જાફરાબાદમાં બોળસિંહોની લટાર : લોઠપુર નજીક મધરાત્રે રોડ ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ

 

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જંગલનો રાજા અનેકવાર રહેણાક વિસ્તારમાં આવી જતો હોવાના વીડિયો સામે આવતા રહ્યાં છે. ત્યારે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક મોડી રાતે 5 જેટલા નાના મોટા સિંહબાળો પોતાની મસ્તીમાં રોડ ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો કોઇ વાહન ચાલકે પોતાના કેમરામાં કેદ કરી લીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

સિંહોની સુરક્ષામાં વધારો કરવાની જરૂર

 

સૌરાષ્ટ્રભરમાં ગીરના જંગલ બાદ અમરેલી જિલ્લાના રાજુલા, પીપાવાવ, જાફરાબાદ વિસ્તારમાં સિંહો સક્રિય થયા છે. આ વિસ્તાર સિંહોને વધુ પસંદ પડ્યો છે. આ વિસ્તાર દરિયાકાંઠાની નજીક હોવાથી ત્યાં ઠંડક રહે છે જેથી સિંહો અહીં વધુ વસવાટ કરે છે. જેના કારણે અહીં સિંહોની સુરક્ષામાં વધારો કરવાની જરૂર છે.

 

અનેક વખત સિંહોના મોત થયા છે

આ સ્ટેટ હાઇવે ઉપર 24 કલાક નાનામોટા વાહનો બેફામ દોડી રહ્યા છે. ત્યારે અકસ્માત સર્જાય તે પહેલાં વનવિભાગ સતર્ક થાય તે જરૂરી છે. આ વિસ્તારમાં વાહનની અડફેટે અનેક વખત સિંહોના મોત થયા છે. સ્થાનિક સિંહ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. આવતા દિવસોમાં સરકાર અને વનવિભાગ ગંભીરતા દાખવે એ જરૂરી છે. જો સુરક્ષા નહીં વધારાય તો રોડ અકસ્માતમાં સિંહોના મોત થઇ શકે છે.