મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ એ સરકારનો કાર્યમંત્ર બની ગયો છે.
સર્વસમાવેશી-સર્વગ્રાહી અને પારદર્શી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ આઠ વર્ષમાં લોકોએ જોયુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે સમાજના વંચિત, પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગ અને ડી-નોટીફાઇડ જનજાતિના બાળકો-વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ સહાય યોજનાનો લાભ અંડર વન અમબ્રેલા આપવાની પહેલ વડાપ્રધાને કરી છે.
એટલું જ નહી દેશના લાખો વિદ્યાર્થીઓના યોગ્ય શિક્ષણ તેમજ કારકિર્દી ઘડતર માટે આ યોજના ખૂબ જ ઉપયોગી બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી ડૉ.વિરેન્દ્રકુમાર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આર.સી. મકવાણા અને કેન્દ્ર સરકારના સચિવશ્રીઓની ઉપસ્થિતિમાં આ યોજનાનું લોન્ચિંગ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમના લાભાર્થીઓને લોન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા પીએમ – યશસ્વી યોજના અંગેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, આ PM યશસ્વી યોજનાને પરિણામે વિદ્યાર્થીઓને સહાય સ્કોલરશિપ માટે સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ સહાય મળતી થશે. સાથોસાથ દેશભરમાં મૂળભૂત અભ્યાસક્રમ અને શિક્ષણના ધોરણો જાળવવામાં મહત્વપૂર્ણ મદદ થશે.
મુખ્યમંત્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને વિકાસના મુખ્ય આધાર ગણાવતા જણાવ્યુ કે, ગુજરાત દરેક બાળક, યુવાનને ઉત્તમ શિક્ષણ આપી શિક્ષણ ક્ષેત્રે પણ રોલ મોડલ બનાવવાની નેમ રાખે છે.
ગુજરાત ડબલ એન્જિનવાળી સરકારના બેવડા લાભ મેળવી શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
વડાપ્રધાનશ્રીએ જનહિતલક્ષી યોજનાઓના સેચ્યુરેશનનો નવતર વિચાર આપ્યો છે ગુજરાતે સરકારની યોજનાઓ-પ્રોગ્રામોને ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચાડવાની નીતિ-રીતિ અપનાવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ છાત્રોને ૧૩૧૮ કરોડની સહાય અપાઇ છે. તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આ નવી PM યશસ્વી યોજના એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ પણ પાર પાડશે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે ‘PM – YASASVI’ યોજના લોન્ચ કરતા કહ્યું કે, સમાજ અને સરકારના સહયોગથી જ રાષ્ટ્ર આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે. આ યોજના વિધાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાયતા પૂરી પાડવાની સાથે કૌશલ્ય વિકાસ થકી તેમનું સશક્તિકરણ કરી રોજગારવાંછુ તરીકે નહીં પરંતુ રોજગારદાતા તરીકે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે યોજના વિશે માહિતી આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા રાજયના અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ‘PM – YASASVI’ (PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs,& Others) યોજના લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના ૬૦ ટકા અને રાજય સરકારના ૪૦ ટકા ફાળાથી યોજનાનો અમલ વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૫-૨૬ સુધી કરવામાં આવશે.
મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે ઉમેર્યું કે, પાછલા આઠ વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનને કારણે સમાજના દરેક વર્ગનો સર્વાંગી વિકાસ થયો છે.
મંત્રીશ્રીએ ગુજરાતની મુલાકાત સંદર્ભે જણાવતા કહ્યું કે, ગુજરાત એક શાંતિપ્રિય પ્રદેશ છે. અહીંના નાગરિકોમાં વિનમ્રતા સાથે ઉધમશિલતા જોવા મળે છે. ગુજરાતની માતૃશક્તિ ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે પરિણામે અમૂલ જેવી સંસ્થાઓએ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. કેન્દ્ર સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણ કર્તા રાજ્ય તરીકે ગુજરાતની ગણના થાય છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ શ્રી આર સુબ્રમણ્યમે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, આ યોજનાથી અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓના વિકાસ માટે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. આ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણ અને કૌશલ્યવર્ધનમાં માઈલ સ્ટોન સાબિત થશે.
સચિવ શ્રી સુબ્રમણ્યમે યોજનાની વધુ વિગતો આપતા કહ્યું કે, પ્રિ – મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજયના ધો.૯ અને ૧૦ના સરકારી શાળામાં અભ્યાસ કરતા અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા રૂ.૨,૫૦,૦૦૦/- ધ્યાને લઇ વાર્ષિક રૂ.૪૦૦૦/- શિષ્યવૃત્તિની રકમ વિધાર્થીઓને DBT મારફતે સીધા જ તેઓના બેંક ખાતામાં ચૂકવવામા આવશે. તદુપરાંત પોસ્ટ – મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજયના ૧૦ પછીના અભ્યાસ કરતા અન્ય પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ અને વિચરતી-વિમુકત જાતિના વિધાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા રૂ.૨,૫૦,૦૦૦/- ધ્યાને લઇ ચાર ગ્રુપમાં વાર્ષિક રૂ. ૫૦૦૦ થી ૨૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિની રકમ વિધાર્થીઓને DBT મારફતે સીધા જ તેઓના બેંક ખાતામાં ચૂકવવામા આવશે.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના નિયામકશ્રીએ યોજનાનું પ્રેઝન્ટેશન આપતા કહ્યું કે, આ યોજનાને બે ઘટકમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ટોપ ક્લાસ સ્કૂલ ઘટક અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતની ૨૧ હજાર શાળાઓને શોર્ટલિસ્ટ કરી ૧૬૦૮ કરોડ જેટલી રકમની શિષ્યવૃત્તિનું આયોજન છે. જ્યારે ટોપ ક્લાસ કોલેજ ઘટક અંતર્ગત ૨૫૯ કોલેજોને શોર્ટલિસ્ટ કરી ૨૩૪૨ કરોડ જેટલી રકમની શિષ્યવૃત્તિનું આયોજન છે.
મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમના લાભાર્થીઓને લોન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા પીએમ – યશસ્વી યોજના અંગેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્ય મંત્રી શ્રી આર.સી મકવાણા, કેન્દ્ર સરકારના સચિવ શ્રી સુરેન્દ્રસિંહ, રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી સુનયના તોમર, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત એન.બી.સી.એફ.ડી.સીના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.