વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનના આપેલા લક્ષ્યાંકમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચંદ્રયાન-૩ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

 

આ હેતુસર વડાપ્રધાનશ્રીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્‍સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે.

 

ગુજરાતે વડાપ્રધાનશ્રીના આ લક્ષ્યાંકમાં પોતાનું યોગદાન આપવાની સજ્જતા કેળવવા એક મહત્વપૂર્ણ MoU કર્યો છે.

 

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MoU કરવામાં આવ્યા છે.

 

તદઅનુસાર, અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાનું છે.

 

સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરીંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ આ તકે જણાવ્યું હતું.

આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન-સ્પેસના ચેરમેન શ્રી ડૉ. પવન કુમાર ગોયેંકા, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન-સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડૉ. રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.