ભારતીય આંકડાકીય સેવાના પ્રોબેશનરોએ આજે (16 ડિસેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
આ દરમિયાન રાષ્ટ્રપતિએ અધિકારીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું, “યોગ્ય આંકડાકીય વિશ્લેષણ વિના નીતિ ઘડતર અને અમલીકરણ અસરકારક હોઈ શકે નહીં. અનંત માહિતી અને ડેટા પ્રવાહના આ યુગમાં, આંકડાઓની ભૂમિકા અને મહત્વ ઝડપથી વધ્યું છે. જ્યારે આપણે કોઈપણ પરિમાણના સંદર્ભમાં ભારતના રેન્ક વિશે વાત કરીએ છીએ, ત્યારે આ સંખ્યાઓ છે. જ્યારે આપણે કહીએ છીએ કે ભારત યુવાનોનો દેશ છે કે તેનો વધુ વસ્તી વિષયક લાભ છે, ત્યારે તે માત્ર આંકડાઓના આધારે કહેવાય છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય આંકડાકીય સેવાના અધિકારીઓ સરકારી અને બિનસરકારી સંસ્થાઓના ઉપયોગ માટે કેન્દ્રીય સ્તરે સત્તાવાર આંકડાઓના સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના કાર્ય માટે આંકડાકીય પદ્ધતિઓમાં ઉચ્ચ ડિગ્રી પ્રાવીણ્યની જરૂર છે, જેનો ઉપયોગ તેઓ દેશના ડેટા અને માહિતીની જરૂરિયાતોને ઉકેલવા માટે કરે છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે તેમની તાલીમમાં વિવિધ મોડ્યુલો જેવા કે ડેટા માઇનિંગ, બિગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં તાજેતરના સંશોધનો સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ તાલીમ કાર્યક્રમ તેઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવામાં સક્ષમ બનાવશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સામાજિક-આર્થિક પરિવર્તનના નવા તબક્કાના ઉંબરે છે. ડિજિટલ ટેક્નોલોજીના વધતા પ્રવેશથી સરકારી કામકાજમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા આવી છે અને ઈ-ગવર્નમેન્ટ લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું છે. આ પહેલો દ્વારા ડેટાની ઉપલબ્ધતા સરકારને અસરકારક નિર્ણયો લેવામાં મદદ કરે છે.
રાષ્ટ્રપતિએ અધિકારીઓને તેમની ફરજો ઈમાનદારી અને પ્રતિબદ્ધતાથી બજાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતને વધુ પ્રગતિ અને વિકાસ તરફ લઈ જવામાં તેમનું યોગદાન ખૂબ જ મોટું રહેશે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને કહ્યું કે તેઓ જે માહિતી અને ડેટા વિશ્લેષણ આપે છે તે નીતિઓ ઘડવામાં અને તેના અમલીકરણમાં મદદરૂપ થશે જે સુનિશ્ચિત કરે છે કે વિકાસની સફરમાં કોઈ પાછળ ન રહી જાય.
રાષ્ટ્રપતિનું સંબોધન વાંચવા માટે અહીં ક્લિક કરો