મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો,ભારત ડ્રોન મહોત્સવમાં દેશભરમાંથી એકત્ર થયેલા તમામ મહેમાનો, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો,દેવીઓ અને સજ્જનો!
આ ભારત ડ્રોન મહોત્સવનું આયોજન કરવા બદલ હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જોઈ રહ્યો છું કે મારી સામે બધા વરિષ્ઠ લોકો બેઠા છે. મને આવવામાં વિલંબ થયો. વિલંબ એટલા માટે નહોતો થયો કે હું મોડો આવ્યો. હું અહીં તો સમયસર આવી ગયો હતો. પરંતુ આ તો ડ્રોનનું જે પ્રદર્શન થયું છે. તેને જોવામાં જ મારું મન એવું લાગી ગયું કે સમયનું ધ્યાન જ ન રહ્યું. આટલો મોડો આવ્યો,છતાં હું માંડ માંડ દસ ટકા જ વસ્તુઓ જોઈ શક્યો અને હું એટલો પ્રભાવિત થયો, સારું થાત કે મારી પાસે સમય હોત, હું એક એક સ્ટૉલ પર ગયો હોત અને નવયુવાનોએ જે કામ કર્યું છે એને જોયું હોત, એમની વાત સાંભળી હોત. હું બધું તો ન કરી શક્યો,પરંતુ હું જે પણ કરી શક્યો, હું તમને બધાને આગ્રહ કરીશ,હું સરકારના તમામ વિભાગોને પણ આગ્રહ કરીશ કે તમારી પાસે વિવિધ સ્તરના જેટલા પણ અધિકારીઓ છે, જે નીતિ ઘડતરમાં ભૂમિકા ભજવે છે. તેઓ અહીં બે-ત્રણ કલાક ગાળે, દરેકે દરેક વસ્તુને સમજવાનો પ્રયાસ કરે. અહીં તેમને ટેક્નોલૉજી જોવા મળશે અને તેઓને તેમની ઑફિસમાં જ ખબર પડી જશે કે આ ટેક્નોલૉજી પોતાને ત્યાં આ રીતે ઉપયોગી થઈ શકે છે. એટલે કે, ગવર્નન્સમાં પણ આવી ઘણી પહેલ છે, જેના આધાર પર ચલાવી શકીએ છીએ. પરંતુ હું ખરેખર કહું છું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ સુખદ અનુભવ હતો, અને ભારતના નવયુવાનો અને મને ખુશી એ વાતની થતી હતી કે હું જે જે સ્ટૉલ પર ગયો તો તેઓ ખૂબ જ ગર્વથી કહેતા હતા,સાહેબ,આ મેક ઇન ઇન્ડિયા છે,આ બધું અમે બનાવ્યું છે.
સાથીઓ,
આ મહોત્સવમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો પણ છે, ડ્રોન એન્જિનિયરો પણ છે, સ્ટાર્ટ અપ્સ પણ છે,વિવિધ કંપનીઓના આગેવાનો પણ અહીં હાજર છે. અને બે દિવસમાં હજારો લોકો આ ઉત્સવનો ભાગ બનવાના છે,મને પાક્કો વિશ્વાસ છે. અને એક તો હવે મેં પ્રદર્શન પણ જોયું છે,પરંતુ જેઓ ખરેખર ડ્રોનથી પોતાનું કામકાજ ચલાવે છે. અને તેમાં મને ઘણા યુવા ખેડૂતોને મળવાની તક મળી જેઓ ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હું એવા યુવાન એન્જિનિયરોને પણ મળ્યો જેઓ ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આજે અહીં 150 ડ્રોન પાયલોટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે. હું આ તમામ ડ્રોન પાઇલટ્સ અને આ કાર્ય સાથે સંકળાયેલા દરેકને મારી શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ,
ડ્રોન ટેકનોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદભુત છે. આ જે ઊર્જા દેખાય રહી છે,તે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગમાં લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. તે ભારતમાં રોજગાર નિર્માણનાં ઉભરતાં મોટાં ક્ષેત્રની શક્યતાઓ દર્શાવે છે. આજે,ભારત તેનાં સ્ટાર્ટ અપ પાવરનાં જોરે વિશ્વમાં ડ્રોન ટેકનોલોજીના સૌથી મોટા નિષ્ણાત બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
