ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સીરિઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમ 50 રને જીતી ગઇ હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ દમદાર પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ ટીમ ઇન્ડિયાના બોલરોએ પણ કમાલની બોલિંગ કરી હતી. ઇંગ્લિશ ટીમ ભારતીય બોલરો સામે માત્ર 148 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મેચ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પણ ઇંગ્લેન્ડની હારમાં ભારતીય બોલરોનો હાથ ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે દરેક પરિસ્થિતિમાં બોલને સ્વિંગ કરાવવાની સ્કિલ માટે ભૂવનેશ્વર કુમારની પ્રશંસા પણ કરી હતી.
બટલરે કહ્યુ, ભારતીય બોલરોએ નવા બોલ સાથે ઘણી સારી બોલિંગ કરી અને અમને દબાણમાં લાવી દીધા. અમે શરૂઆતના ઝટકામાંથી બહાર ના આવી શક્યા. તે સતત અને ઘણી વાર સુધી સ્વિંગ કરાવતો રહ્યો. મને જ્યા સુધી લાગે છે કે ટી-20 મેચમાં પ્રથમ વખત આટલી વાર સુધી બોલ સ્વિંગ થતી રહી. ભૂવનેશ્વર કુમાર તો કોઇ પણ પરિસ્થિતિમાં બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા રાખે છે. બટલરે હસતા એમ પણ કહ્યુ કે અમે એકાદ બોલને સીધા સ્ટેન્ડમાં પહોચાડીને સ્વિંગને રોકી શકતા હતા.
ભારતે 50 રને જીતી પ્રથમ ટી-20 મેચ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે ઝડપી શરૂઆત કરી હતી અને સતત વિકેટ ગુમાવવા છતા રનને ઝડપથી બનાવવાનું ચાલુ રાખ્યુ હતુ. ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા (51), સૂર્યકુમાર યાદવ (39), દીપક હુડ્ડા (33) સારી ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા.
જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. 33 રન સુધી આવતા આવતા ઇંગ્લેન્ડે પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. મોઇન અલી (36), હેરી બ્રુક (28), ક્રિસ જોર્ડન (26) ભારતીય બોલરોને થોડો પડકાર આપ્યો હતો પરંતુ ત્યાર સુધી મોડુ થઇ ગયુ હતુ. આખી ઇંગ્લિશ ટીમ માત્ર 148 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. હાર્દિક પંડયાએ 4, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપે 2-2 અને ભૂવનેશ્વર કુમાર તેમજ હર્ષલ પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.