ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨”માં સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારોને બિરદાવવામાં આવ્યાં

આપણી પોતીકી ભાષા એટલે ગુજરાતી અને ગુજરાતી સંગીતની તો વાત જ કાંઈ નિરાળી હોય છે. ‘ટોપ એફએમ’ દ્વારા ગુજરાતી સંગીત જગત સાથે સંકળાયેલા કલાકારોને તેમની સેવા બદલ બિરદાવવા માટે એક અભૂતપૂર્વ, અદ્વિતીય એવા ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કલાકારોથી ખીચોખીચ ભરાયેલા હોલમાં ગુજરાતી ગીત- સંગીતને બિરદાવવાનો અનોખો “જલસો” જામ્યો હતો. તા. ૨૫ માર્ચ , ૨૦૨૩ ની સાંજે ૫.૩૦ કલાકે, એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

ગૃહપ્રધાન હર્ષ સંઘવી “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ”માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને આ પ્રસંગે તેમણે ટોપ એફએમનો દિલથી આભાર માનતા જણાવ્યું હતું કે, “તમે આપણી ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ગીત- સંગીતને જીવંત રાખ્યું છે. અહીં ઉપસ્થિત તમામ કલાકારોનો પણ હું આભાર માનું છું, તમારા થકી જ સંગીત ધબકી રહ્યું છે. હું આ બદલ આપ સૌનો ખૂબ જ આભારી છું.”

 

 

 

‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયક શ્યામલ અને સૌમિલ મુનશી, વિખ્યાત ફિલ્મ નિર્દેશક સંદીપ પટેલ, જાણીતા સંગીતકાર રાજીવ ભટ્ટ, પ્રસિદ્ધ ફિલ્મ લેખક મુકેશ માલવણકર અને સુરીલા અને જાણીતા ગઝલ ગાયક સચિન લીમયેની નિર્ણાયક ટીમ રચવામાં આવી હતી.

 

 

 

ગુજરાતી સુગમ સંગીતને એક નવી ઊંચાઈએ પહોંચાડનાર અને ગુજરાતીના દિલમાં વસતા પ્રસિદ્ધ ગાયક, સંગીતકાર, પુરષોત્તમ ઉપાધ્યાયને તેમના સૂર અને શબ્દની સાધના બદલ “લાઈફટાઈમ એચીવેમન્ટ એવોર્ડ”થી નવાજવામાં આવ્યાં હતા. લોકલાડીલા અને ગરવા ગુજરાતી પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યયની અદ્વિતીય જીવનયાત્રા અને સર્જનયાત્રાને “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” દ્વારા આદરાંજલી આપવા,માં આવી હતી. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ એવોર્ડ સમારોહમાં આવી શક્યા ન હતા. પરંતુ તેમણે વિડીયો દ્વારા મેસેજ પાઠવીને “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ”નો આભાર માન્યો હતો.

 

 

 

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે એનાયત કરવામાં આવેલ “તિરૂપતિ એડિબલ ઓઇલ લેટ શ્રી નિલેશ પટેલ લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ” પુરષોત્તમ ઉપાધ્યયની બે પુત્રીઓ બીજલ બહેન અને વિરાજ બહેન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે બિજલબહેન અને વિરાજબહેન એ પિતા પુરષોત્તમ ઉપાધ્યાયની સદાબહાર રચના પણ ગણગણી હતી.

 

 

 

“ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” ના “બેસ્ટ મેલ સિંગર” માટેના એવોર્ડમાં ટાઈ પડી હતી અને સિંગર ઉમેશ બારોટને ફિલ્મ સૈયર મોરી રેના ગીત “ગોરી તમે મનડાં લીધા મોહી રાજ” માટે અને કેદાર ઉપાધ્યાયને “નાડી દોષ” ફિલ્મના “ખમ્મા” ગીત માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

 

 

 

“બેસ્ટ ફિમેલ સિંગર”નો એવોર્ડ શ્રુતિ પાઠક અને વંદના ગઢવીને “નાયિકા દેવી” ફિલ્મના “પાટણના પટરાણી” સોન્ગ માટે આપાવામાં આવ્યો હતો.

“બેસ્ટ આલ્બમ ઓફ ધ યર- ફિલ્મ”નો એવોર્ડ સંગીતકાર બેલડી સચિન- જીગરને “ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મ માટે એનાયત કરવામાં આવ્યો હતો.

“ટોપ મ્યુઝિક એવોર્ડ્સ”ની રંગારંગ ઇવેન્ટમાં પોતાની અનોખી ગાયકીથી નવો ચીલો ચાતરનાર મયૂર હેમંત ચૌહાણ, “કચ્છની કોયલ” ગીતાબહેન રબારી, “ડાયરા કિંગ” કિર્તીદાન ગઢવી, “સ્વર સામ્રાજ્ઞિ” સાંત્વની ત્રિવેદી અને “યુવા દિલોની ધડકન” ઉમેશ બારોટે અદભુત પરફોર્મન્સ આપીને ઉપસ્થિત સ્ત્રોતોને ડોલાવી દીધા હતા.