સાથીઓ,
આ ઉત્સવ માત્ર ટેક્નોલોજીનો જ નહીં પરંતુ નવા ભારતના નવા શાસનનો, નવા પ્રયોગો પ્રત્યેની અભૂતપૂર્વ હકારાત્મકતાનો પણ ઉત્સવ છે. યોગાનુયોગ, 8 વર્ષ પહેલાં, આ જ તે સમય હતો જ્યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના માર્ગ પર ચાલતા અમે જીવન જીવવાની સરળતા-ઈઝ ઑફ લિવિંગ, વ્યવસાય કરવાની સરળતા-ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસને અમારી પ્રાથમિકતા બનાવી. સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને,અમે દરેક નાગરિક, દેશનાં દરેક ક્ષેત્રને સરકાર સાથે જોડવાનો માર્ગ પસંદ કર્યો. દેશમાં સુવિધાઓનું,પહોંચનું, ડિલિવરીનું એક જે વિભાજન આપણે અનુભવતા હતા એના માટે અમે આધુનિક ટેક્નોલૉજી પર વિશ્વાસ મૂક્યો, તેને એક મહત્વપૂર્ણ સેતુ તરીકે સિસ્ટમનો એક ભાગ બનાવ્યો,જે ટેક્નોલૉજી સુધી દેશના ખૂબ જ નાના વર્ગની પહોંચ હતી, આપણે ત્યાં એ માની લેવાયું કે ટેક્નોલૉજી એટલે એક મોટા ધનિક લોકોનો કારોબાર છે. સામાન્ય માનવીનાં જીવનમાં તેનું કોઈ સ્થાન નથી. આ સમગ્ર માનસિકતાને બદલીને,અમે ટેકનોલોજીને બધા માટે સુલભ બનાવવાની દિશામાં ઘણાં પગલાં લીધાં છે,અને આગળ પણ લેવાંનાં છીએ.
સાથીઓ,
જ્યારે ટેકનોલોજીની વાત આવે છે તો આપણે જોયું છે કે આપણે ત્યાં કેટલાક લોકો ટેકનોલોજીનો ડર બતાવીને તેને નકારવાનો પ્રયાસ પણ કરે છે. આ ટેક્નોલૉજી આવશે તો આમ થશે,તેમ થશે. હવે એ વાત સાચી છે કે એક સમયે આખા શહેરમાં એક ટાવર હતો. તેની ઘડિયાળનો ઘંટ વાગતો હતો અને ગામનો સમય નક્કી થતો હતો,ત્યારે કોણે વિચાર્યું હતું કે દરેક શેરીમાં દરેક કાંડા પર ઘડિયાળ હશે. તેથી જ્યારે પરિવર્તન આવ્યું હશે,ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું હશે અને આજે પણ કેટલાક લોકો એવા હશે, જેમને મન થતું હશે કે અમે પણ ગામમાં એક ટાવર બનાવી દઈએ અને ત્યાં અમે પણ એક ઘડિયાળ મૂકી દઈએ. કોઇ જમાનામાં ઉપયોગી હશે એટલે જે પરિવર્તન થાય છે. એ પરિવર્તન સાથે આપણે આપણી જાતને બદલવી પડશે, વ્યવસ્થાઓ બદલવી પડશે, તો જ પ્રગતિ શક્ય બને છે. આપણે તાજેતરનાં કોરોના રસીકરણ દરમિયાન પણ ઘણો અનુભવ કર્યો છે. અગાઉની સરકારો દરમિયાન, ટેકનોલોજીને સમસ્યાનો એક ભાગ સમજવામાં આવી, તેને ગરીબ વિરોધી સાબિત કરવાની પણ કોશીશો થઈ. આ કારણોસર,2014 પહેલા,શાસનમાં ટેકનોલોજીના ઉપયોગને લઈને ઉદાસીનતાનું જ વાતાવરણ રહ્યું. થોડાકે એકલ દોકલ વ્યક્તિએ પોતાના રસ પ્રમાણે કર્યું તો કર્યું,એ વ્યવસ્થાનો સ્વભાવ ન બની. એનું સૌથી વધારે નુકસાન દેશના ગરીબને થયું,દેશના વંચિતને થયું, દેશના મિડલ ક્લાસને થયું છે અને આકાંક્ષાઓના જુસ્સાથી ભરેલા લોકો હતા એમણે નિરાશામાં જીવન ગુજારવા માટે મજબૂર થવું પડ્યું છે.
