ભારતે આ વર્ષે જૂનના પ્રથમ 20 દિવસમાં રશિયા પાસેથી 331.10 મિલિયન ડોલકના કોલસાની આયાત કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં છ ગણું વધારે છે. આ સિવાય ભારત રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઈલની આયાત પણ કરી રહ્યું છે.
ડેટા અનુસાર, 20 દિવસમાં રશિયા સાથે ભારતના તેલ વેપારનું મૂલ્ય 31 ગણાથી વધુ વધીને 2.22 બિલિયન ડોલર થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન તેલની ખરીદી દરરોજ સરેરાશ 111.08 મિલિયન ડોલર રહી હતી, જે અગાઉના ત્રણ મહિનામાં ખર્ચવામાં આવેલા 31.1 મિલિયન ડોલર કરતાં ત્રણ ગણી વધુ હતી.
વૈશ્વિક પ્રતિબંધો છતાં, રશિયામાંથી ભારત દ્વારા કોલસાની આયાતમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. નોંધપાત્ર રીતે, રશિયા કોલસા પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ઘણા દેશો દ્વારા પ્રતિબંધો હોવા છતાં ભારતે રશિયા સાથે કોઈ વેપાર બંધ કર્યો નથી.
ભારતે કહ્યું છે કે, યુક્રેનમાં હિંસા ખતમ થવી જોઈએ. પરંતુ અચાનક રશિયા પાસેથી માલની ખરીદી બંધ કરવાથી વૈશ્વિક ભાવમાં અસ્થિરતા આવશે અને તેના ગ્રાહકોને નુકસાન થશે. અમેરિકી અધિકારીઓએ ભારતને કહ્યું છે કે રશિયા પાસેથી ઈંધણની આયાત પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેને વધુ વેગ આપવો જોઈએ નહીં. તે જ સમયે, યુરોપિયન વેપારીઓએ રશિયા સાથે વેપાર બંધ કરી દીધો, જેનો ફાયદો સીધા ભારતીય ખરીદદારો લઈ રહ્યા છે. પરિવહન ખર્ચ વધુ હોવા છતાં તેઓ રશિયા પાસેથી મોટા પાયે કોલસો ખરીદી રહ્યા છે.