ભારતમાં ફોનથી લઈ લેપટોપ માટે હશે એક જ ચાર્જર, મોબાઈલ કંપનીએ આપી સહમતી

ભારતમાં પણ હવે કેટલાક પ્રકારના ગેજેટ્સ માટે એક જ ચાર્જર પર સર્વસંમતિ છે. મોબાઈલ કંપનીઓ અને આ ક્ષેત્રની અન્ય કંપનીઓ આ માટે સહમત થઈ ગઈ છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની બેઠકમાં ચર્ચા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે અંતિમ ચાર્જર નક્કી કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે, ટાઈપ-સી કે અન્ય કોઈ ચાર્જર અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

આ બેઠકમાં MAIT, FICCI, CII, IIT કાનપુર, IIT (BHU) સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્ર સરકારના મંત્રાલયોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠક બાદ તમામ પ્રતિનિધિઓ સહમત થયા કે કોમન ચાર્જિંગ પોર્ટ બહાર પાડી શકાય.

 

મીટિંગમાં મોટાભાગના સહભાગીઓ સ્માર્ટફોન, લેપટોપ અને કેટલાક અન્ય ગેજેટ્સ માટે USB Type-C પર સંમત થયા હતા, જ્યારે ફીચર ફોન્સ માટે અલગ ચાર્જર સૂચવવામાં આવ્યા હતા. આ નિર્ણયથી દેશમાં પેદા થઈ રહેલા ઈ-વેસ્ટમાં ઘટાડો જોવા મળી શકે છે.

એક જ પ્રકારનું ચાર્જર રાખવાનો નિર્ણય COP-26માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી) મિશન તરફ એક પગલું છે. જણાવી દઈએ કે, ગત વર્ષે નવેમ્બરમાં COP-26 ઈવેન્ટમાં PM મોદીએ ક્લાઈમેટ ચેન્જ પર કહ્યું હતું કે, ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરશે. લાઇફ મિશન પ્રો પ્લેનેટ પીપલ (P3)ની તર્જ પર શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનમાં સામેલ દરેક સભ્ય ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવશે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપશે