Sun. Feb 23rd, 2025

Article by Chandresh Lakum

વર્ષ 2024માં ઘણી બધી પેન ઇન્ડિયા ફિલ્મો રિલીઝ થઈ અને પ્રેક્ષકોને થિયેટર સુધી લાવવામાં સફળ પણ રહી. જેના કારણે બોક્સ ઓફિસનો એક પછી એક રેકોર્ડ તૂટ્યો. અને આ જ ક્રમ 2025 માં પણ શરૂ રહેવાનો છે.  મોટી બજેટની પેન ઇન્ડિયન ફિલ્મોની હારમાળા છે જે વર્ષ 2025માં રિલીઝ થશે. ઘણા મોટા ડિરેક્ટર્સ અને સ્ટાર આ વર્ષે મોટા પડદા પર કમબેક કરશે. તો આવો એક નજર કરીએ આ વર્ષે આવનારી પેન ઇન્ડિયા ફિલ્મો પર.

૧. ગેમ ચેન્જર

 

વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 10 જાન્યુઆરીએ આવનારી  એસ.શંકરના ડાયરેક્શનમાં બનેલી ‘ગેમ ચેન્જર’ ફિલ્મ પેન ઇન્ડિયા ફિલ્મમાં નિર્ણાયક સાબિત થશે. રામચરણની સાથે મુખ્ય ભૂમિકામાં કિઆરા અડવાણી નજર આવશે. અને આ ફિલ્મનું બજેટ લગભગ 300 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના ગીતો પાછળ જ લગભગ 75 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. શંકર ફરીથી પોતાની સફળ ફોર્મુલા સાથે કમબેક કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા એક  આઈ.એ.એસ ઓફિસરની છે. જે અન્યાય સામે લડત લડે છે. અને તેની સામે છે ભ્રષ્ટ નેતા. શંકરના કરિયરની ઘણી બધી ફિલ્મો આ થીમ પર આવી ચૂકી છે, જ્યાં વ્યક્તિ ભ્રષ્ટ સિસ્ટમ સામે લડાઈ લડતો હોય છે. અને આવી ફિલ્મો સફળ પણ થઈ છે. ફિલ્મ ‘ગેમ ચેન્જર’ના ટ્રેલર બાદ પ્રેક્ષકોની ઉત્સુકતા વધી છે.

૨.છાવા

 

ત્યારબાદ વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરી, 2025 માં રિલીઝ થશે. જેમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજના પાત્રમાં જોવા મળશે. લક્ષ્મણ ઉતેકરના નિર્દશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 120 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. વિકી કૌશલની સાથે મુખ્ય ભૂમિકામાં રશ્મિકા મન્દાના નજર આવશે. તો વિલન તરીકે અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં નજર આવશે. આ ફિલ્મ પહેલા  6 ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોઈ કારણસર રિલીઝ ન થતા હવે આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થશે. ફિલ્મ ‘છાવા’ના ટીઝરને મળેલાં પ્રતિભાવથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તગડું કલેક્શન કરશે.

૩. સિકંદર

 

સલમાન ખાનની કમબેક ફિલ્મ ‘સિકંદર’ પણ આજ વર્ષે રિલીઝ થશે. એ.આર.મુરુગ્દાસના નિર્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના અને સત્યરાજ નજર આવશે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા જેટલું છે. ફિલ્મ ઈદ 2025 પર રિલીઝ થશે. જેમાં સલમાન ખાનનું પાત્ર સમાજમાં થયેલા રેકેટને ઉખાડીને બહાર લાવી તેની સામે બાથ ભીડશે.થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યો હતું, જેને પ્રેક્ષકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળ્યો હતો.

૪. ધ રાજા સાહેબ

પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસની ‘ધ રાજા સાહેબ’ ફિલ્મ આ વર્ષે 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. નિર્દેશક મારુતિના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસની સાથે સંજય દત્ત પણ નજર આવશે. આ ફિલ્મનું બજેટ પ્રભાસની બાકી બધી ફિલ્મની જેમ બિગ બજેટ એટલે કે 450 કરોડ જેટલું છે. આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં પુનર્જન્મવાળો એન્ગલ પણ હશે. જ્યાં સંજય દત્તનું પાત્ર પ્રભાસને મારી નાખશે. સંજય દત આ ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવશે.

