પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગે વીડિયો સંદેશ દ્વારા કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.
ગુજરાતના એકતા નગરમાં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય નીતિ ઘડવૈયાઓને ભારતીય કાયદાકીય અને ન્યાયિક પ્રણાલી સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પરિષદ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી શકશે, નવા વિચારોનું આદાન-પ્રદાન કરી શકશે અને તેમના પરસ્પર સહયોગમાં સુધારો કરી શકશે.
આ કોન્ફરન્સમાં જે વિષયો પર ચર્ચા કરવામાં આવશે તે ઝડપી અને ખર્ચ-અસરકારક ન્યાય માટે આર્બિટ્રેશન જેવા વૈકલ્પિક વિવાદ નિરાકરણની પદ્ધતિઓ હશે; એકંદર કાનૂની ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન; અપ્રચલિત કાયદાઓ દૂર કરવા; ન્યાયની પહોંચમાં સુધારો; પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી નિકાલની ખાતરી કરવા; કેન્દ્ર-રાજ્યના વધુ સારા સંકલન માટે રાજ્યના બિલોને લગતી દરખાસ્તોમાં એકરૂપતા લાવવી; રાજ્ય કાનૂની પ્રણાલીઓને મજબૂત બનાવવી, વગેરે.