “રોડની ગુણવત્તા વિશે વાત કરતાં મ્યુનિ.ના અધિકારીઓ લૂલો બચાવ કરતાં જણાવે છે કે પૂર્વમાં પણ પશ્ચિમ જેવા આરસીસીના રોડ બનાવવામાં આવશે.” હવે આ હાટકેશ્વર બ્રિજ મ્યુનિ.ના ભ્રષ્ટાચારણો નમૂનો જે શરૂ થયાના થોડા સમય બાદ જ નિમ્ન ગુણવત્તાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે અને ઘણા વર્ષોથી આ જ સ્થિતિમાં છે તે પશ્ચિમના કોઈ પણ રોડ પર હોત તો શું આટલા વર્ષો સુધી આની આ જ સ્થિતિમાં હોત? માંડ તો કોઈ બ્રિજ બનતા હોય એમાં પણ આ હાલત. સિંધુભવન રોડ, એસજી હાઇવે, સીજી રોડ, પશ્ચિમ રિવરફ્રન્ટ રોડની સુંદરતા વધારવા માટે જે અલગ અલગ પ્રોજેક્ટ્સ કરવામાં આવે છે તેનાથી કોઈ અજાણ નથી પણ બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થા, પ્રોપર સંચાલન અને ખાડા વિનાના રોડની તો જરૂરિયાત છે. લેખકને સિંધુભવન જેવા વૈભવી આરસીસી રોડ પરની સુવિધાઓની અપેક્ષા તો નથી પણ એટલીસ્ટ ડામરના રસ્તાઓ અને ટ્રાફિક મેનેજમેન્ટ તો  વ્યવસ્થિત હોવું જ જોઈએ. અહી સિંધુભવન રોડને ટાર્ગેટ કરવામાં નથી આવ્યો સિંધુભવન રોડ અમદાવાદની શાન છે પણ મુદ્દો સામાન્ય જરૂરિયાતનો છે માટે વારંવાર તેને ઉદાહરણરૂપે રજૂ કરવામાં આવ્યો છે.

નરોડા, અમરાઈવાડી, ખોખરા, સરદારનગર, કુબેરનગર, ઓઢવ જેવા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લગભગ દરરોજ હત્યા, મારામારી કે પછી દારૂની હેરાફેરી ઘટનાઓ બનતી જ હોય છે ત્યારે આ વિસ્તાર માટે પોલીસતંત્ર આટલું શાંત કેમ રહી શકે? સિંધુભવન રોડ પરના કેફેસ અને ગેરકાયદેસર સ્પા હાઉસમાં રેડ પડી શકે છે તો કુબેરનગર, નરોડા જેવા સેન્સેટીવ એરિઆમાં કેમ સતત પેટ્રોલિંગ નથી થઈ શકતું?

એવું નથી કે માત્ર તંત્ર અને મ્યુનિ.ની અન્ડર આવતા વિષયોમાં જ આ ભેદ જોવા મળી રહ્યો છે મીડિયા ચેનલ્સની વાત કરીએ તો મોટાભાગની ચેનલ્સ, ન્યુઝપેપરની ઓફિસ પશ્ચિમ અમદાવાદમાં જ છે, આમ તો મોટાભાગની નહીં પણ તમામ જ. માટે શહેરમાં વરસાદ પડતો હોય તો બધા જ રિપોટર્સ માઇક લઈ લઈને પશ્ચિમ વિસ્તારના રોડ પર જ પહોંચી જાય. ઉપરાંત પૂર્વમાં કોઈ જાનલેવા પણ અકસ્માત કે કોઈ મોટી ઘટના સર્જાઇ હોય તો તેને માત્ર અમદાવાદ પૂર્વની સપ્લીમેન્ટરી સુધી જ સ્થાન મળે જ્યારે પશ્ચિમ અમદાવાદની કોઈપણ ઘટના સમગ્ર શહેરની ઘટના બની જતી હોય છે.

પણ છતાં પેલેડિયમ મોલ, હિમાલયા, આલ્ફા મોલ. સિંધુભવન રોડ, સીજી રોડ, એસજી હાઇવે, વૈભવી ઇમારતો, આધુનિક શોપિંગ કોમ્પ્લેક્સો આ બધાની સામે પૂર્વ અમદાવાદનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ અડીખમ ઊભું છે. જેમાં અમદાવાદની તમામ પોળો, દરવાજાઓ, વરસાદી પાણી ન ભરાય તેવી પ્રાચીન વિજ્ઞાન સાથેની ડ્રેનેજ સિસ્ટમ, સીદિ સૈયદની જાળી વગેરે જેવા કેટલાય હેરિટેજ સ્થાપત્યો આવેલા છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પૂર્વ અને પશ્ચિમનો સમતોલ વિકાસ હાલમાં થઈ રહ્યો છે. પશ્ચિમમાં જેવી રીતે આરસીસી રોડ બની રહ્યા છે તેવા જ રોડ પૂર્વમાં પણ બનાવવાનું ચાલુ છે. આવનાર સમયમાં પૂર્વના દરે વોર્ડની અન્ડર આરસીસી રોડ હોય, અર્બન સેન્ટર હોય ઉપરાંત જીમ જેવા અનેક પ્રોજેકટ નરોડાથી શરૂ કરીને નિકોલ સુધી વિકસાવવામાં આવશે. પૂર્વની તમામ શાળાઓને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે, તેનું ટેન્ડર અંતિમ તબક્કામાં છે. 2025ના અંત સુધીમાં તમામ 75 શાળાઓ સ્માર્ટ શાળો બની જશે.

  • દેવાંગ દાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, AMC

Related Post

You Missed