રાષ્ટ્રીય સ્તરના શૂટર અને વકીલ સિપ્પી સિદ્ધુની હત્યાના કેસમાં સીબીઆઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની પુત્રીની ધરપકડ કરી છે. સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આરોપીને બુધવારે સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ચંદીગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ કલ્યાણી સિંહ તરીકે થઈ છે. આરોપી એક કોલેજમાં પ્રોફેસર પણ છે.
2016માં CBIએ નોંધી હતી FIR
સીબીઆઈએ ચંદીગઢ પ્રશાસનની વિનંતી પર 13 એપ્રિલ 2016ના રોજ સિદ્ધુ હત્યા કેસમાં એફઆઈઆર નોંધી હતી. ડિસેમ્બર 2021માં, CBIએ ચંદીગઢમાં રાષ્ટ્રીય સ્તરના શૂટર અને એડવોકેટ સુખમનપ્રીત સિંહ ઉર્ફે સિપ્પી સિદ્ધુના હત્યારાઓ પર 5 લાખથી 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
7 વર્ષ પહેલા ગોળી મારીને કરાઈ હતી હત્યા
રાષ્ટ્રીય શૂટર સુખમનપ્રીત સિંહ ઉર્ફે સિપ્પી સિદ્ધુનો મૃતદેહ 20 સપ્ટેમ્બર 2015ની રાત્રે લગભગ 9 વાગ્યે ચંદીગઢના સેક્ટર-27ના એક પાર્કમાંથી મળી આવ્યો હતો. સુખમનપ્રીતને ચાર ગોળી વાગી હતી. ચંદીગઢ પોલીસ આરોપીને પકડી શકી નથી. પોલીસ વિભાગે આ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરી હતી. આ કેસમાં હાઈકોર્ટના ન્યાયાધીશની પુત્રીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી પરંતુ હજુ પણ હત્યારાઓની કડીઓ મળી શકી નથી. ત્યારપછી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીબીઆઈ પણ આરોપીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.