વેરાવળમાં કેન્દ્રીય મંત્રીએ ફિશરમેશન અને સીફૂડ નિકાસ ક્ષેત્રની સમસ્યા અને સંભાવનાઓ અંગે ફીશ એક્ષપોર્ટરો સાથે સંવાદ બેઠક કરી ફિશિંગ ઉદ્યોગને લઈ વિશ્વમાં જે દેશો ભારત સાથે સારી રીતે વર્તણૂંક રાખશે તેની સાથે ભારત સારા વ્યાપારીક સંબંધો રાખશે અન્યથા ખોટી રીતે ઉદ્યોગની નિતીઓને પ્રતાડિત કરનાર દેશોને તે રીતે ભારત જવાબ આપશે તેવું કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પિયુષભાઈ ગોયેલએ વેરાવળમાં ફીશ એક્ષપોર્ટર સાથેની યોજેલ બેઠકમાં જણાવી કહેલ કે, મોદી સરકાર ફીશ ઉદ્યોગના વિકાસના આડે આવતી તમામ અડચણો દુર કરવા માટે કટિબદ્ધ છે. બે દિવસની સોરઠની મુલાકાતે આવેલ કેન્દ્રના મંત્રી પિયુષભાઈ ગોયેલએ મત્સ્યોદ્યોગના હબ ગણાતા એવા વેરાવળમાં ખાનગી હોટલમાં સી ફુડ ઉધોગ સાથે જોડાયેલા ફીશ એક્ષપોર્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મત્સ્યોદ્યોગની સરકારી સંસ્થા એમપીડા સહિતના વિભાગોના અધિકારીઓ, સી ફુડ એક્ષપોર્ટર એસો.ના સભ્યો સહિતના હાજર રહ્યા હતા. બેઠકમાં મંત્રીએ મત્સ્યોદ્યોગ અને ફીશ એક્ષપોર્ટરો સાથે વાર્તાલાપ કરી ઉદ્યોગની જરૂરીયાતો, મુશ્કેલીઓ અને પ્રશ્નો જાણ્યા હતા. આ બેઠકમાં ફીશ એક્ષપોર્ટર તરફથી રજુ કરેલ રજુઆતો અંગે સી ફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, ગુજરાતના પ્રમુખ કેતનભાઈ સુયાણીએ જણાવેલ કે, હાલમાં ગુજરાતમાંથી 5 હજાર કરોડના થતા ફીશ એક્ષપોર્ટને કંઈ રીતે 15 હજાર કરોડ સુધી પહોંચાડવુ તે અંગે ચર્ચાઓ કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતના પ્રતિસ્પર્ધી એવા અનેક દેશોને અફટીએસ (ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ) ના માધ્યમથી લાભો મળી રહ્યા છે. તે લાભ ભારત દેશના એક્ષપોર્ટરોને પણ મળતો થાય તે અંગે ઘટતું કરવા માંગ કરેલ છે. માછીમાર સમાજના લોકોનું સરકાર અને સરકારી વિભાગોમાં પુરતું પ્રતિનિધિત્વ ન હોવાથી માછીમારોની સાચી સમસીયા સરકાર સુધી પહોંચતી નથી. જેથી માછીમારો અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા લોકોને પુરતું પ્રતિનિધિત્વ મળે તો ઘણો લાભ સમાજ અને ઉદ્યોગને થશે. વધુમાં આજની બેઠકમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે કામ કરતી સરકારી એમપીડા સંસ્થામાં અત્યાર સુધી એક્ષપોર્ટર એસો.નું પ્રતિનિધિત્વ ન હતુ તે દુર્ભાગ્યપૂર્ણ હોવાની રજૂઆત થયેલ હતી. જે અંગે બેઠકમાં જ મંત્રી ગોયેલએ ત્વરીત એમપીડામાં સી ફુડ એક્ષપોર્ટરના પ્રેસિડન્ટની સભ્ય તરીકે કાયમી નિમણુંક કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આનાથી મત્સ્યોદ્યોગ અને ફીશ એક્ષપોર્ટના પ્રશ્નો અને અભિપ્રાયો એમપીડાના બોર્ડમાં રાખી શકીશું અને વિશ્વની અન્ય માર્કેટમાં ફીશ એક્ષપોર્ટનો વધારો કંઈ રીતે કરી શકાય તેનો રસ્તો શોધી શકીશું. વધુમાં માછીમારી અને એક્ષપોર્ટને લગતા પ્રશ્નો તથા માછીમારીની યોજનામાં રહેલ ખામીઓ દુર કરવા અંગે વિસ્તારપૂર્વક રજુઆતો કરી હતી. આ બેઠકમાં મંત્રી પિયુષભાઈ ગોયેલએ જણાવેલ કે, WTO માં ભારતના માછીમારોને રોકવા માટે અમુક અંકુશ લગાવવા માટે કોશિષ થઈ રહી હતી. જેની સામે પ્રધાનમંત્રી મોદીજીએ મજબુતી સાથે ભારતનો પક્ષ રાખતા WTO માં જુના એગ્રીમેન્ટને રોકવાની ફરજ પડી હતી અને ભારતના હિત જળવાઈ તેવું એગ્રીમેન્ટ પાસ કરવામાં આવ્યુ છે. જેમાં ગેરકાયદેસર થતી ફીશીંગને રોકી બંધ કરાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીજીએ માછીમારી અને ફીશ એક્ષપોર્ટ ઉદ્યોગના વિકાસ માટે પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના અમલમાં લાવી તેના માટે 20 હજાર કરોડની જોગવાઈ કરી હોય તેનો ફાયદો ઉદ્યોગને થશે. ફિશિંગ ઉદ્યોગની બાબતમાં જે દેશ ભારત સાથે સારી રીતે વર્તણૂંક કરશે ભારત તેની સાથે સારી વર્તણૂંક રાખશે અન્યથા ખોટી રીતે ઉદ્યોગની નીતિઓને પ્રતાડિત કરવા પર જડબાતોડ જવાબ અપાશે. ભારત દેશનો માછીમારી ઉદ્યોગ સદીઓ જૂનો છે. જેનો ભારતની આર્થિક ઈકોનોમીમાં પણ મોટો ફાળો રહ્યો છે. સરકાર આ ઉદ્યોગના વિકાસમાં આવતી તમામ અડચણો દુર કરવા માટે કટીબદ્ધ છે. આ બેઠકમાં સંગઠનના ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, પાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી સહિતના સાથે રહ્યા હતા.