૫. ઠગ લાઈફ

ત્યારબાદ કમલ હાસન અને મણિરત્નમની જોડી ફિલ્મ ‘ઠગ લાઈફ’ લઈને આવી રહી છે. 1987માં આવેલી કલ્ટ ફિલ્મ ‘નાયકન’ પછી મણિરત્નમ અને કમલ  હાસનની જોડી લગભગ 37 વર્ષ પછી મોટા પડદા પર ફરી સાથે આવી રહી છે. આ ફિલ્મમાં કમલ હાસનની સાથે જોજુ જોર્જ અને અલી ફઝલ પણ નજર આવશે. ફિલ્મ 5 જૂન, 2025 પર રિલીઝ થશે. વર્ષ 2024ના નવેમ્બરમાં કમલ હાસનના જન્મદિવસ પર આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં એક પણ શબ્દ કે એક પણ ડાયલોગ નહોતો છતાં પણ ટીઝર પ્રેક્ષકોને ગમ્યું હતું. ફિલ્મમાં કમલ હાસન એક્શન અવતારમાં જોવા મળશે.

૬. રેટ્રો

ત્યારબાદ સુર્યા પોતાની ફિલ્મ ‘રેટ્રો’ લઈને આવી રહ્યા છે. જેમાં તેની સાથે પૂજા હેગડે નજર આવશે. આ ફિલ્મનું બજેટ 75 કરોડ રૂપિયા જેટલું છે. થોડા દિવસો પહેલાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં સૂર્યના પાત્રનો ભૂતકાળ લોહિયાળ હોય તેવું લાગી રહ્યું છે. તે ઘાટના પગથિયા પર બેઠો છે અને પોતાની પ્રેમિકાને વચન આપે છે કે હવેથી તે આ લડાઈ- ઝઘડા છોડી દેશે, પોતાના પિતા સાથે કામ નહીં કરે અને માત્ર એ જ કામ કરશે જેના માટે તેનો જન્મ થયો છે અને એ છે પ્રેમ. આ ફિલ્મના નિદર્શનની કમાન સંભાળી છે કાર્તિક સુબ્બારાજે. જેના કારણે આ ફિલ્મની હાઈપ વધારે વધી છે.

 

૭. કુલી

ત્યારબાદ લોકેશ કનગરાજ રજનીકાંત સાથે ‘કુલી’ ફિલ્મ લઈને આવી રહ્યા છે. લોકેશ કનગરાજ સીનેમેટિક યુનિવર્સ માટે જાણીતા છે. તેમના નિદર્શનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત સાથે સૌબિન શાહિર ,શ્રુતિ હાસન અને નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. તેમનું બજેટ 250 કરોડ કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મની વાર્તા સોનાના સ્મગ્લિંગ આસપાસ ફરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લોકેશન યુનિવર્સનો જ એક હિસ્સો હશે. પરંતુ નિર્માતા દ્વારા આ બાબત પર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ ફિલ્મ 1 મે,2025 ના રોજ રિલીઝ થશે.

૮. કાંતારા અ લેજેન્ડ :ચેપ્ટર વન

2022માં સફળ નીવડેલી ‘કાંતારા’ના નિર્માતા તેની પ્રિકવલ ‘કાંતારા અ લેજેન્ડ :ચેપ્ટર વન’ આ વર્ષે લઈને આવી રહ્યા છે. ‘કાંતારા’ 16 કરોડના બજેટમાં બની હતી અને તેણે 400 કરોડની જંગી કમાણી કરી હતી. માટે તેની પ્રિકવલનું બજેટ પણ વધીને 125 કરોડ થઈ ગયું છે. ઋષભ શેટ્ટી દ્વારા નિર્દેશિત અને અભિનીત આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

૯. વૉર-ટુ

 

ત્યારબાદ ‘વૉર-ટુ’ ફિલ્મથી જુનિયર એનટીઆર હિન્દી સિનેમામાં ડેબ્યુ કરશે. હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની બ્લોકબસ્ટર નીવડેલી ફિલ્મ ‘વૉર’ની સિક્વલ રહેશે. આ ફિલ્મમાં હ્રિતિક રોશનની સામે જુનિયર એનટીઆર નેગેટિવ પાત્ર ભજવતા દેખાશે. તેમજ આ બંનેની સાથે કિયારા અડવાણી પણ મુખ્ય કિરદાર માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. અને આ ફિલ્મનું બજેટ લગભગ 200 કરોડ આંકવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર રહેવાની છે. તે સિવાય હ્રિતિક રોશન અને જુનિયર એનટીઆરનું એક ડાન્સ સોંગ પણ શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ આસપાસના અઠવાડિયામાં રિલીઝ થશે.

