પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં G-20 સમિટ દરમિયાન સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી સિએન લૂંગ સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાને ગયા વર્ષે રોમમાં જી-20 સમિટ દરમિયાન પ્રીમિયર લી સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી.
બંને વડા પ્રધાનોએ ભારત અને સિંગાપોર વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી અને સપ્ટેમ્બર 2022માં નવી દિલ્હીમાં યોજાનાર ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલના ઉદ્ઘાટન સત્ર સહિત નિયમિત ઉચ્ચ-સ્તરીય મંત્રી અને સંસ્થાકીય ચર્ચાઓની નોંધ લીધી હતી.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે ખાસ કરીને ફિન-ટેક, રિન્યુએબલ એનર્જી, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને ફાર્મા ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તૃત કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સિંગાપોરને ગ્રીન ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટાઈઝેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત, સિંગાપોરને રાષ્ટ્રીય મહત્વના ભારતના સામાજિક અને આર્થિક માળખાકીય પ્રોજેક્ટ્સ, એસેટ મોનેટાઇઝેશન સ્કીમ અને ગતિ શક્તિ યોજનાનો લાભ લેવા આહ્વાન કર્યું હતું.
બંને નેતાઓએ તાજેતરના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર વિચારોની આપ-લે કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિમાં સિંગાપોરની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને 2021-2024 દરમિયાન આસિયાન-ભારત સંબંધોમાં તેની સંકલનકારી ભૂમિકાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ ભારત-આસિયાન બહુપક્ષીય સહયોગને વધુ વધારવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ વડા પ્રધાન લીને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને તેમને આવતા વર્ષે G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.