સાથીઓ,
અમે એ વાતનો ઇનકાર કરતા નથી કે નવી ટેક્નોલોજી વિક્ષેપ લાવે છે. તે નવા માધ્યમોની શોધ કરે છે, તે નવા અધ્યાય લખે છે. તે નવા રસ્તાઓ, નવી વ્યવસ્થાઓ પણ બનાવે છે. આપણે બધાએ તે સમય જોયો છે કે જીવન સાથે જોડાયેલી સરળ વસ્તુઓને કેટલી મુશ્કેલ બનાવી દેવામાં આવી હતી. નાનપણમાં તમારામાંથી કેટલા લોકો રાશનની દુકાન પર અનાજ, કેરોસીન, ખાંડ માટે લાઇનમાં ઊભા હશે તે મને ખબર નથી. પરંતુ એક સમય એવો હતો કે આ કામ માટે કલાકો લાઈનમાં વીતી જતા હતા. અને મને તો મારું બાળપણ યાદ છે કે હંમેશા એવો ડર લાગતો હતો કે ક્યાંક એવું ન થાય ને કે મારો નંબર આવે ત્યાં સુધીમાં અનાજ ખતમ થઈ જાય, દુકાન બંધ કરવાનો સમય તો ન થઈ જાયને? આ ડર 7-8 વર્ષ પહેલાં દરેક ગરીબના જીવનમાં રહ્યો હશે જ. પરંતુ મને સંતોષ છે કે આજે ટેકનોલોજીની મદદથી અમે આ ડરનો અંત લાવી દીધો છે. હવે લોકોમાં એવી માન્યતા છે કે જે તેમના હકનું છે એ તેમને મળશે જ મળશે. ટેકનોલોજીએ લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત કરવામાં, સંતૃપ્તિની દ્રષ્ટિને આગળ વધારવામાં બહુ મોટી મદદ કરી છે. અને હું જાણું છું કે આ ગતિએ આગળ વધીને આપણે અંત્યોદયનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. છેલ્લાં 7-8 વર્ષનો અનુભવ મારો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. મારો વિશ્વાસ વધતો જ જાય છે. જન ધન, આધાર અને મોબાઈલની ત્રિશક્તિ – JAM આ ત્રિમૂર્તિના કારણે આજે આપણે સમગ્ર દેશમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ગરીબને એમના હકની વસ્તુ જેમ કે રાશન જેવી વસ્તુઓ પહોંચાડવામાં અમે સક્ષમ છીએ. આ મહામારી દરમિયાન પણ અમે 80 કરોડ ગરીબોને મફત રાશન સુનિશ્ચિત કર્યું છે.
સાથીઓ,
આ આપણાં ટેક્નોલોજી સોલ્યુશન્સને યોગ્ય રીતે ડિઝાઇન કરવા,કાર્યક્ષમ રીતે વિકસાવવા અને યોગ્ય રીતે અમલમાં મૂકવાની શક્તિ છે કે આજે ભારત વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. આજે,દેશ દ્વારા વિકસિત મજબૂત UPI ફ્રેમવર્કની મદદથી, લાખો કરોડ રૂપિયા સીધા ગરીબોનાં બૅન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓને હવે સરકાર તરફથી સીધી મદદ મળી રહી છે. 21મી સદીના નવા ભારતમાં, યુવા ભારતમાં, અમે દેશને નવી તાકાત આપવા માટે,ઝડપ અને વ્યાપ આપવા માટે ટેક્નોલોજીને એક મહત્વપૂર્ણ સાધન બનાવ્યું છે. આજે આપણે ટેક્નોલૉજી સંબંધિત યોગ્ય ઉકેલો વિકસાવી રહ્યા છીએ અને અમે તેને વધારવાની કુશળતા પણ વિકસાવી છે. દેશમાં ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું એ સુશાસનના ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાની આ જ પ્રતિબદ્ધતાને આગળ વધારવાનું વધુ એક માધ્યમ છે. ડ્રોનના રૂપમાં આપણી પાસે આવું જ બીજું એક સ્માર્ટ ટૂલ આવી ગયું છે, જે ટૂંક સમયમાં જ સામાન્યમાં સામાન્ય ભારતીયનાં જીવનનો એક ભાગ બનવા જઈ રહ્યું છે. આપણાં શહેરો હોય કે દૂરનાં ગામડાં અને દેશના ગ્રામ્ય વિસ્તારો, ખેતરો હોય કે રમતનાં મેદાન, સંરક્ષણ સંબંધિત કામ હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ,દરેક