મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ”નો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ”નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ”ના પ્રારંભ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આ પાવન અવસરે સહભાગી થવાનો મને અવસર મળતા હું સદભાગી થયો છું.

 

આ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વ્યસન મુક્તિ, સદાચારી અને પ્રમાણિકતાનું નિર્માણ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન રહ્યું છે. એટલુ જ નહીં સંતોની વાણીથી સમાજને એક નવી દિશા મળતી થઈ છે અને કલા અને સંસ્કૃતિનો પોષક સંત સમાજ હર હંમેશથી રહ્યો છે.

 

રાજ્યની વિકાસાત્રાને આગળ વધારવા માટે ધર્મ સંતોનું હરહંમેશ માર્ગદર્શન મળતું રહ્યું છે એમ મુખ્યમંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વ સંસ્કૃતિ અને સમભાવને સૌથી વધુ મહત્વ આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ વીરાસતને જાળવી રાખીને દેશ અને રાજ્યનો વિકાસ કર્યો છે, એ જ પરંપરા જાળવી રાખીને હું અને મારી ટીમ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી રહ્યા છીએ. દરેક ધર્મોને સાથે લઈને ગુજરાતની આ ડબલ એન્જિન સરકાર સૌ કાર્યોને ઝડપથી પૂર્ણ કરી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, કોરોનાકાળમાં પણ આપણે સૌને સાથે રહીને સેવાકિય કર્યો કરીને જરૂરિયાત મંદો માટે મદદરૂપ બન્યા હતા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૂત્ર ‘સૌ સુખી તો આપણે સુખી’ ચરિતાર્થ કરીને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ના સૂત્રને પણ સાકાર કર્યું છે.

આ અવસરે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ધર્મ અને સત્તાએ સાથે મળીને કામ કરતું રહેવાનું છે. અમે ધર્મક્ષેત્રથી અને રાજ્ય સરકાર રાજ્ય ક્ષેત્રથી સાથે કામ કરીને દેશ અને રાજ્યના વિકાસના યોગદાન આપતું રહે એમ તેમણે ઉમેર્યું હતું.

 

તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને આગેવાનીમાં ગુજરાત સતત આગળ વધતું રહ્યું છે. ગુજરાત શાંતિ પ્રિય છે અને આપણું ગુજરાત દિન પ્રતિદિન વિકસતું રહે એમ સ્વામીજીએ જણાવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, મણિનગર ગાદી સંસ્થાનમાં તા. 19 થી તા. 25 સપ્ટેમ્બર દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે.આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદથી વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ – લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત – વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે.

 

તા. 19 સપ્ટેમ્બરના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં વિવિધ સદ્ગ્રંથોની પારાયણોથી મહોત્સવનો પ્રારંભ થયો તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પોથીયાત્રા યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો-ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે. તા. 20 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાચન થશે અને સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર તથા રાત્રે સંતો અને ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ રાસ જેવા કાર્યક્રમો યોજાશે.તા. 21 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન તેમજ સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ નૃત્યનાં કાર્યક્રમો યોજાશે. તા. 22 સપ્ટેમ્બર 2022નાં રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન, સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એપિસોડ નાટક યોજાશે. તા. 23 સપ્ટેમ્બર 2022ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા શ્રી અબજી બાપાશ્રીની વાતોનું સમૂહ પારાયણનું વાચન થશે. આ દિવસે સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી મહિમાનાં કીર્તનોનું ગાન સંતો અને નામાંકિત કલાકારો કરશે. તા. 24 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર પાટોત્સવ, શ્રી સ્વામિનારાય ગાદી ગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન થશે. સાંજે કાંકરિયાથી ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે. તા. 25 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સદ્ગુરૂ દિન, પૂજન, અર્ચન, ગુરૂદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ, આરતી, જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ અને શ્રી સ્વામિનારાયણ ગાદીનાં પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનાં કાર્યક્રમો યોજાશે.

 

આ પ્રસંગે સાંસદ શ્રી ડૉ કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ તેમજ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં સંતો એને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.