ભરૂચ:રવિવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત વીજળી આપવાની પ્રતિબદ્ધતા સાથે છેલ્લા ૨૦ દિવસમા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સરકારે કર્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આદિવાસી વિસ્તારોમાં પાછલા બે દસકામાં ૨૭૭ નવા વીજ સબસ્ટેશનો ઊભા કર્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભરૂચના ઝઘડીયા ખાતે આયોજિત સમારોહમા એક જ સ્થળેથી એક સાથે ૪ વીજ સબસ્ટેશનના લોકાર્પણ અને ૧ ના ભૂમિપૂજન અવસરે સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ભરૂચના વાલિયામાં રૂ.૭.૬૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૬૬ કે.વી. સબસ્ટેશનનું ઈ-ભૂમિપૂજન પણ કર્યું હતું.
કુલ રૂા.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સબસ્ટેશનોથી અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, ભરૂચના ઝઘડીયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ૪૫ ગામોના કુલ ૨૨૫૦૧ વીજગ્રાહકો અને ૧૧૧૬ ખેતીવાડી ગ્રાહકો મળી કુલ ૨૩,૬૧૭ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. જયારે ભરૂચના વાલીયા તાલુકામાં રૂ.૮ કરોડના ખર્ચે કોંઢ સબસ્ટેશન સાકાર થશે, જેના કારણે આસપાસના ૧૦ કિમિ વિસ્તારના ૯ ગામોના ૨૦૦૦ વીજ ગ્રાહકોને વીજ સુવિધા મળશે.
ઝઘડિયા તાલુકાના વણાકપોર સ્થિત મિશન ગ્રાઉન્ડમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યને વીજળીના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવતા વધુમાં કહ્યું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે.
રાજ્યના છેવાડાના ગામો સુધી વીજસુવિધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુક્ત બન્યું છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વીજળી માનવજીવનમાં કેન્દ્રસ્થાને છે. રાજ્ય સરકાર વીજ ઉત્પાદન અને વિતરણની પદ્ધતિમાં પરિવર્તન લાવી ગુજરાતમાં નવા વીજ સબસ્ટેશનો કાર્યરત કરી રહી છે. વીજળી મળતા ગ્રામ્ય વિસ્તારમાં સારી આરોગ્ય સુવિધાઓ પહોંચતી થઈ છે. સરકારી દવાખાનાઓની સાથે સાથે ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, ઉદ્યોગો, કારખાનાઓ ધમધમતા થયા છે, અને સાથોસાથ રોજગારીના અવસરો પણ વધ્યા હોવાનો પણ તેમણે સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.
આજે આપણે કેટલા આગળ વધ્યા છીએ એ જાણવું હોય તો પાછળ વળી ને જોવું પડે એમ જણાવતા વર્તમાનની વિકાસયુક્ત અને ભૂતકાળની વિકટ સ્થિતિના મુખ્યમંત્રીશ્રીએ લેખાજોખા કર્યા હતા. આ સંદર્ભે તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પાસે લોકો રાત્રે વાળુ સમયે વીજળી મળે એવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરતા હતા. તેમણે આ સમસ્યાને જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક વીજળી મળે તેવું બેનમૂન અને ભગીરથ કાર્ય કર્યું. જ્યોતિગ્રામ યોજનાએ છેવાડાના અંધારિયા વિસ્તારોમાં ૨૪ કલાક અજવાળા પાથર્યા છે.