જગ્યાએ ડ્રોનનો ઉપયોગ વધવાનો છે. એ જ રીતે, ભલે તે પ્રવાસન ક્ષેત્ર હોય, મીડિયા હોય,ફિલ્મ ઉદ્યોગ હોય, ડ્રોન આ ક્ષેત્રોમાં ગુણવત્તા અને સામગ્રી બંને વધારવામાં મદદ કરશે. હવે જેટલો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના કરતાં આવનારા દિવસોમાં ડ્રોનનો વધુ ઉપયોગ જોવા મળવાનો છે. હું દર મહિને સરકારમાં એક પ્રગતિ કાર્યક્રમ ચલાવું છું. તમામ રાજ્યોના મુખ્ય સચિવો સ્ક્રીન પર હોય છે, ટીવી અને અન્ય ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવે છે, અને હું તેમને આગ્રહ કરું છું કે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, મને ત્યાંનું સમગ્ર જીવંત પ્રદર્શન ડ્રોન વડે આપો. તેથી ખૂબ જ સરળતાથી વસ્તુઓનું સંકલન કરીને, ત્યાં નિર્ણયો લેવાની સગવડતા વધે છે. જ્યારે કેદારનાથનાં પુનઃનિર્માણનું કામ શરૂ થયું, ત્યારે હવે દર વખતે મારા માટે કેદારનાથ જવું મુશ્કેલ હતું, તો હું નિયમિત રીતે કેદારનાથમાં કેવું કામ ચાલી રહ્યું છે, કેટલી ઝડપથી કાલ ચાલી રહ્યું છે, તે ત્યાંથી ડ્રોન દ્વારા હું મારી ઓફિસમાં બેસીને નિયમિતપણે અને તેની જ્યારે સમીક્ષા બેઠકો યોજાતી હતી, ત્યારે હું નિયમિતપણે ડ્રોનની મદદથી કેદારનાથના વિકાસ કાર્યનું નિરીક્ષણ કરતો હતો. એટલે કે આજે સરકારી કામોની ગુણવત્તા પણ જોવાની છે. તેથી મારે અગાઉથી કહેવાની જરૂર નથી કે મારે ત્યાં નિરીક્ષણ માટે જવાનું છે, તો પછી તો બધું સારું જ થઈ જશે. હું ડ્રોન મોકલું તો તે જ સરનામું લઈને આવે છે અને તેને ખબર પણ નથી પડતી કે મેં માહિતી લઈ લીધી છે.
સાથીઓ,
ડ્રોન ટેક્નોલૉજી ગામડાના ખેડૂતનાં જીવનને વધુ સુવિધાયુક્ત, વધુ સમૃદ્ધ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે. આજે ગામડાઓમાં સારા રસ્તાઓ થયા છે, વીજળી અને પાણી પહોંચી ગયા છે,ઓપ્ટિકલ ફાઈબર પહોંચી રહ્યું છે,ડિજિટલ ટેક્નોલૉજી અભૂતપૂર્વ રીતે વિસ્તરી છે. પરંતુ હજુ પણ ગામમાં મોટાભાગનાં જમીનને લગતા,ખેતીને લગતા કામો માટે જૂની પદ્ધતિએ જ કામ ચલાવવું પડે છે. એ જૂની સિસ્ટમમાં દરેક પ્રકારનો બગાડ છે,પરેશાની પણ ઘણી છે, અને ઉત્પાદકતા તો ખબર નહીં નક્કી જ નથી કરી શકતા કંઇક થયું કે નથી થયું. એનું સૌથી વધારે નુકસાન આપણાં ગામના લોકોને થાય છે,આપણા ખેડૂતોને થાય છે અને એમાં પણ આપણા નાના ખેડૂતોને થાય છે. નાના ખેડૂતોની જમીન અને એમના સંસાધન એટલા નથી હોતા કે વિવાદોને પડકારી શકે અને કૉર્ટ કચેરીના ચક્કર કાપી શકે. હવે જુઓ, જમીનના રેકર્ડથી માંડીને દુષ્કાળ-પૂર રાહતમાં પાકના નુકસાન સુધી દરેક જગ્યાએ તંત્ર મહેસૂલ વિભાગના કર્મચારીઓ પર નિર્ભર છે. માનવીય ઇન્ટરફેસ જેટલો વધારે છે, તેટલો વિશ્વાસનો અભાવ વધારે થઈ જાય છે અને તેમાંથી જ વિવાદ ઉદ્ભવે છે. વિવાદ થાય છે તો સમય અને પૈસાની બરબાદી પણ થાય છે. જો માનવીના અંદાજ પરથી અંદાજો બાંધવામાં આવે તો એટલો ચોક્કસ અંદાજ પણ લગાવી શકાતો નથી. આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે, ડ્રોનના એક શક્તિશાળી અસરકારક માધ્યમ તરીકે એક નવું સાધન આપણી સમક્ષ આવ્યું છે.