 

૧૦. વિજય 69′

 

થલપતિ વિજયના કરિયરની છેલ્લી ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થશે. અને ત્યારબાદ તેઓ પોતાની પોલિટિકલ કરિયરની શરૂઆત કરશે. હાલ આ ફિલ્મનું ટાઈટલ ‘વિજય 69’ રાખવામાં આવ્યું છે. એચ.વિનોદ આ ફિલ્મનું નિર્દેશન કરશે, તેમજ ફિલ્મમાં વિજયની સાથે પૂજા હેગડે અને બૉબી દેઓલ પણ નજર આવશે. ફિલ્મનું બજેટ 450 કરોડ આંકવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પોલિટિકલ ડ્રામા હશે, અને એવી થીમ પર તે બનાવવામાં આવી છે, જે વિજયના પોલિટિકલ કરિયરને પણ બુસ્ટ કરશે. એવી ખબર પણ બહાર આવી હતી કે આ ફિલ્મ તેલગુ ફિલ્મ ‘ભગવંત કેસરી’ની રીમેક છે. પરંતુ નિર્માતા દ્વારા તેના પર કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.ફિલ્મ ઓક્ટોમ્બરમાં રિલીઝ થશે.

 

૧૧. ઇન્ડિયન – ૩

એસ.શંકરની સફળ નીવડેલી ફિલ્મ ‘ઇન્ડિયન’ નો ભાગ ત્રણ પણ આ જ વર્ષે રિલીઝ થશે. જોકે તમને જણાવી દઈએ કે ‘ઇન્ડિયન-ટુ’ ગયા વર્ષે જ રિલીઝ થયું હતું. જેને પ્રેક્ષકો તરફથી કોઈ ખાસ પ્રતિભાવ મળ્યો નહોતો. પરંતુ એક ઇન્ટરવ્યુમાં કમલ હાસને જણાવ્યું હતું કે ‘પાર્ટ ત્રણ માટે ‘ઇન્ડિયન-ટુ’ ફિલ્મ કરી હતી. કારણ કે ‘ઇન્ડિયન-થ્રી’  એ આ સીરીઝનો મહત્વનો પાર્ટ રહેવાનો છે. ફિલ્મ ‘ઇન્ડિયન-ટુ’ના અંતમાં પાર્ટ ત્રણનું ટીઝર દેખાડવામાં આવ્યું હતું.  પાર્ટ ત્રણમાં સેનાપતિની આખી વાર્તા દેખાડવામાં આવશે. ફિલ્મનું બજેટ 300 કરોડ જેટલું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને બહુ જલ્દી આ જ વર્ષમાં રિલીઝ કરવામાં આવશે.

૧૨. ધુરંધર

ફિલ્મ ‘ઉરી’ ના નિર્દેશક આદિત્ય ધર ઘણા વર્ષો બાદ ‘ધુરંધર’ ફિલ્મ સાથે આ વર્ષે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. અજીત ડોભાલના જીવન પર આધારિત છે. જેમાં શરૂઆતના સમયગાળા દરમિયાનની વાર્તા દેખાડવામાં આવશે. ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના અને આર.માધવન નજર આવશે. રણવીરનું પાત્ર પંજાબનું હોવાથી તે દાઢી વધારી રહ્યો છે. અક્ષય ખન્ના અને આર.માધવન ઇન્ડિયન ઇન્ટેલિજન્સી RAW ના અધિકારીના પાત્રમાં જોવા મળશે. હાલમાં રણવીરે ફિલ્મના સેટ પરના ફોટો શેર કર્યા હતા જેમાં તે લાંબી દાઢીમાં અને પાઘડી સાથેના લૂકમાં દેખાઈ રહ્યો હતો. ફિલ્મનું બજેટ 250 કરોડ જેટલું આંકવામાં આવી રહ્યું છે.

 

૧૩. ટોક્સિક

 

ત્યારબાદ જે ફિલ્મની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે. ફિલ્મની વાર્તા આઝાદી પછીના વર્ષોમાં ઘટે છે. નયનતારા ફિલ્મમાં યશની મોટી બહેનના પાત્રમાં નજર આવશે. જે રોલ પહેલા કરીના કપૂરને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણસર તેમણે આ રોલ માટે ના કહી હતી. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષના સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું એટલે નિર્માતા દ્વારા જાહેર કર્યું હતું કે ફિલ્મ એપ્રીલ, 2025માં રિલીઝ થશે, પરંતુ ફિલ્મનું  કામ હજુ બાકી હોવાથી ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.

 

Related Post

You Missed