મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના પ્રભાવથી આપણી મન કી બાત પણ અલગ નથી રહી. જ્યારે મેં છેલ્લે તમારી સાથે મન કી બાત કરી હતી, ત્યારે પેસેન્જર ટ્રેનો બંધ હતી, બસો બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણું બધું ખૂલી ચૂક્યું છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે, અન્ય સ્પેશિયલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાનીઓ સાથે હવાઈ જહાજ પણ ઉડવા લાગ્યા છે, ધીરેધીરે ઉદ્યોગો પણ ચાલવાના શરૂ થઈ ગયા છે એટલે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ હવે શરૂ થઈ ગયો છે, ખૂલી ગયો છે. તેવામાં આપણે વધુ સતર્ક રહેવાની આવશ્યકતા છે. બે ગજના અંતરનો નિયમ હોય, મોં પર માસ્ક લગાવવાની વાત હતી, બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય, આ બધી વાતોનું પાલન, અને તેમાં જરા પણ ઢીલાશ ન રાખવી જોઈએ. દેશમાં બધાના સામૂહિક પ્રયત્નોથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂતી સાથે લડાઈ રહી છે. જ્યારે આપણે દુનિયાની સામે જોઈએ છીએ, તો આપણને અનુભવ થાય છે કે વાસ્તવમાં ભારતવાસીઓની ઉપલબ્ધી કેટલી મોટી છે. આપણી જનસંખ્યા મોટાભાગના દેશો કરતાં કેટલીયે ગણી વધારે છે. આપણા દેશમાં પડકારો પણ અલગ અલગ પ્રકારના છે, પરંતુ તેમ છતાં આપણા દેશમાં કોરોના એટલી ઝડપથી ન ફેલાઈ શક્યો, જેટલો દુનિયાના અન્ય દેશોમાં ફેલાયો છે. કોરોનાથી થનારો મૃત્યુ દર પણ આપણા દેશમાં ઘણો ઓછો છે. જે નુકસાન થયું છે, તેનું દુઃખ આપણને બધાને છે. પરંતુ જે કંઈપણ આપણે બચાવી શક્યા, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે. આટલા મોટા દેશમાં દરેક દેશવાસીએ પોતે, આ લડાઈ લડવાનું નક્કી કર્યું છે, આ આખી ચળવળ પીપલ ડ્રિવન છે. સાથીઓ, દેશવાસીઓની સંકલ્પશક્તિ સાથે વધુ એક શક્તિ આ લડાઈમાં આપણી સૌથી મોટી તાકાત છે, તે છે, દેશવાસીઓની સેવાશક્તિ. વાસ્તવમાં આ માહામારીનો સમય, આપણે ભારતવાસીઓએ એ દેખાડી દીધું કે સેવા અને ત્યાગનો આપણો વિચાર માત્ર આપણા આદર્શ જ નથી પરંતુ ભારતની જીવનપદ્ધતિ છે અને આપણે ત્યાં તો કહેવાયું છે કે સેવા પરમો ધર્મ… સેવા સ્વયં માં સુખ છે, સેવામાં જ સંતોષ છે. તમે જોયું હશે કે બીજાની સેવામાં લાગેલા વ્યક્તિના જીવનમાં કોઈ ડિપ્રેશન અથવા તણાવ ક્યારેય દેખાતો નથી. તેના જીવનમાં જીવનને લઈને તેની દ્રષ્ટિમાં ભરપૂર આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને જીવંતતા પ્રતિ પળ નજરે પડે છે. સાથીઓ આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસકર્મી, મીડિયાના સાથીઓ, આ બધા જે સેવા કરી રહ્યા છે, તેની ચર્ચા મેં કેટલીયે વખત કરી છે. મન કી બાતમાં પણ મેં તેનો ઉલ્લેખ કર્યો હતો. સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. એવા જ એક સજ્જન છે તમિલનાડુના સી.મોહન. સી.મોહનજી મદુરાઈમાં એક સલૂન ચલાવે છે. પોતાની મહેનતની કમાણીથી તેમણે પોતાની દિકરીના ભણતર માટે પાંચ લાખ રૂપિયા બચાવ્યા હતા, પરંતુ તેમણે આ બધા નાણાં આ સમયમાં જરૂરિયાતવાળાઓ, ગરીબોની સેવા માટે ખર્ચ કરી નાખ્યા.…