ક્ષણિક તકલાદી કૃત્રિમ આનંદ માટે પતિ-પત્નીના ભાવાત્મક પવિત્ર સંબંધો પર રમૂજી વ્યંગ કેટલો યોગ્ય?

વોટ્સએપ ફેસબુક જેવા અનેક સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા સ્ટેટસ કે મેસેજનું જો સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો સમજાશે કે ૭૦ ટકાથી વધારે પોસ્ટ કે મેસેજ નર-નારી કે પતિ-પત્નીના સંબંધો અંગે રમૂજ કે વ્યંગાત્મક રજૂઆત રૂપે વિશેષ જોવા મળે છે. મને એક વિચારક તરીકે આ અંગે એવું સમજાય છે કે કાં તો પુરુષો સ્ત્રીઓથી અતિશય થાકી હારી કે કંટાળી ગયા છે અથવા પત્ની કે નારીજાતિ પરનો વ્યંગ એ એમના આનંદનો અતિ પ્રિય વિષય છે. પુરુષવર્ગ દ્વારા સ્ત્રીઓ કે પત્નીઓ માટે વધુ લખાય છે જ્યારે સ્ત્રીઓ દ્વારા પુરુષવર્ગ કે પતિદેવો માટે એટલું મારા વાંચવામાં આવ્યું નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે તેમના આંતરિક સંસ્કાર અને સભ્યતા તેમને પતિ વિરુદ્ધ કંઇ લખવાની છૂટ આપતા ન હોય. પુરુષો દ્વારા રમુજ કે વ્યંગાત્મક લખાણ ખાસ કરીને પત્નીઓ કે નારીજાતિ માટે લખવા પાછળનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે તેમના જીવનકેન્દ્રમાં જ સ્ત્રી કે પત્ની છે, તેના વગરનું જીવન તેઓ કલ્પી પણ શકતા નથી એટલે સતત એની જ ચર્ચા કરતાં રહે છે. અથવા તેઓની પત્ની પાસેની અપેક્ષાઓ અકલ્પનીય રીતે વિશેષ છે જે બધી પૂરી ન થતાં દિલની ભડાસ નીકાળવા અને રિલેક્સ થવા મિત્ર સર્કલમાં કે સોશિયલ મીડિયા પર વ્યંગ કે રમૂજ કરી આનંદ મેળવતા હોઈ શકે. એક ત્રીજું કારણ લોકોની લાઈક કે વાહ-વાહ મેળવવાની ઈચ્છા પણ હોઈ શકે કે જે સામાન્ય રીતે દરેક પતિને સ્પર્શતી હોવાથી સરળતાથી પ્રાપ્ત થઇ શકે. વધુ લાઇક કે વખાણની આટલી સરળ પ્રાપ્તિ અન્ય કોઈ કાર્ય કે માધ્યમ દ્વારા શક્ય નથી. કારણ જે હોય તે પરંતુ એક હદથી વધુ સતત ૨૪x૭ થાક્યા વગર માત્ર આવા રમુજી વ્યંગાત્મક મેસેજ ફોરવર્ડ કરવા માટે જેટલો સમય શક્તિનો વ્યય થાય છે એનાથી ૧૦૦મા ભાગનો સમય અને શક્તિ જો સ્ત્રીઓ કે પત્નીઓની તકલીફ સમજવામાં, તેમનો ભાર હળવો કરવામાં, તેમની પસંદગી તરફ ધ્યાન આપવામાં વપરાય તો દરેક ઘરને સ્વર્ગ સમાન બનતાં વાર ન લાગે અને સોશિયલ મીડિયા પર આ વિષય પર વ્યંગ કરવા જેવી પીડા લાઇફમાં રહે જ નહીં.

