ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીના અંતિમ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને સાત વિકેટે પરાજય આપતાં શ્રેણી 2-2થી બરાબર થઈ છે. આ પરિણામથી ભારતીય ટીમનું 15 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં શ્રેણી જીતવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ના ફાઈનલમાં પણ પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પહેલો ફાઈનલ રમી હતી. ત્યારે ભારતે 70%થી વધુ પોઈન્ટ હાંસલ કરી ફાઈનલમાં જગ્યા મેળવી હતી. ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલની ટકાવારી પોઈન્ટના આધારે નક્કી થાય છે. આ વખતે ભારતીય ટીમના 70% પોઈન્ટ થવા અત્યંત કપરા છે. હજુ ભારત પાસે 12 મેચના 75 પોઈન્ટ છે. એક ટેસ્ટ જીતવા પર 12 પોઈન્ટ મળે છે મતલબ કે ભારત પાસે કુલ સંભવ 144માંથી 77 પોઈન્ટ છે મતલબ કે 53.47% હજુ ભારતે 6 ટેસ્ટ રમવાની છે જેમાંથી ચાર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ (ભારતમાં) અને બે બાંગ્લાદેશ વિરુદ્ધ (બાંગ્લાદેશ)માં રમવાની છે. ભારતીય ટીમ તમામ ટેસ્ટ જીતી લ્યે તો પણ તેના 68.98% પોઈન્ટ જ થશે મતલબ કે ભારતીય ટીમ 70% સુધી પહોંચી શકશે નહીં. જો કે ભારતીય ટીમ 68.98% પોઈન્ટ સાથે પણ ફાઈનલમાં પહોંચી શકે છે પરંતુ એક હાર થશે તો સ્થિતિ બદલાઈ જશે. જો ભારતીય ટીમ આગલી 6માંથી એક ટેસ્ટમાં હારે છે અને પાંચમા જીત મેળવે છે તો તેના 63.42 પોઈન્ટ થશે. આટલા જ પોઈન્ટ સાથે ફાઈનલમાં પહોંચવું અશક્ય છે. આ સ્થિતિમાં પાકિસ્તાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાંથી કોઈ બે ટીમ બહુ ખરાબ રમે તો જ ભારત ફાઈનલમાં પહોંચી શકશે. ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલની અત્યારની સ્થિતિ પર નજર કરીએ તો ઑસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર છે. ઑસ્ટ્રલિયાના અત્યારે 77.78% પોઈન્ટ છે. ભારતમાં રમાનારી શ્રેણી ઑસ્ટ્રેલિયા માટે મુશ્કેલ બની શકે છે પરંતુ તેણે પોતાના ઘરમાં પણ ઘણા ટેસ્ટ રમવાના છે. આફ્રિકાના અત્યારે 71.43% પોઈન્ટ છે તો પાકિસ્તાનના 52.38% પોઈન્ટ છે. આફ્રિકાએ ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. જો ટીમ આ બન્ને પ્રવાસે સારું રમી ગઈ તો ફાઈનલમાં પહોંચી શકે છે. બીજી બાજુ પાકિસ્તાને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમવાનું છે તો લંકાનો પ્રવાસ પણ કરવાનો છે. આ ત્રણ શ્રેણીથી પાકિસ્તાનનું ભાગ્ય નક્કી થશે.