તારીખ ૨૯-૧૨-૨૦૨૪ રવિવારના રોજ મોરબી મુકામે નીલકંઠ સ્કૂલમાં રાજ્ય કક્ષાએ કામ કરતા, સાહિત્યના ત્રણ ગ્રુપનું અતિ સુંદર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું: જેમાં સાહિત્ય જગત, ચાલો સાહિત્યના પંથે અને સાહિત્ય પ્રકાશ, આ ત્રણેય ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલન અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાંથી ૧૧૫ કવિઓ અને લેખકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચિફ ગેસ્ટ તરીકે મહા અનુભવો: ડૉ. દેવેન્દ્ર દેકીવાડિયા, રાઘવજી માધડ, નિરંજન શાહ “નીર”, ડૉ સતીષ પટેલ, ડો. રમેશભાઈ ભટ્ટ “સ્નેહરશ્મિ” અને ડૉ. હર્ષદ લશ્કરી; આ મુખ્ય અતિથિઓએ તેમના પ્રતિષ્ઠિત ઉપસ્થિતિથી આ પ્રસંગને શોભાવંત બનાવી. તેમના ભાષણમાં લેખકો માટે શિખામણ અને પ્રેરણાનું ભરપૂર સંદેશ વહેતું હતું.
આ કાર્યક્રમના આયોજક શ્રી કિરણબેન શર્મા “પ્રકાશ”, જાગૃતિબેન કૈલા “ઉર્જા” અને હાર્દિક ભાઈ પરમાર ‘મહાદેવ’ હતા. કાર્યક્રમમાં ૩૩ પુસ્તકોનું વિમોચન થયું. તે સિવાય સાહિત્ય ક્ષેત્રે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ કામગીરી કરતા ઘણા બધા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમને અગાઉ ટ્રોફી કુરિયર કરવામાં આવી હતી. જેમાં મુંબઈ રહેવાસી, શ્રીમતી શમીમ મર્ચન્ટની પણ પસંદગી થઈ હતી.
શ્રીમતી શમીમ મર્ચન્ટનું દસમું પુસ્તક “પ્રેરણાના પંથેનું” પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. તે એક પ્રેરક લેખ સંગ્રહ છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે આદરણીય રાઘવજીભાઈ માધવના હસ્તે સન્માન પત્ર અને ઉત્તમ કાવ્ય પઠન માટે આદરણીય ડોક્ટર રમેશભાઈ ભટ્ટ “રશ્મિ”ના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. શમીમ મર્ચન્ટ સાહિત્યના ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી અને સાહિત્ય જગતમાં એમના યોગદાનની સરહાના કરવામાં આવી.