સાથીઓ,
પીએમ સ્વામિત્વ યોજના એ એક ઉદાહરણ છે કે કેવી રીતે ડ્રોન ટેક્નોલૉજી એક મોટી ક્રાંતિનો આધાર બની રહી છે. આ યોજના હેઠળ, પ્રથમ વખત દેશનાં ગામડાઓમાં દરેક મિલકતનું ડિજિટલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે, લોકોને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આમાં માનવીય હસ્તક્ષેપ ઓછો થયો છે અને ભેદભાવનો અવકાશ ખતમ થઈ ગયો છે. આમાં ડ્રોને મોટી ભૂમિકા ભજવી છે. થોડી વાર પહેલાં મને પણ સ્વામિત્વ ડ્રોન ઉડાવવાની,એની ટેક્નોલોજી સમજવાની તક મળી. થોડી વાર એટલે પણ લાગી. મને ખુશી છે કે ડ્રોનની મદદથી દેશમાં અત્યાર સુધીમાં લગભગ 65 લાખ પ્રોપર્ટી કાર્ડ જનરેટ થઈ ચૂક્યા છે. અને જેને આ કાર્ડ મળ્યું છે તે સંતુષ્ટ છે કે હા મારી પાસે મારી જેટલી જમીન છે તેની સાચી વિગતો મને મળી ગઈ છે. તેમણે આ વાત સંપૂર્ણ સંતોષ સાથે કહી છે. બાકી તો આપણે ત્યાં જો નાની અમથી જગ્યા માપવામાં આવે તો પણ, સહમતિ સુધી પહોંચવામાં વર્ષોનાં વર્ષો લાગે છે.
સાથીઓ,
આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ખેડૂતો ડ્રોન ટેક્નોલૉજી તરફ ઝડપથી આકર્ષાઈ રહ્યા છે, તેમનામાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે,તેઓ તેને અપનાવવા માટે તૈયાર છે. આ આમ જ બન્યું નથી. તેનું કારણ એ છે કે છેલ્લાં 7-8 વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં જે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો છે,તેના કારણે ટેક્નોલૉજી ખેડૂતો માટે નવી રહી નથી અને એકવાર ખેડૂત તેને જુએ છે તો થોડુંક પોતાના હિસાબે લેખા જોખા કરી લે છે અને જો એનો વિશ્વાસ બેસી જાય, તો તેને સ્વીકારવામાં મોડું કરતો નથી. હમણાં જ હું બહાર ખેડૂતો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મધ્ય પ્રદેશના એક એન્જિનિયર મને કહેતા હતા કે લોકો હવે મને ડ્રોનવાળા કહીને બોલાવે છે. કહ્યું હું એન્જિનિયર થયો, પણ હવે તો મારી ઓળખ ડ્રોનવાળાની બની ગઈ છે. તેમણે મને કહ્યું કે સાહેબ,જુઓ, મેં તેમને કહ્યું,તમે શું ભવિષ્ય જુઓ છો?તો તેમણે મને કહ્યું કે સાહેબ, જુઓ જ્યારે કઠોળની વાત છે તો શું આપણે ત્યાં એની ખેતી વધશે. અને એમાં કારણ એક ડ્રોન હશે,મેં કહ્યું કેવી રીતે? તેમણે કહ્યું કે સાહેબ કઠોળની ખેતી થાય છે, ત્યારે તેના પાકની ઊંચાઈ વધી જતી હોય છે, તેથી ખેડૂતને દવા-બવા ઈત્યાદિ માટે અંદર જવાનું મન થતું નથી, હું ક્યાં જઈશ, છાંટીશ તો અડધી તો મારા શરીર પર પડે છે, અને કહ્યું કે એટલા માટે તે પાકની તરફ જતો જ નથી. કહ્યું કે હવે ડ્રોનને કારણે એવા જે પાકો છે, જે ક્યારેક માણસોની ઊંચાઈ કરતા પણ વધારે હોય છે. ડ્રોનને કારણે તેની કાળજી, તેની દવાનો છંટકાવ એ એટલું આસાન થવા જઈ રહ્યું છે કે આપણા દેશનો ખેડૂત સરળતાથી કઠોળની ખેતી તરફ જશે. હવે એક વ્યક્તિ ગામની અંદર ખેડૂતો સાથે જોડવાનું કામ કરે છે. તો વસ્તુઓ કેવી બદલાઇ જાય છે. તેનો અનુભવ તેમને સાંભળીને મળે છે.
સાથીઓ,
આજે અમે કૃષિ ક્ષેત્રમાં જે ટેકનોલોજી લાવવાનો પ્રયાસ કર્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ આ પોતે જ આપણા ખેડૂતો માટે એક મહાન શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. અને હું ઈચ્છું છું કે આ ડ્રોન સેવાઓ છે, ગામે ગામ સોઇલ ટેસ્ટિંગ માટે લૅબ બની શકે છે,રોજગારનાં નવાં ક્ષેત્રો ખોલી શકાય છે. અને ખેડૂત દરેક વખતે તેની માટી ટેસ્ટ કરાવીને નક્કી કરી શકે છે કે મારી આ માટીમાં આ આવશ્યકતા છે, આ જરૂર છે. સૂક્ષ્મ સિંચાઈ, છંટકાવ આ બધી વસ્તુઓ આધુનિક સિંચાઈ પદ્ધતિનો એક ભાગ બની રહી છે. હવે પાક વીમા યોજનાને જ જુઓ,પાક વીમા યોજના હેઠળ સૌથી મોટું કામ આપણા જીપીએસ જેવી ટેકનોલોજીનો ઉપયોગ હોય,ઈ-નામ જેવી ડિજિટલ મંડીની વ્યવસ્થા હોય,નીમ કોટેડ યુરિયા હોય કે ટેક્નોલૉજી દ્વારા સીધા ખેડૂતોનાં ખાતાંમાં નાણા જમા કરાવવાની વાત હોય. છેલ્લાં 8 વર્ષમાં કરવામાં આવેલા પ્રયાસોથી ખેડૂતોનો ટેક્નોલૉજી તરફ વિશ્વાસ ઘણો વધ્યો છે. આજે દેશનો ખેડૂત ટેક્નોલૉજી સાથે વધુ સહજ છે,તેને વધુ સરળતાથી અપનાવી રહ્યો છે. હવે ડ્રોન ટેક્નોલૉજી આપણા કૃષિ ક્ષેત્રને બીજા સ્તરે લઈ જવાની છે. કઈ જમીન પર, કેટલું અને કયું ખાતર નાખવાનું છે, જમીનમાં શું અભાવ છે,કેટલી સિંચાઈ કરવી પડશે,આ પણ આપણા અંદાજથી થતું આવ્યું છે. ઓછી ઉપજ અને પાકની નિષ્ફળતા માટે આ એક મુખ્ય કારણ રહ્યું છે. પરંતુ સ્માર્ટ ટેક્નોલોજી આધારિત ડ્રોન અહીં પણ ઘણું કામ આવી શકે છે. એટલું જ નહીં, ડ્રોન એ ઓળખવામાં પણ સફળ થાય છે કે કયો છોડ, કયો ભાગ રોગથી પ્રભાવિત છે. અને તેથી જ તે આડેધડ છંટકાવ કરતો નથી, પણ તે સ્માર્ટ રીતે સ્પ્રે કરે છે. તેનાથી મોંઘી દવાઓનો ખર્ચ પણ બચે છે. એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી નાના ખેડૂતને તાકાત પણ મળશે, ઝડપ પણ મળશે અને નાના ખેડૂતની પ્રગતિ પણ સુનિશ્ચિત થશે. અને આજે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીએ છીએ, ત્યારે મારું પણ એ જ સપનું છે કે ભારતના દરેક હાથમાં સ્માર્ટફોન હોય, દરેક ખેતરમાં ડ્રોન હોય અને દરેક ઘરમાં સમૃદ્ધિ હોય.