પતિ-પત્નીના વિષય પર કે સ્ત્રી પુરુષની આંતરિક અકળામણ પર થતા રમૂજ અને વ્યંગ માટે આપણે જે ત્રણ કારણો જોયાં જેવા કે ૧) સ્ત્રીઓના વિચારથી ઉપર ઊઠીને કંઈક વિશેષ વિચારવાની પુરુષોની અક્ષમતા કેમકે દરેક પુરુષના કેન્દ્રમાં જ સ્ત્રી છે તેનો સમગ્ર સંસાર તેના દ્વારા જ ચાલે છે જેથી એની વિચારધારામાં સતત સ્ત્રીનો સંદર્ભ દરેક વાતમાં જોવા મળે એ કદાચ સ્વાભાવિક હશે ૨) પુરુષનો સ્ત્રીવર્ગ તરફનો સ્વાભાવિક અણગમો કે કંટાળો કેમ કે સ્ત્રી પુરૂષથી મૂળભૂત રીતે જુદી છે ૩) સમગ્ર સમાજના પુરુષોને આ વિષય સ્પર્શતો હોવાથી કમેંટ દ્વારા લોકોની લાઈક અને વાહ-વાહ મેળવવી સરળ બને છે. પરંતુ આ ત્રણે કારણોમાંથી બહાર નીકળવાનું સમાધાન સોશિયલ મીડિયા પોસ્ટ તો ન જ હોઈ શકે એટલું તો હું ચોક્કસ કહીશ. જો પુરુષો સ્ત્રીઓથી આટલા કંટાળેલા કે ત્રાસેલા હોય તો તેનાથી દૂર કેમ થઇ નથી જતા? હવેના આધુનિક સમાજમાં છૂટાછેડા જેવી દુઃખદ કે અયોગ્ય બાબતને પણ આપણે સૌએ સહજ રીતે ઉમળકા સાથે સ્વીકારી લીધેલી છે તો પછી સમસ્યા શું છે? આમ પણ મનુષ્ય સ્વભાવ છે કે તે પીડાદાયક બાબતોથી છુટકારો મેળવવા સતત પ્રયત્નશીલ રહેતો હોય છે અને એ તેનો મૂળભૂત અધિકાર પણ છે. પરંતુ કદાચ પુરુષો એટલા ગણત્રીબાજ છે કે બિઝનેસની જેમ દરેક સમયે ગણત્રીપૂર્વક વિચારે છે કે સંબંધને છોડવામાં વધુ ફાયદો છે કે સંબંધને ટકાવી રાખવામાં વધુ ફાયદો છે. અને તેવો જ્યારે એવું અનુભવતા હશે કે સંબંધને તોડવા કરતા ટકાવવામાં વધુ ફાયદો છે ત્યારે જ સંબંધને નિભાવવાનો નિર્ણય લેવાતો હશે. લાગણીશીલ હોવાને કારણે બહેનો દિલથી વિચારી ખોટા નિર્ણયો કદાચ લઈ પણ શકે પરંતુ પુરુષો તો દરેક નિર્ણય દિમાગથી જ લેવા ટેવાયેલા હોય છે. હવે જો આપણને તમામ ગણત્રી બાદ સંબંધવિચ્છેદ ફાયદાકારક જણાતો જ ન હોય અને તેને ટકાવવામાં સર્વનું ભલું લાગતું હોય તો પછી નરનારી કે પતિપત્ની વિરુદ્ધ કટાક્ષ વ્યંગ કે રમૂજ કરી સંબંધોનો તમાશો શા માટે બનાવવો?

જો રમૂજી વ્યંગ માત્ર ક્ષણિક કૃત્રિમ આનંદ માટે થતો હોય તો તો તે સૌથી મોટો ચિંતાનો વિષય કહેવાય કેમ કે અન્યને દુખી કરી ખુશી મેળવવી એ તો વિકૃતતા કે માનસિક બીમારી છે. પુરુષની હાલત જો એટલી જ દયનીય હોય કે તેમને જીવન જીવવા માટે આવા વિકૃત આનંદનો સહારો લેવો પડતો હોય તો તેવોએ તાત્કાલિક ધોરણે પોતાનો ઈલાજ કરાવવો જોઈએ. જેમ તાવ આવે ટેબલેટ જેટલી સહજતાથી આપણે લઈએ છીએ એટલી જ સહજતાથી માનસિક બીમારીનો સ્વીકાર કરી તેનો ઇલાજ સલાહભરેલ છે, જેનાથી વ્યક્તિગત અને સામાજિક સંબંધો સ્વસ્થ અને ચુસ્ત રહી શકે. સ્ત્રીઓ ઉપર થતાં વ્યંગ કે કટાક્ષ પાછળ માત્ર જો લાઈક કે વાહ-વાહ લૂંટવાનો પ્રયત્ન હોય તો તમને નથી લાગતું કોઈ સર્જનાત્મક કાર્ય કરીને વાહવાહી મેળવવી વધુ ઇચ્છનીય છે કેમકે તેમાં સર્વની પ્રગતિ છે. વળી વાહ-વાહ કે લાઈક પણ બહુ ઇચ્છનીય બાબત તો નથી જ એ તો સમજવું જ રહ્યું કારણ કે તે વ્યક્તિગત અહંકારમાં વધારો કરે છે અને આપણે સૌ જાણીએ છીએ અહંકાર પતનની પહેલી સીડી છે.

જો તમને લાગતું હોય કે સર્જનાત્મક કાર્યો કરવા દરેકના સામર્થ્યની વાત નથી તો કમ-સે-કમ અયોગ્ય અને પીડાદાયક વિકૃતિથી તો અવશ્ય બચી શકાય. પોઝિટિવિટી વધારવી જો શક્ય ન લાગતી હોય તો કમસેકમ નેગેટિવિટીનો ફેલાવો તો અવશ્ય અટકાવી શકાય. પરંતુ માનવીય કરુણતા એ છે કે પોતાના આનંદ કે સંતોષ માટે આપણે કોઈપણનું અહિત કરતાં ખચકાતા નથી. વળી અહિત કર્યા પછી તે કર્યાનો અફસોસ પણ થતો નથી કેમકે વ્યક્તિ પોતાની જાતને એટલો હોશિયાર સમજે છે કે તેના દ્વારા કદી કંઈ ખોટું થઈ શકે જ નહીં એવી તેની સખત માન્યતા છે. વિકાસના નામે અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આપણને ક્યારેય અયોગ્ય લાગતું જ નથી ઊલટું ઘણા તો એમ જ સમજે છે કે વિકાસ માટે આવું તો કરવું પડે. કોઈ આ અંગે કદાચ નમ્ર ઈશારો કરે તો પણ ઇશારો કરનારને ગાંડો ગણવામાં આવે છે. વાસ્તવમાં આપણને જીવનપર્યંત ક્યારેય શું યોગ્ય શું અયોગ્ય કે શું સાચું અને શું ખોટું એ સમજાતું જ નથી. અને જો કોઈ સમજાવવાનો પ્રયત્ન કરે તો તે બોજરૂપ ભાષણ લાગે છે જેને સમજ્યા, સાંભળ્યા, સ્વીકાર્યા વગર ફેંકી દેવામાં આવે છે.

