મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા શહેર ખાતે રૂપિયા 147 કરોડના ખર્ચે નિર્મિતસરદાર પટેલ અન્ડરપાસનું લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું ,તેથી આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મહેસાણા ખાતે રૂપિયા 147 કરોડના સરદાર પટેલ અન્ડરપાસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,દેશના વડાપ્રધાન બન્યા પછી પણ તેમનું માર્ગદર્શન ગુજરાતને સતત મળતું રહ્યું છે. એટલે જ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા સતત અને અવિરત રહી છે. તેમણે ઉમેર્યું હતું કેગુજરાતના શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની રાજ્ય સરકારની નેમ છે,આ નેમ પાર પાડવામાં આજે વધુ એક નજરાણું મહેસાણાના અંડરપાસના નિર્માણથી ઉમેરાયું છે.

 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ગુજરાતમાં પથરાયેલા કુલ ૫ હજાર કિલોમીટર લંબાઇના નેશનલ હાઇવે વિકાસના રાજમાર્ગ બન્યા છે. રાજ્યમાં ૧ લાખ ૧૫ હજાર કિલોમીટર લંબાઇના રસ્તાઓનું નેટવર્ક ગુજરાતમાં છે.આખા ગુજરાતમાં એક છેડાથી બીજા છેડા પર ૬ થી ૮ કલાકમાં સલામત અને ઝડપથી પહોંચી શકાય તેવો આપણો ધ્યેય છે.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે,પ્રગતિ પથના ૩૭૧૦ કિલોમિટર ના માર્ગોમાંથી ૯ કોરીડોરને રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવાના છે, જેનાથી વિકાસની ગતિની રફતારમાં વધારો થશે .તેમણે ઉમેર્યું હતું કે,કિસાનપથ યોજના હેઠળ ગામડાના ૧૦ હજાર કિલોમિટરના રસ્તાઓ અને વિકાસપથ યોજના થકી તાલુકા મથકોના ૮૦૦ કિ.મી રસ્તાઓને સુગમ બનાવ્યા છે.

 

માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું, કે સરકાર સંસ્કૃતિને વરેલી સરકાર છે. છેવાડના માનવીનો વિકાસ તેનો મંત્ર છે.મહામાનવ સરદાર પટેલનું વિશ્વ સ્તરનું સ્મારક બનાવી દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ અપાવ્યું છે.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના છેવાડાના ગામોમાં રસ્તાનું જોડાણ મળી રહે તેમજ વરસાદી સમયમાં કોઇ ગામ વિખૂટુ ના પડે અને હાલાકી ન ભોગવવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારે અનેક યોજના અમલી બનાવી છે. સમગ્ર ગુજરાતની કાયાપલટ થઇ રહી છે.મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 1117 કરોડના 656 કામો થયા છે જે વિકાસની ગતિ બતાવે છે.

 

આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનો પર્યાય બન્યુ છે.ગુજરાતની જનતાએ 1995થી સરકારનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.રાજ્યમાં વિકાસના અનેક કામો થયા છે. 1995 પહેલાનું અને આજના ગુજરાતે વિકાસની નવી દિશા આપી છે,રાજ્યમાં આરોગ્યની સલામતી જળવાઇ રહે તે માટે અનેક વિધ યોજનઓ અમલી બની છે. આગામી સમયમાં સિનિયર સિટીઝનો માટે માનવલક્ષી યોજના અમલી થઇ રહી છે, જેનાથી વડીલોને સારવાર ઘરે મળી રહેશે તેમ જણાવી રાજ્ય સરકારના અનેક વિધ પ્રયત્નોથી નાગરિકોના જીવનમાં આવેલ સકારત્મક પરિવર્તનનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

 

પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ,દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર સૌના સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી હકારત્મક દિશામાં કામ કરી રહી છે.મહેસાણા શહેરને આજે ગુજરાતના સૌથી મોટા અડંરપાસની ભેટ મળી છે, જે આ શહેરનું ઘરેણું છે. તેમણે ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે.

 

“સરદાર પટેલ અન્ડરપાસ”ની કામગીરીમાં હયાત ચાર માર્ગીય રસ્તા ઉપર જંકશન ખાતે 927 મીટર લંબાઇમાં અન્ડરપાસ તેમજ હયાત રસ્તાને આશરે ત્રણ કિલોમીટર લંબાઇમાં મજબૂતીકરણ તેમજ બંન્ને બાજુના હયાત સર્વિસ રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવલી છે.

 

“સરદાર પટેલ અન્ડરપાસ”માં શહેરી ટ્રાફિકને તથા બસ સ્ટેશનને અનુકૂળ રહે તેમ ત્રણ બોક્ષ બનાવેલ છે.જે એસ.ટી.ડેપો,મોઢેરા સર્કલ તેમજ માલગોડાઉન ખાતે બનાવવામાં આવેલ છે.

 

“સરદાર પટેલ અન્ડરપાસ”ની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે ચાર અન્ડર ગ્રાઉન્ડ સંપ મળીને અંદાજિત 12 લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા રાખવામાં આવેલ છે.જેને ખારી નદી સુધી પહોંચાડવા આઠ પંપ લગાવવામાં આવેલ છે.

 

શહેરના વરસાદી પાણીના નિકાલ માટે “સરદાર પટેલ અન્ડરપાસ”નવા સર્વિસ રોડની બંન્ને બાજુએ 900 મીટર વ્યાસની 02 વરસાદી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવેલ છે.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું જિલ્લાના નાગરિકો,વિવિધ સહકારી,સામાજિક સંસ્થાઓ,અગ્રણીઓ,વેપારીઓ દ્વારા સ્વાગત-સન્માન કરવામા આવ્યું હતું.

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર મહેસાણા શહેર મોઢેરા ચાર રસ્તા ખાતે નવનિર્મિત “સરદાર પટેલ અન્ડરપાસ”ના લોકાર્પણ કાર્યક્રમમાંસંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી અજમલજી ઠાકોર,કરશનભાઇ સોલંકી, માર્ગ અને મકાન વિભાગના સચિવ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પી.આર.પટેલિયા,અગ્રણી જશુભાઇ પટેલ.નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,નગરજનો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.