ખેડા-માતર તાલુકાના 38 ગામના 10,324 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે 1996 થી 2004 સુધી નર્મદા કેનાલમાંથી પાણી અપાતું ત્યારબાદ કડાણા ડેમમાંથી શરૂ કરાયું 74 વર્ષ જુની મેશ્વો સિંચાઈ કેનાલનું 75 કરોડના ખર્ચે રિનોવેશન ખેડા જિલ્લામાં સિંચાઈની સૌથી જુની કેનાલ એટલે મેશ્વો સિંચાઈ કેનાલ. વર્ષ 1948 થી 1950 ના સમયગાળા દરમિયાન રાસ્કા ગામ ખાતે મેશ્વો નદી પર અંદાજિત 53.95 લાખના ખર્ચે 554 ફુટ લંબાઈનો આડબંધ (રાસ્કા વિયર) બાંધવામાં આવ્યો હતો. જેમાંથી નીકળતી નહેર મારફતે અમદાવાદના દસક્રોઈ અને ખેડા જિલ્લાના માતર અને ખેડા તાલુકાના 38 ગામોને લાભ મળી રહ્યો છે. 74 વર્ષ જુની કેનાલ હોઈ પાણી સોસાઈ જવાની તેમજ બાસ્પિભવન થવાને કારણે છેવાડાના ગામડાઓ સુધી તેનો લાભ મળી રહ્યો ન હતો. જે બાબતે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણ સાથે ચર્ચા થતા રૂ.75 કરોડના ખર્ચે કેનાલનું રિનોવેશન કામ શરૂ કરાયું છે. મેશ્વો કેનાલ દ્વારા 38 ગામોના કુલ 12,107 હેક્ટર પિયત વિસ્તાર પૈકી 9109 હેક્ટર વિસ્તારને ખરીફ સિઝન તેમજ 1215 હેક્ટર વિસ્તારને રવિ સિઝન મળીને કુલ 10,324 હેક્ટર વિસ્તારને વાર્ષિક સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. 1950 થી 1996 સુધી મેશ્વો બંધ મારફતે આ કેનાલમાં પાણી આપવામાં આવતુ હતુ. પરંતુ મેશ્વો ડેમથી રાસ્કા આડબંધ સુધી 145 કિ.મી. લંબાઈમાં પાણી વહેતું હોવાથી આશરે 60 થી 65 ટકા પાણી સોસાઇ જવાથી તથા બાષ્પીભવન થવાથી વેડફાઈ જતુ હતુ. જેથી 1996 થી 2004 સુધી નર્મદા કેનાલ મારપતે પાણી આપવાનું શરૂ કરાયું હતુ. પરંતુ વર્ષ 2004 થી કડાણા ડેમમાંથી શેઢી શાખા મારફતે રાસ્કા વિયરમાં પાણી નાખી મેશ્વો સિંચાઈ યોજનાને પાણી આપવાની શરૂઆત થઈ જે આજે પણ ચાલી રહી છે. શાખાના નવીનીકરણ ના કામ માટે મુખ્ય ઈજનેર એ.ડી.કાનાણી, અધિક્ષક ઈજનેર કે.સી.ચૌહાણ દ્વારા પ્લાન તૈયાર કરી સરકાર માંથી રૂ.75 કોડ મંજૂર કરાવ્યા હતા. હાલ કામ પૂર્ણતાના આરે હોય કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણ સાથે ખેડુત આગેવાન દોલતસિહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ હેમેન્દ્રસિંહ જાદવ, મહામંત્રી પ્રવિણસિહ, જિલ્લા પંચાયત સભ્ય રમણભાઈ, અર્જુનસિંહ સહિતના કાર્યકરો કેનાલની મુલાકાત લીધી હતી. અગાઉ સાબરકાંઠાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો વર્ષ 1950 થી 1996 સુધી મેશ્વો બંધમાંથી 145 કિ.મી દુરથી પાણી રાસ્કા વિયર માં લાવવામાં આવતુ હતુ. જેના કારણે સાબરકાંઠા પિયત વિસ્તારના ખેડુતો દ્વારા વિરોધ કરાતા સિંચાઈ વિભાગ માટે મુસ્કેલી ઉભી થતી હતી. એટલું જ નહીં સંઘર્ષની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ચુકી હતી. નવી કેનાલથી ખેડૂતોને ડબલ પાણી મળશે અગાઉ જુની કેનાલમાં છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચતુ જ નહતુ. અને જ્યા પાણી પહોંચે ત્યા 6 થી 7 કલાકે ફક્ત 300 ક્યુસેક પાણીના સ્થાને 770 ક્યુસેક પાણી છોડી શકાશે, જેના કારણે અંદાજીત 50 હજાર થી વધુ ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે. > આર.અે. પરમાર, ના.કાર્યપાલક ઇજનેર