હમણાં થોડા દિવસ પહેલાં મેં FB પર એક મેસેજ વાંચ્યો જેમાં લખેલું કે “મે google માં ટાઈપ કર્યું how to understand woman એટલે શરૂઆતમાં cpu ગરમ થઇ ગયું, મોનિટરના સ્ક્રિન પર લીટીઓ ચક્કરડાં આવવા લાગ્યાં, ત્યારબાદ મેસેજ આવ્યો virus found, your computer may be at risk, અંતે જવાબ મળ્યો so many complications, no result found”. હવે અહી પહેલો પ્રશ્ન એ થાય છે કે વુમન એટલે કોણ? કેમકે એક સ્ત્રી માતા પણ હોઈ શકે, બહેન પણ હોઈ શકે, પ્રેમિકા-પત્ની-આંટી પણ હોઈ શકે. હવે જો તમે જેના પેટે જમ્યા તેને નથી ઓળખી શક્યા તો એ તો અતિ દુખદ બાબત કહેવાય, જેણે અનેક બલિદાનો દ્વારા પોતાનું સમગ્ર ન્યોચ્છાવર કરી તમને જન્મ અને જીવન આપ્યું, તમારી લાઈફ બનાવી જો તેને તમે ન ઓળખી શકતા હોવ તો તમારો જન્મ વ્યર્થ ગણાય. પુરુષપ્રધાન સમાજે પુરુષને ખૂબ બુધ્ધિશાળી અને ઉચ્ચ દરજ્જો આપ્યો છે જો એ બુદ્ધિશાળી માણસ સામાન્ય સ્ત્રીને ઓળખવાની ક્ષમતા પણ ન ધરાવતો હોય તો પોતાની જાતને બુદ્ધિશાળી કે સ્ત્રીઓથી વધુ હોશિયાર સમજવાનો તેને કોઈ હક્ક નથી. સ્ત્રીઓની વાત જવા દો તમને નથી લાગતું એક પુરુષ અન્ય પુરુષને પણ યોગ્ય રીતે ઓળખી નથી શકતો કેમ કે જીવનમાં અનેક દગા-ફટકા, છેતરપિંડી, વિશ્વાસઘાત એક પુરુષ દ્વારા અન્ય પુરુષ સાથે થતા જ રહે છે. શું તમે તેના વિશે સોશિયલ મીડિયા પર રમૂજ કે વ્યંગ કર્યો? તો પછી માત્ર સ્ત્રી કે પત્ની પર આટલો જુલમ શા માટે? શું તમને લાગે છે કે કોઈ વ્યક્તિ પર વ્યંગ કરી તેનો પ્રેમ સ્નેહ કે હુંફ મેળવી શકાય?

બીજી એક મહત્વની વાત અહીંયા એ પણ છે કે કોઈપણને ઓળખવા માટે એના તરફનો સ્નેહ, ધીરજ, willingness અર્થાત ઓળખવાની ઈચ્છા વગેરે અનિવાર્ય છે. કોઈને ઓળખવાની આવડત કે ક્ષમતા જો તમારામાં એક પુરુષ તરીકે ન હોય તો શું એમાં સ્ત્રીનો વાંક છે? સાચું પૂછો તો જીવનને સ્વર્ગ બનાવવું હોય તો કોઈને ઓળખવાની આવશ્યકતા જ નથી, માત્ર નિસ્વાર્થ પ્રેમની જરૂર છે એવું મારૂ અંગત મંતવ્ય છે.

આવા જ થોડા બીજા સ્ત્રીઓ ઉપરના વ્યંગાત્મક રમૂજી વિધાનો કે મેસેજ સમયે-સમયે મારી નજરે પડ્યા છે જે તમારી સાથે share કરું છું જેમ કે..

1) “ખામોશી ઓરત કા જેવર હે ઔર વો ઉસે સોતે વક્ત કી પહેનતી હૈ” તમને નથી લાગતું કે ખામોશી ઓરત જ નહીં દરેક મનુષ્યનું આભૂષણ છે અથવા હોવું જોઈએ કેમકે દરેક સંબંધમાં આપણે ઇચ્છીએ છીએ કે સામેવાળો હંમેશા ચૂપ રહે અને આપણું સાંભળે અને સ્વીકારે, જે સામાન્ય રીતે શક્ય બનતું નથી. પરંતુ અન્ય વિષે આપણે લખતા નથી માત્ર પત્ની વિષે જ લખીએ છીએ. એવું શા માટે?. આદર્શ રીતે આપણે જે ઇચ્છીએ એની શરૂઆત સ્વયંથી જ થવી જોઈએ તો સ્ત્રીઓ પર લખવાની જરુરીયાત ઉદભવે જ નહીં. વળી સ્ત્રી રાત્રે સૂવાના સમય સિવાય ચુપ નથી રહેતી એવું જો દરેક પુરુષને લાગતું હોય તો એ પણ એક સંશોધનનો વિષય છે કે એવું એની સાથે શું થાય છે કે તેને આટલું બધું બોલવું પડે? શક્ય છે એની વાત તરફ સતત દુર્લક્ષ્ય સેવવામાં આવતું હોય.

