પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર માટે બની લાભદાયી: ૩૨૬૨ લાભાર્થી પરિવારોના આવાસોનું બાંધકામ પૂર્ણ

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) એ અંતરિયાળ ગામડાઓમાં કાચું ઘર ધરાવતા કે મકાન વિહોણા જરૂરતમંદ પરિવારોને આવાસ પૂરું પાડવાના ધ્યેય સાથેની યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત જરૂરતમંદ પરિવારોને આ યોજના હેઠળ કાચું મકાન ધરાવનારને પાકા આવાસ માટે નાણાંકીય સહાય અપાય છે. ઉપરાંત જરૂર પડ્યે જમીન વિહોણા પરિવારને પ્લોટ પણ અપાય છે. સાથે સાથે મનરેગા અંતર્ગત ચોક્કસ દિવસ માટેની રોજગારી અને નિશ્ચિત સમય મર્યાદામાં બાંધકામ પૂર્ણ થયેથી વધારાની પ્રોત્સાહક નાણાકીય સહાય ચૂકવાય છે. આ અંગેની વિસ્તૃત જાણકારી મુજબ, આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. જે સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦૦૦૦, રૂ.૫૦૦૦૦ અને રૂ.૪૦૦૦૦ જમા કરાવવામાં આવે છે.

 

 

 

જો, કોઈ લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ નથી, તેમને ૧૦૦ ચો.વાર નો આવાસ બાંધકામ માટે પ્લોટ પણ ફાળવવામાં આવે છે. લાભાર્થીને બાથરૂમ બાંધકામ સહાય હેઠળ બાથરૂમ બનાવવા માટે રૂ.૫,૦૦૦/- ઉપરાંત શૌચાલય માટે અલગથી સહાય અપાય છે.

 

 

તદુપરાંત લાભાર્થીને મનરેગા યોજના અંતર્ગત ૯૦ દિવસ સુધીની રોજગારી આપવામાં આવે છે. જે વધુમાં વધુ ૯૦ દિવસ પ્રતિદિન રૂ.૨૩૯/- લેખે કુલ રકમ રૂ.૨૧,૫૧૦/- કામના પ્રમાણમાં મળવાપાત્ર થાય છે. આ યોજના હેઠળ મંજુર થયેલ આવાસનું બાંધકામ જો લાભાર્થી ૬ માસમાં પૂર્ણ કરે તો તેમને અતિરિક્ત/પ્રોત્સાહક સહાય સ્વરૂપે વધુ રૂ.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

 

 

 

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કચ્છ જીલ્લાને વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં કુલ ૫૨૮૮ નો લક્ષ્યાંક મળેલ છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૪૬૫૫ લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે મંજુરી આપવામાં આવેલ છે. તેમજ ૩૨૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. તેમજ કચ્છ જીલ્લામાં અત્યાર સુધી ૨૩૨ લાભાર્થીઓને ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરવા બદલ પ્રોત્સાહક સહાય આપવામાં આવેલ છે.