અમદાવાદના સરદારધામ સંકુલ ખાતે આયોજિત સ્નેહમિલન અને સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને, ભાજપના સુશાસન પર ભરોસો મૂકીને ગુજરાતની જનતાએ ફરીવાર સત્તા સોંપી છે. તે બદલ ગુજરાતના ઋણી છીએ. વર્ષ ૨૦૧૪થી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીને સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં થઈ. આજે સુશાસનના કારણે જ ગુજરાતનો વિકાસ દેખાય છે. માત્ર સરદારધામ નહીં પણ તમામ સ્વૈચ્છિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે રહીને કામ કરે તો શાસન વધુ પરિણામ લક્ષી બને એમ તેમણે ઉમેર્યું હતું.
સરદારધામ સંકુલ ખાતે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ-૨ના નિર્માણ માટે યોગદાન આપનાર દાતાઓનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવા આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબના નામે સમાજ એકજુટ થઈને કાર્ય કરી રહ્યો છે. સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સરદારધામે પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે, ૬ કરોડ ગુજરાતીઓ જો એક સાથે માત્ર એક ડગલું આગળ વધે તો આપણે સૌ ૬ કરોડ ડગલા આગળ વધી શકીશું. વિવિધ ખાતર્મુહૂત અને લોકાર્પણના કાર્યો સમયસર પૂર્ણ કરવા કાર્યરત સરદાર ધામની સમગ્ર ટીમને પણ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. અંતે તેમણે સુશાાનમાં રહી સૌ આગળ વધી વિકાસ કરી શકીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમારોહમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ, સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તેમજ સરદારધામના ટ્રસ્ટીઓ, દાતાઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.