૨) “જીધર ભી જાઓ કિસ્સે હે બીવી કે, કોઈ લાકે રો રહા હૈ તો કોઈ લાને કે લિયે રો રહા હૈ” – આના પરથી એક વસ્તુ ચોક્કસ સમજાય છે કે બીવી એક એવી મૂલ્યવાન વસ્તુ છે જેના ન મળવાથી લોકો રોવે છે અને આટલી બધી જેને મેળવવાની તડપ હોય તે બાબત સામાન્ય રીતે તકલીફકારક રહેતી જ હોય છે અને જીવનભર રોવડાવે છે એ આપણાં સૌનો અનુભવ છે પછી એ બીવી હોય કે અન્ય કોઈ ચીજ. પરંતુ અન્ય વિષે તો આપણે નથી વ્યંગ કરતા, એવું કેમ?

3) “પત્નીએ પતિને કહ્યું જરા ઉપરથી બેગ ઉતારી આપો, મારો હાથ ટૂંકો પડે છે એટલે પતિએ કહ્યું કે જીભથી ટ્રાય કરી લે, પતિ હાલમાં આઈસીયુમાં છે” હવે મને કહો આવો જવાબ જો પત્નીએ પતિને આપ્યો હોય તો પત્ની ક્યાં હોય? એ પણ વિચાર માંગી લે એવી વાત છે.
૪) “પતિ પોતાની નારાજ પત્નીને ફોન રોજ કરે અને સાસુજી દ્વારા જવાબ મળે કે કેટલીવાર કહ્યું એ હવે તમારે ઘરે નહીં આવે તો શા માટે વારંવાર ફોન કરો છો, પતિ કહે આ સાંભળીને બહુ સારું લાગે છે એટલે દરરોજ ફોન કરું છું” મારે અહીંયા એ અવશ્ય કહેવું જોઈએ કે જો આ જ સત્ય હોય તો પ્રેમપૂર્વક છૂટા પડતાં વ્યક્તિને રોકે છે કોણ? અયોગ્ય વ્યંગ દ્વારા પતિપત્નીના સંબંધોને અન્યની નજરમાં નીચા પાડવા એના કરતા સંબંધની ગરિમા જળવાય એ રીતે છુટા પડવું શું ખોટું?

૫) અનેકવાર નોકરી અને પત્ની વચ્ચેની સામ્યતા અંગે લખાય છે જેમ કે a) જે એક વાર મળ્યા પછી છોડી ન શકાય b) એકની હાજરીમાં બીજી કરી પણ ન શકાય c) સૌથી મહત્વની વાત કે એના સિવાય બાકી બધી સારી લાગે, આ ત્રણે બાબતો કે વિધાનો આમ તો પુરુષોની માનસિકતા કે વિકૃતિ બતાવે છે તો વ્યંગ પત્ની પર શા માટે?

૬) “પતિ ડોક્ટરને કહે મને એક બીમારી થઈ છે કે મારી પત્ની બોલે તે મને સંભળાતું નથી, ડોક્ટરે કહ્યું આ તો નસીબ કહેવાય બીમારી નહીં, ખુદા કી રહેમત હુઈ સમજો” મને થાય આટલી બધી એલર્જી પત્નીના શબ્દોની એક પતિ તરીકે શું યોગ્ય કહેવાય? જે સંબંધમાં તમે સ્વેચ્છાએ જોડાયા છો તે વ્યક્તિની પીડા કે લાગણીના બે શબ્દો સાંભળવાની પણ તમારી તૈયારી નથી? અને એવું હોય તો એ ક્યાં સુધી યોગ્ય છે? પત્ની પણ જો પતિને સાંભળવાની દરકાર નહીં રાખે તો ચાલશે?