રાજ્યમાં ભૂતકાળની વીજ ક્ષેત્રની વિકટ સ્થિતિ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યમાં ફક્ત ૪ર સબ સ્ટેશનો કાર્યરત હતા. વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૨ દરમ્યાન ૭૦ર સબસ્ટેશન બન્યા. અગાઉની સરકારમાં દર વર્ષે સરેરાશ ૧૬ જેટલા સબ સ્ટેશન બનતા હતાં, જેની સામે વિકાસને વરેલી આ ડબલ એન્જિન સરકારે ૨૦૦૨થી ૨૦૨૨ દરમ્યાન માત્ર ૨૦ વર્ષના સમયગાળામાં ૧૫૪૯ સબ સ્ટેશન બનાવ્યા છે. એટલે કે દર વર્ષે સરેરાશ ૭૮ સબ સ્ટેશન બન્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે, સરકારે આદિજાતિ વિસ્તારો અને દરિયાકાંઠાના દૂર-દૂરના ઘરોમાં વીજળી પહોચાડી છે. ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના વખતે રાજ્યના આદિવાસી વિસ્તારમાં ૧ જ સબસ્ટેશન હતું. તે સમયે દરિયાકાંઠા વિસ્તારમાં માત્ર ૩ સબ સ્ટેશનો અસ્તિત્વમાં હતાં અને ૪૨ વર્ષ પછી ૨૦૦૨ સુધીમાં ૧૧૮ નવા બન્યા, જ્યારે પાછલા માત્ર ૨૦ જ વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોને ૨૫૫ નવા સબસ્ટેશન મળ્યા હોવાનું જણાવી રાજ્યના તમામ વિસ્તારોમાં ઘરવપરાશ, ઔદ્યોગિક કે ખેતી વિષયક વીજપુરવઠો પૂરો પાડવા સંકલ્પકૃત્ત હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના કારણે ગુજરાતમાં ઊર્જા વ્યવસ્થાનું એટલું સુદ્રઢ માળખુ ગોઠવાયું છે કે સમગ્ર વિશ્વમાં ઊર્જાની કટોકટી સર્જાઈ છે અને ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ વધ્યો છે તેમ છતાં રાજ્ય સતત અને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પૂરો પાડી રહ્યું છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પાણી અને ઊર્જા વિકાસ માટે અનિવાર્ય જરૂરિયાત હોવાનું જણાવી ઉમેર્યું કે જગતના તાત આર્થિક રીતે સમૃદ્ધ બનશે. નર્મદાનું પાણી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ જેવાં છેવાડા સુધી પોહચાડીને ગુજરાતને સમૃદ્ધ બનાવવાના લક્ષ્યને સાર્થક કર્યુ છે. તે સાથે જ્યોતિગ્રામ યોજના, સોલાર રૂટ ટોપ યોજના થકી વીજ ઉત્પાદન વધ્યું છે. જેના કારણે યુક્રેન અને રશિયાના યુદ્ધ દરમ્યાન પૂરા દેશમાં કોલસાની અછત સર્જાઈ પરંતુ ગુજરાતમાં આ પ્રકારની અછત મુખ્યમંત્રીશ્રીના સફળ નેતૃતવમાં સર્જાઈ નથી. દેશમાં દર વ્યક્તિ સરેરાશ ૧૧ યુનિટ વીજ વપરાશ કરે છે, ત્યારે કફત ગુજરાતના નાગરિકો ૨૨ યુનિટ વીજ વપરાશ કરી રહ્યાં છે. ઉપરાંત ગ્રાહક ઇન્ડેક્ષમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જે પારદર્શી વહીવટની નિશાની છે.
સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે માત્ર વીજળી જ નહીં, પણ પ્રજાને જરૂરી એવી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કસર છોડી નથી. નવા વીજ સબ સ્ટેશનોના કારણે ઉદ્યોગકારો, ખેડૂતો સહિત આમ જનતાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બહોળો ફાયદો થશે એમ જણાવી તેમણે આદિવાસી બંધુઓઓને જંગલની જમીનના હકો અપાવવામાં અગ્રભૂમિકા ભજવી હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીની કાર્યપ્રણાલીની સરાહના કરી હતી.
આ વેળાએ અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા દ્વારા ૧૧૦૦ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાન્વિત કરવા માટે મુખ્યમંત્રીશ્રીને રૂ.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જેટકોના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેએ સ્વાગત પ્રવચન અને જેટકોના મુખ્ય ઇજનેરશ્રી કે. આર.સોલંકીએ આભારવિધિ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં હાલ ૮૫, ભરૂચમાં ૬૨ અને સાબરકાંઠામાં ૫૯ વીજ સબસ્ટેશન કાર્યરત છે. આવનારા બે વર્ષોમાં આ ત્રણેય જિલ્લામાં કુલ મળીને ૩૯ નવા સબસ્ટેશન નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી,જિલ્લા પોલિસ વડાશ્રી ડો.લીના પાટીલ, DGVCL ના એમ.ડી. શ્રીમતી સ્નેહલબેન, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ , જેટકોના કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.