શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત મહોત્સવ સાથોસાથ ભારતની આઝાદીના ૭૫ વર્ષ અનુસંધાને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે એક સુભગ સમન્વય છે.

 

સ્વામિનારાયણ ગુરુકુળની સંસ્થા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથોસાથ મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની સાથે ઉચ્ચ માનવ મૂલ્યો પણ પ્રાપ્ત કરે છે, જે વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. હાલ આપણે આઝાદીના અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આપણે સૌ પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહભાગી બનીએ તેવું આહવાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું.

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના વિકાસમાં સૌ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરી શકીએ તે માટે અમે અહીં સંતો મહંતોના આશીર્વાદ લેવા આવ્યા હોવાનું પણ સગૌરવ જણાવ્યું હતું.

 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાજકોટ ગુરૂકુળની આજે બીજ માંથી વટવૃક્ષ સમાન એક સંસ્થા બની ગઇ છે. મેં ગુરુકુળની કામગીરીને નજીકથી જોઈ છે. તેમના ગુરૂકુળ વિશાળ અને આલીશાન છે. સ્વામિનારાયણ સંસ્થાના સિદ્ધાંતોને વાગોળતા તેમણે કહ્યું હતું, જે દેશમાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ નિશ્ચિત છે. ભારતીય નારીનું સન્માન વર્ષોથી કરવામાં આવે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનું માતા-બહેનો-દિકરીઓ પ્રત્યેનું આદર સન્માન જોઈને હું પ્રભાવિત થયો છું. તેઓ મંદિર બનાવીને પુજા પાઠ પુરતું સિમિત નથી પરંતુ કુરીવાજો વિરૃધ્ધ કામ કરે છે, આરોગ્ય માટે જરૂરી સાધન-સુવિધા પુરી પાડે છે, બાળકોને ભણાવે છે, ગાયોનું અને ધર્મનું રક્ષણ કરે છે, માતાઓનું સન્માન કરે છે.

 

રાજ્યપાલશ્રીએ આ સંસ્થાની સરહાના કરતા જણાવ્યુ હતુ કે હાલ ૫૦ જેટલા ગુરૂકૂળ કાર્યરત છે, પરંતુ રાજકોટમાં બાળકીઓ માટે બની રહેલું ગુરૂકુળ એક સરાહનીય કાર્ય છે. નારી એ સમાજનો અડધો હિસ્સો છે, આપણે સૌએ માતાના ગર્ભમાંથી જન્‍મ લીધો છે. માતા એ પ્રથમ ગુરૂ છે. બાળકીઓ બે કુળને શિક્ષિત-દિક્ષીત કરે છે. માટે તેમને શિક્ષણ આપવું જ જોઈએ. બાળકીઓના શિક્ષણ માટે ગુરૂકુળના દાતાઓએ કરા અર્થમાં પરોપકારનું કાર્ય

કર્યં છે.

 

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ સહજાનંદ નગરના પ્રાંગણમાં હિમાલય ગેટ પરસહજાનંદ સ્વામીની પ્રતિમાનું પુષ્પથી પૂજન તેમજ રીબીન કાપી મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ગુરુકુળના બાળકો દ્વારા સ્વાગત નૃત્યથી કરવામાં આવ્યો હતો

 

સંત મહંતો તેમજ મહાનુભાવો દ્વારા રાજકોટ ગુરુકુળ સંસ્થાન દ્વારા નિર્માણ થવા જઈ રહેલ કન્યા ગુરુકુળની ભૂમિના બાંધકામની પ્રથમ ઇટનુ (ઇષ્ટિકા) પૂજન કરવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગરનું સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળ મંદિરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાનની ૭૫ વર્ષની સફળ યાત્રાની ફિલ્મ નિર્દર્શન કરવામાં આવ્યુ હતું.

 

પ. પૂ. ૧૦૦૮ વડતાલ ગાદીપતિ શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ સંસ્થાની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

આ પ્રસંગે મહારાજ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણ દાસજી, મહંતશ્રી દેવ પ્રસાદજી સ્વામી, મહંતશ્રી ધર્મવલ્લભ સ્વામી, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદય કાનગળ, શ્રી રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી અગ્રણીઓ સર્વેશ્રી ચેતનભાઈ રામાણી, શ્રી રાજુભાઈ ધ્રુવ, ભૂમિદાતા યજમાન લાલજીભાઈ પટેલ રાકેશભાઈ દુધાત, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસીપલ કમિશનરશ્રી અમીત અરોરા, રીજીયોનલ કમિશરશ્રી ધિમંતકુમાર વ્યાસ, શ્રી ધીરજ કાકડીયા સહીત સ્વામિનારાયણ સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.