મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે ગુજરાતનું પ્રથમ અને અત્યાધુનિક કોમ્પ્રીહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટનું ઉદ્ધાટન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલા ગુજરાતના પ્રથમ (ખાનગી) અને અત્યાધુનિક કોમ્પ્રીહેન્સિવ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ ના ઉદ્ધાટન પ્રસંગે જણાવ્યુ હતુ કે, મૈરિંગો સિમ્સ હોસ્પિટલના આ નવા ટ્રાન્સપ્લાન્ટ યુનિટ શરૂ થવાથી અનેક લોકોને જીવનદાન મળશે

 

આ યુનિટને શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સીમ્સના તમામ ડોક્ટર્સ અને મહાનુભાવોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવી રહી છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દુનિયામાં ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સારામાં સારી સુવિધાઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ આર્કિટેક્ચર, સાયન્સ અને મેડિકલ ટ્રાન્સપ્લાન્ટ જેવા ઉદાહરણ રહેલા છે. ગણેશજી આવા ટ્રાન્સપ્લાન્ટ નું ઉત્તમ ઉદાહરણ છે એમ તેમણે ઉમેર્યું હતું

 

હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલે કહ્યું કે, આજે સિમ્સ દ્વારા એક ઐતિહાસિક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો આજે ટ્રાન્સપ્લાન્ટમાં ઇન્ડિયા આખા વર્લ્ડમાં ત્રીજા ક્રમ પર આવી ગયું છે. અને આ બધું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં શક્ય બન્યું છે.

 

તેમણે સોટોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અત્યાર સુધીમાં ૪૪૪ કિડની અને ૧૪૨ લીવર જેવા અનેક ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે.

 

સરકારી હોસ્પિટલની વાત કરતા શ્રી મનોજ અગ્રવાલ એ કહ્યું કે, આજે વિશ્વની બેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સરકારી હોસ્પિટલમાં થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલોને આજે અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય કલ્યાણના બજેટમાં પણ ઉતરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ૨૭૧ જેટલા ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં પણ આવ્યા છે.

 

વેક્સિનેશનની વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં પ્રથમ ડોઝ ૧૦૦ ટકા, બીજો ડોઝ ૧૦૦ ટકા અને બુસ્ટર ડોઝમાં પણ ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે.

 

આ અવસરે મૈરિંગો એશિયા હેલ્થકેરના ફાઇન્ડર અને સી.ઈ.ઓ ડો. રાજીવ સિંધલ દ્વારા મૈરિંગો એશિયા હેલ્થકેર (મૈરિંગો સિમ્સ હોસ્પિટલ) વિશે જ્યારે ડો. કેયુર પરિખ દ્વારા સિમ્સ ફાઉન્ડેશન વિશે પરિચય આપ્યો હતો.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સિમ્સ ફાઉન્ડેશનના દાત્તાઓને સ્મૃતિચિન્હ અને પ્રમાણપ્રત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આ અવસરે અમદાવાદના મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન શ્રી ડૉ. કેયુર પરિખ, ડૉ. રાજીવ સિંધલ, ડૉ. અનિશ ચંદારાણા, ડૉ. મિલન ચગ, ડૉ. ધીરને શાહ, ડૉ. ધવલ નાયક, ડૉ.નિતિન વોરા, ડૉ.આર.કે પટેલ, ડૉ. અજય નાયક, ડૉ. તેજસ પટેલ, ડૉ. અનિલ કુલશ્રેષ્ઠા ઉપસ્થિત રહ્યા હતા.