ગાંધીનગરમાં ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સ યોજાઇ, કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહે પ્રેરક માર્ગદર્શન આપ્યું

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા આયોજીત ૪૯મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ યોજાઈ હતી.

 

આ ડેરી કોન્ફરન્સનું આયોજન ઇન્ડીયન ડેરી એસોસિયેશનના ઉપક્રમે કરવામાં આવ્યું છે અને દેશભરના રાજ્યોના ર૭૦૦થી વધુ ડેરી ઉદ્યોગકારો-સંગઠનો આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સહભાગી થઇ રહ્યા છે.

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહે આ અવસરે ડેરી ઉદ્યોગ-પશુપાલન અને દૂધ સંપાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષોને ૧૦ જેટલા એવોર્ડ્સ થી સન્માનિત કર્યા હતા.

 

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, દુનિયા માટે ડેરી વેપારનું એક સાઘન છે પરંતુ ભારત માટે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થવ્યવસ્થા, રોજગારી અને મહિલા સશક્તિકરણ જેવા બહુહેતુક આયામો માટેનો પાયો છે.

 

ભારત દેશની આઝાદી પછી અત્યાર સુધી ડેરી ઉદ્યોગે દેશના વિકાસ માટે મહત્વનો ફાળો આપ્યો છે. તેઓએ સહકારીતા મંત્રી તરીકે કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે સહકારી ડેરીઓએ આપેલા યોગદાન માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

 

તેમણે કહ્યું કે સહકારી ડેરીઓએ દેશની ગરીબ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક સક્ષમ બનાવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી પ્રથમ વખત ” સહકાર સે સમૃદ્ધિ” ધ્યેય મંત્રને સિદ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા અને આ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવા બદલ શ્રી અમિતભાઇએ ગૌરવ સહ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

કેન્દ્રીય મંત્રીશ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, ડેરી ક્ષેત્રે જે વિકાસ થયો છે તેમાં આઇડીએનો ઘણો મહત્વનો ફાળો છે. ભારતના ડેરી ક્ષેત્રને વિશ્વનું સૌથી મજબૂત ડેરી ક્ષેત્ર બનાવવાનો એક પ્રયાસ આ સમિટમાં થયો છે. ડેરી અને પશુપાલન ક્ષેત્રનું દેશના જીડીપીમાં ૪.૫ ટકા યોગદાન છે તો કૃષિ જીડીપીમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૨૪ ટકા છે. સમગ્ર વિશ્વમાં કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન માત્ર ભારતમાં જ છે.

 

ડેરી ઉદ્યોગ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનો ભાગ છે. અંદાજે ૯ કરોડ ગ્રામિણ પરિવાર ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાછલા એક દશકમાં ૬.૬ ટકાના વાર્ષિક વૃદ્ધી દરથી ડેરી સેક્ટરે વિકાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. દુનિયામાં ભારત દેશ સૌથી વધુ દૂધ પ્રોસેસ કરે છે. ભારતમાં દૂધ ઉત્પાદનના ૨૨ ટકા પ્રોસેસ કરવામાં આવે છે. જેટલું દૂધ પ્રોસેસ થઇને વિશ્વના બજારમાં જાય છે એટલી જ ખેડૂતની આવક વધે છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.

 

શ્રી શાહે ઉમેર્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં આજે ૬ કરોડ લિટર પ્રતિદિનથી વધીને ૫૮ કરોડ લિટર સુધી પહોંચ્યા છીએ તે ડેરી સેક્ટરની પ્રગતિ છે. કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર ડેરી સેક્ટરના વિકાસ માટે કોઇ કસર નહિ છોડે તેમ જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ડેરી સેકટરના ૩૬૦ ડીગ્રી વિકાસ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકાર પ્રતિબદ્ધ છે. તેઓએ ડેરી ઉદ્યોગની થયેલી પ્રગતિ માટે ઓપરેશન ફ્લડ અને શ્વેતક્રાંતિને યાદ કરતા કહ્યું કે જો આ બન્ને સંસ્કરણ શરૂ ન થયા હોત તો દૂધના મામલે ભારત ક્યારેય આત્મનિર્ભર ન બન્યું હોત.

 

અમૂલની સફળતા વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે, અમુલનું ૨૦-૨૧નું ટર્ન ઓવર ૫૩ હજાર કરોડ છે. ૩૬ લાખ ખેડૂત પરિવાર અમુલ સાથે જોડાયેલા છે. દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકા થયો છે તેમાં અમૂલ, મધરડેરી, વિજય, પરાગ, નંદિની સહિતની ઘણી બ્રાન્ડનું યોગદાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આજે ડેરી સેકટર મિલ્ક પ્રોસેસિંગના દરેક સાઘનોમાં પણ આત્મનિર્ભર થઇ રહ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટુ દૂધ ઉત્પાદકની સાથે સાથે દૂધ પ્રોસેસિંગના સાઘનોના ઉત્પાદનમાં પણ અગ્રેસર બને તે દિશામાં આગળ વધવા આહવાન કર્યુ હતું.

 

મુખ્યમંત્રીશ્રી :-

 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટમત વ્યક્ત કરતાં કહ્યું કે, ગ્રામીણ જનજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે.

 

ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજી-રોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ સહકારીતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે.

 

શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે તેની છણાવટ કરતાં કહ્યું કે, રાજ્યમાં ૪પ૦૦ જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે.

 

દેશના કુલ દૂધ સંપાદનના ૩૦ ટકા ગુજરાત કરે છે તેમજ અંદાજે ૧પ૦ કરોડ રૂપિયા રોજ દૂધ ઉત્પાદકોને ચુકવાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલ મુકત પ્રાકૃતિક ખેતી, ક્લીન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે તેમ પણ જણાવ્યું હતું.

 

શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો કે, માનવજીવનના પોષણ અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન એવા દૂધ સાથે સંકળાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીની ગુજરાતમાં આયોજીત આ કોન્ફરન્સ અમૃતકાળમાં ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સની ટ્રેન્ડ સેટર બનશે.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ ડો.આર.એસ સોઢીજી, એનડીડીબીના ચેરમેનશ્રી મીનેશભાઇ શાહ સહિત સહકારી તેમજ કૃષિ ક્ષેત્રના અગ્રણીઓ, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ અને દેશભરના ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.