હિંમત ખૂલી રહી છે
નગરની.
કિશોરવયે વાળ કપાવવા ત્યારે
( હજી salon અજાણ્યું હતું )
જે કેવળ મેગેઝિનમાં જોવા મળતાં,
યુવાવયે “ઇંગ્લીશ પીચ્ચર”માં જે જોતાં
ને એ જોતાં અમને કોઇ જોતું નથી ને એ જોતા.
( જોકે એ સહુ પણ જોવામાં જ મગ્ન રહેતા ! )
ક્યારેક છાનીછાની ફરતી એ
પીળા પાનાની ચોપડીમાં
( ફોટો સાથેના અંગ્રેજી મેગેઝિન તો
પ્રમાણમાં મોડા આવ્યા હાથમાં. ) વાંચતા
એમને પહેલીવાર
મુંબઇ પ્રવાસે દરિયાકાંઠે જોયાં
બેરોકટોક એકમેકમાં ગૂંથતાં
ત્યારે મનગમતા દરિયા તરફ જોવાનુંય
ચૂકી જવાયું હતું.
નજર સામે ઘૂઘવતો સાગર
રેશમી રેત પર
કોઇ આલિશાન મકાનની દિવાલને ટેકે
આસપાસની ચહલપહલ -ને નજર પણ – વિષે
સાવ બેપરવા મગ્ન
સ્પર્શોત્સવની એ ઉન્માદમય ઉજવણીના
પહેલા દર્શન.
મારા નગરમાં તો એને યોગ્ય જાહેરસ્થળની ગેરહાજરી – એવું મન માનતું.
પછી તો દુનિયામાં ફરવાનું થયું.
ઘણું ઘણું જોવાનું થયું.
તે પછી તો અહીં પણ ચાલવા નીકળતા
સાંજના આછા અજવાળે
ને રાતના ઊતરતા અંધારે જોઇ છે
આ ઉત્સવની ઝલક.
હજી આવી નીકટતા કોઠે નથી પડી !
હજી સ્હેજસાજ ચોંકી જવાય છે,
સંકોચ અનુભવાય છે.
Moral policing તો નહીં પણ તોય..
માબાપ બની જવાય છે મનોમન
ને અકળામણ ને ચિંતાય થાય છે.
પરિવાર કરતાંય કોઇ વધુ પ્રિય બની જાય
એ અનુભવ કેવો હશે ?
ગલીના અંધારમાંથી હવે મુખ્યમાર્ગ પર પણ
જોઉં છું એમને.
અંધારું ઓળખ છૂપાવે છે
અજવાળું એ પ્રગટ કરે છે
એટલે નીકટતા તો છે
પણ વ્યક્ત થવાની અવઢવ પણ છે.
કોઇક એકમેકને ખવરાવે છે સેવપૂરી
જમતા જમતા સામે પણ ન જોતું દામ્પત્ય
આ જોઇને અકળાય જ ને !
પણ એ અકળામણને અતિક્રમીને
આશીર્વાદ આપીને આગળ સરી જતાં યાદ આવે છે
મારાં જ ગીતની પંક્તિ
ને મનોમન મલકી જવાય છે –
એકમેકને અડી જવાનું બ્હાનું બંને શોધે
સાવ ખૂલીને વરસી રહેતા કોઇ હજી અવરોધે
વહી જવાની ઇચ્છા એમણે સામા વ્હેણે ખાળી!
– તુષાર શુક્લ