T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ભારતને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બરતરફ કરાયેલા પસંદગીકારોમાં ચેતન શર્મા (ઉત્તર ઝોન), હરવિંદર સિંઘ (સેન્ટ્રલ ઝોન), સુનિલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશિષ મોહંતી (પૂર્વ ઝોન)નો સમાવેશ થાય છે.
બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ આમંત્રિત કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રાષ્ટ્રીય પસંદગીકારોના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે.
માત્ર તે જ ભૂતપૂર્વ ક્રિકેટરો કે જેમણે ઓછામાં ઓછી 7 ટેસ્ટ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચો અથવા 10 ODI અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય તે જ પસંદગીકારોના પદ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ હોવી જોઇએ. આટલું જ નહીં, કોઈપણ ભૂતપૂર્વ ક્રિકેટર જે કુલ 5 વર્ષ સુધી કોઈપણ ક્રિકેટ સમિતિનો સભ્ય રહ્યો હોય તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવાને પાત્ર રહેશે નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર (સાંજે 5 વાગ્યા સુધી) છે.
ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ ટીમ સિલેક્શન પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. ભારતે છેલ્લે 2013માં એમએસ ધોનીના નેતૃત્વમાં ICC ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારથી તે ટાઈટલની રાહ જોઈ રહ્યો છે.
ચેતન લગભગ બે વર્ષ સુધી આ પદ પર રહ્યા
BCCIની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિની જાહેરાત 24 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ ચેતન શર્માને તેના વડા બનાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગીકારનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે અને તેને આગળ પણ વધારી શકાય છે. ચેતન શર્માએ ભારત માટે 23 ટેસ્ટ અને 65 વનડે રમી છે. ચેતન શર્માએ ટેસ્ટમાં 61 જ્યારે વનડેમાં 67 વિકેટ ઝડપી હતી. ચેતન શર્માએ 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે યાદગાર હેટ્રિક લીધી હતી.