ટી-20 વર્લ્ડકપને શરૂ થવામાં હવે એક મહિનાની વાર છે ત્યારે મોટા ભાગની ટીમોએ ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં એશિયા કપમાં ચેમ્પિયન બનનાર શ્રીલંકાની ટીમે પણ ટી-20 વર્લ્ડકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ટી-20 વર્લ્ડકપ માટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. દાસુન શનાકાની કેપ્ટન્સી ધરાવતી ટીમમાં મોટાભાગના તે ખેલાડી જ સામેલ છે જે તાજેતરમાં એશિયા કપ 2022માં રમતા જોવા મળ્યા હતા. મિડલ ઓર્ડર બેટ્સમેન દિનેશ ચાંદીમલને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં જગ્યા મળી છે.
ચમીરા અને કુમારાની વાપસી
ઇજાને કારણે એશિયા કપની ટીમની બહાર થનારા દુષ્મંથા ચમીરા અને લાહિરૂ કુમારાની ટીમમાં વાપસી થઇ છે. જોકે, આ બન્ને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા પણ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થયો છે. મહત્વપૂર્ણ છે કે મદુશંકાએ એશિયા કપ 2022માં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા અને ભારત વિરૂદ્ધ ત્રણ વિકેટ ઝડપી હતી. એશિયા કપ 2022માં પોતાની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા પ્રમોદ મદુશનને પણ તક મળી છે, તેને ફાઇનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ ચાર વિકેટ ઝડપી હતી.
ટી-20 વર્લ્ડકપ માટે શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), દનુષ્કા ગુમથિલકા, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, ધનંજયા ડી સિલ્વા, વનિન્દુ હસરંગા, મહેશ તીક્ષાના, જેફરી વેંડરસે, ચમિકા કરૂણારત્ને, દુષ્મંથા ચમીરા (ફિટનેસ પાસ કરવી પડશે), લાહિરૂ કુમારા (ફિટનેસને આધીન), દિલશાન મદુશંકા અને પ્રમોદ મદુશન
શ્રીલંકા ગ્રુપ-Aમાં સામેલ છે. આ ટીમમાં નામીબિયા, નેધરલેન્ડ અને યૂએઇ સામેલ છે.
ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં શ્રીલંકા 16 ઓક્ટોબરે નામીબિયા સામે ટકરાશે, તેની આગામી મેચ 18 ઓક્ટોબરે યૂએઇ સામે અને 20 ઓક્ટોબરે નેધરલેન્ડ વિરૂદ્ધ મેચ રમાશે. આ ત્રણેય મેચ જિલૉંગના સાયમંડ્સ સ્ટેડિયમમાં રમાશે, જો શ્રીલંકા પોતાના ગ્રુપની ટોપ ટીમ બને છે તો તે સુપર-12માં પહોચી જશે.