૭) મેં એક જગ્યાએ વાંચ્યું “પત્નીને wife કેમ કહે છે, બહુ વિચાર્યા પછી ખબર પડી વાઈફ એટલે without information fighting everytime” પહેલી વાત તો એ કે શું કોઈ નોર્મલ વ્યક્તિ સતત ઝઘડે ખરી, અને જો વાસ્તવમાં એવું જ હોય તો પ્રશ્ન થાય કે પતિ એવું શું કરે છે કે નોર્મલ સ્વસ્થ અને સારી વ્યક્તિ સતત લડ્યા કરે એવી પાગલ થઈ જાય છે? એ પણ વિચારવા લાયક મુદ્દો ખરો.

૮) “આદમી ધર મે દો હી કારણો સે ખુશ હોતે હૈ એક જબ બીવી નઇ હો તબ ઔર દૂસરા જબ બીવી નહી હો તબ એટલે કે પત્ની ઘરમાં ન હોય ત્યારે અને પત્ની નવી હોય ત્યારે. હવે પ્રશ્ન એ છે કે જો પત્ની નવી હોય ત્યારે પસંદ હોય તો પત્નીની શરૂવાતની પર્સનાલિટી જળવાઈ રહે એવા કર્મો કરવાની પતિની ફરજ ખરી કે નહીં? કેમકે નવી હોય ત્યારે જો ગમતી હોય અને હવે ન ગમતી હોય તો એનો મતલબ એ કે આટલા વર્ષોમાં એવું તમે કશુક ચોક્કસ કર્યું છે કે જેણે તેની આખી પર્સનાલિટી બદલી નાંખી.

૯) “પત્નીએ પૂછ્યું હું કેવી લાગુ છું પતિએ કહ્યું સુંદર, પત્નીએ કહ્યું એના પર કવિતા કરો, પતિ બોલ્યો તું અતિ સુંદર લાગે છે અને મારો આખો પગાર એના પર જ વપરાય છે” હવે કહો ઘરમાં પગાર માત્ર પત્ની પર જ વપરાતો હોય છે? માતા-પિતા, ભાઈ-બહેન, સગાસંબંધીઓ પાછળ પગાર નથી વપરાતો? તો તેના પર કટાક્ષ કેમ નથી થતો? માત્ર પત્ની જ કેમ ટાર્ગેટ બને છે?

10) “ચાર વસ્તુ ઇન્સાનને કદી ખુશ ન કરી શકે કાર, મોબાઈલ, ટીવી અને બીવી કેમ કે મોટાભાગે આના લેટેસ્ટ મોડલ બીજા પાસે જ હોય છે” અહી સૌથી દુઃખદ વાત તો એ છે કે અન્ય નિર્જીવ વસ્તુની સાથે પત્નીની સરખામણી થાય છે અને આ રમૂજ દર્શાવે છે કે પુરુષ માત્રની માનસિકતા એવી છે કે એને સતત વસ્તુ બદલવાની ઈચ્છા થાય છે, જો આ સ્વભાવગત વિકૃતિ પુરુષને દુઃખી કરતી હોય તો એમાં દોષ કોનો?

11) “પતિએ પત્નીને પૂછયું ક્યાં ગઈ હતી, પત્નીએ કહ્યું રક્તદાન કરવા, તો પતિએ કહ્યું પીતા પીતા ઓવરફ્લો થઈ ગયું તે વહેચવા નીકળવું પડ્યું,” આવા જ ડાયલોગ જો પત્ની દ્વારા પતિને કહેવામાં આવે તો પરિણામ શું હોય એ પણ વિચારવા જેવું ખરું કે નહિ? કારણ કે આપણે જ્યારે કોઈને ન કહેવાનું કહી દઈએ છીએ ત્યારે એક સેકન્ડ પણ એવું વિચારતા નથી કે આપણા માટે પણ જો આવું કોઈ કહે તો આપણને ગમે ખરું?

