મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વીવો ઇન્ડિયા વિરુદ્વ કરાયેલી સખત કાર્યવાહી બાદ હવે વીવો ફફડ્યું છે. વીવો ઇન્ડિયાના ડાયરેક્ટર ઝેંગસેન અને ઝેંગ જી હવે દેશ છોડીને ભાગી ગયા છે. સૂત્રો અનુસાર, ઇડીએ આ મામલે 40 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા, જે બાદ કંપનીના ડાયરેક્ટર્સ દેશ છોડીને ભાગી ગયા હતા. જણાવી દઇએ કે, મંગળવારે સીબીઆઇએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં કંપનીના 40 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા. તે ઉપરાંત આવકવેરા વિભાગ પણ અત્યારે કંપની પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ઇડીએ પીએમએલના ઉલ્લંઘન બદલ કંપની વિરુદ્વ આ કાર્યવાહી કરી છે. સૂત્રો અનુસાર વીવો મોબાઇલ કમ્યુનિકેશનના સ્થાનિક ઠેકાણાંઓ પણ ઇડીના રડારમાં છે, તેના પર નાણાકીય ગેરરીતિનો આરોપ છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી કંપની દ્વારા કરવામાં આવેલી કથિત ગેરરીતિને ગંભીરતાપૂર્વક લઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં કંપની વિરુદ્વ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. કંપની દ્વારા કથિત નાણાકીય ગેરરીતિને લઇને આ તપાસ શરૂ કરવામાં આવી હતી.
બીજી તરફ આ સમગ્ર મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝાને કહ્યું છે કે, અમને આશા છે કે ભારતીય એજન્સીઓ તપાસમાં કાયદાનું પાલન કરશે તેમજ યોગ્ય અને ન્યાયપૂર્ણ નિર્ણય લેશે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચીની કંપનીઓ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ ભારતમાં નહીં કરવાામં આવે. ચીની પક્ષ આ સમગ્ર મામલે નજીકથી નજર રાખી રહ્યું છે. ચીની સરકારે હંમેશા ચીની કંપનીઓને દેશની બહાર બિઝનેસ કરવા સમયે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે ચીની કંપનીઓની સુરક્ષા તેમજ કાયદાકીય અધિકારાના હિતોના પક્ષમાં છીએ.