પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોમાં ભૂતપૂર્વ જાપાની પ્રધાનમંત્રીઓ યોશિરો મોરી અને શિન્ઝો આબેને મળ્યા હતા. યોશિરો મોરી જાપાન-ઈન્ડિયા એસોસિએશન (JIA)ના વર્તમાન અધ્યક્ષ છે જ્યારે શિન્ઝો આબે ટૂંક સમયમાં આ પદ સંભાળશે. 1903માં સ્થપાયેલ JIA એ જાપાનના સૌથી જૂના મિત્રતા સંગઠનોમાંનું એક છે.
પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે યોશિરો મોરીના નેતૃત્વ હેઠળ JIA દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ શિન્ઝો આબેને તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને JIA દ્વારા તેની મહત્વપૂર્ણ ભૂમિકા ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી હતી.
નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વ્યાપક કેનવાસ તેમજ શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ભારત અને જાપાનના સહિયારા વિઝનની પણ ચર્ચા કરી હતી. સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ પ્રોત્સાહિત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.