12) “મુંબઈથી એક દોસ્તનો મેસેજ આવ્યો કે ભારે વરસાદને કારણે ચાર દિવસથી પત્ની સાથે ઘરમાં ફસાઈ ગયો છું, કૃપા કરી મદદ કરો” કદાચ પતિની જેવી જ હાલત પત્નીની પણ હોઇ શકે પરંતુ પત્નીના એ સંસ્કાર છે કે તે આવું કદી બોલતી નથી. જો પત્ની પણ પતિ જેવી જ વર્તણૂક રાખે તો શું પરિણામ આવે તે પણ વિચારવાનો સમય હવે પાકી ગયો છે એવું તમને નથી લાગતું.

મારો અંગત અનુભવ એવો છે કે દરેક પુરુષ સ્ત્રીઓ પરના આવા વ્યંગાત્મક રમૂજને પસંદ કરતો નથી. એવા અનેક પુરુષો સમાજમાં છે જે નારીજાતિને દિલોજાનથી ચાહે છે. પછી તે માતા હોય, બહેન હોય, પ્રેમિકા હોય કે પત્ની હોય. ઈશ્વરની એટલી કૃપા તો હજુ કલિયુગમાં પણ છે કે સમાજમાં વિકૃત લોકોની સંખ્યા એટલી વધુ નથી. પરંતુ આવો લેખ લખવાની જરૂરિયાત એટલા માટે ઊભી થાય છે કે થોડા વિકૃત લોકો પણ સમાજ માટે હાનિકારક અને ખતરારૂપ તો છે જ. એક સડેલી માછલી આખા તળાવને ગંદુ કરવાની તાકાત ધરાવે છે એ આપણે સૌ જાણીએ છીએ. આપણા દ્વારા જાણે-અજાણે આવા રમૂજ કે વ્યંગ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એક સજાગ કે જાગૃત વ્યક્તિ તરીકે મને તો અનિવાર્ય લાગે છે. આમ પણ પુરુષ તો એવો શક્તિશાળી મનુષ્ય છે કે જેની પાસે આવા વાહિયાત કામો માટે સમય ન જ હોવો જોઈએ કારણ કે સમાજની તેની પાસે અનેક ઉત્તમ અપેક્ષાઓ છે. જે પાર પાડવા દરેક પુરુષ સક્ષમ પણ છે. પણ એ અંગે તેની વીલિંગનેસ હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર થતાં આવા વ્યંગાત્મક રમૂજ યુવા પેઢી પર વિપરીત અસર છોડતા હોય છે. જે આવનાર ભાવિ પેઢી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જે કોઈ રીતે ઇચ્છવા યોગ્ય નથી કદાચ એટલું તો વ્યંગ કે રમૂજ કરનાર પુરુષો પણ અવશ્ય સમજશે. જો તમે તમારા દીકરાઓને આવા સ્ત્રી પરના વ્યંગ અને રમૂજના મેસેજનો વારસો આપશો તો તે કદી સ્ત્રીઓને પ્રેમ નહીં કરી શકે અને પ્રેમ પામી પણ નહીં શકે, તેઓ સ્ત્રીઓને આદર નહીં આપી શકે અને આદર મેળવી પણ નહી શકે. સ્ત્રીઓની આમન્યા નહીં જાળવી શકે જેના કારણે તેમનું સેલ્ફ રિસ્પેક્ટ પણ ઘવાશે. જે આવનાર સમયને સંબંધોના સંદર્ભમાં વધુ દુઃખદ અને પીડાદાયક બનાવશે. જે ઈચ્છવાયોગ્ય સલાહભરેલ કે આવકાર્ય નથી બસ એટલું જ મારે કહેવું છે.

~ શિલ્પા શાહ