સાથીઓ,
અમે દેશનાં દરેક ગામમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું નેટવર્ક મજબૂત કરી રહ્યા છીએ, ટેલિમેડિસિનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. પરંતુ ગામડાઓમાં દવાઓ અને અન્ય વસ્તુઓની ડિલિવરી એક મોટો પડકાર રહ્યો છે. આમાં પણ ડ્રોન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં એટલે કે ખૂબ ઓછા સમયમાં અને ઝડપી ઝડપે ડિલિવરી થવાની સંભાવના બનવાની છે. આપણે ડ્રોન દ્વારા કોવિડ રસીની ડિલિવરીનો ફાયદો પણ અનુભવ્યો છે. તે દૂરના આદિવાસી,પહાડી,દુર્ગમ વિસ્તારોમાં ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
સાથીઓ,
ટેક્નોલોજીનું બીજું એક પાસું છે જેના તરફ હું તમારું ધ્યાન ચોક્કસ દોરવા માગું છું. પહેલાના સમયમાં ટેક્નોલોજી અને તેના આવિષ્કારોને ભદ્ર વર્ગ માટે ગણવામાં આવતા હતા. આજે અમે જનસમૂહને સૌપ્રથમ ટેક્નોલૉજી ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. ડ્રોન ટેકનોલોજી પણ એક ઉદાહરણ છે. થોડા મહિના પહેલા સુધી ડ્રોન પર ઘણાં નિયંત્રણો હતાં. અમે બહુ ઓછા સમયમાં મોટાભાગના પ્રતિબંધો હટાવ્યા છે. અમે PLI જેવી યોજનાઓ દ્વારા ભારતમાં મજબૂત ડ્રોન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવા તરફ પણ આગળ વધી રહ્યા છીએ. જ્યારે ટેક્નોલૉજી લોકો વચ્ચે જાય છે,ત્યારે તેના ઉપયોગની શક્યતાઓ પણ વધુને વધુ વધે છે.
આજે આપણા ખેડૂતો,આપણા વિદ્યાર્થીઓ,આપણાં સ્ટાર્ટ અપ્સ ડ્રોન વડે શું-શું કરી શકીએ તેની નવી સંભાવનાઓ શોધવામાં લાગેલા છે. ડ્રોન હવે ખેડૂતો પાસે જઈ રહ્યું છે,ગામડાઓમાં જઈ રહ્યું છે, જેથી ભવિષ્યમાં વિવિધ કામોમાં તેનો વધુ ઉપયોગ થાય તેવી શક્યતાઓ પણ વધી છે. તમે જોશો કે ડ્રોનના વિવિધ પ્રકારના ઉપયોગ ફક્ત શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ થશે, આપણા દેશવાસીઓ આમાં વધુ નવીનતા કરશે. હું માનું છું કે આવનારા દિવસોમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ પ્રયોગો થશે, તેના નવા-નવા ઉપયોગ થશે.
સાથીઓ,
આજે હું ફરીથી દેશ અને વિશ્વના તમામ રોકાણકારોને ભારતની એવી જ સંભાવનાઓ,એવા જ વ્યાપનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરું છું. ભારત માટે પણ અને વિશ્વ માટે અહીંથી શ્રેષ્ઠ ડ્રોન ટેક્નોલોજી બનાવવાનો આ યોગ્ય સમય છે. હું નિષ્ણાતોને,ટેક્નોલોજીની દુનિયાના લોકોને પણ અપીલ કરીશ કે,ડ્રોન ટેકનોલોજીને શક્ય તેટલું વિસ્તૃત કરો,તેને બને તેટલા વધુ લોકો સુધી લઈ જાઓ. હું દેશના તમામ યુવાનોને ડ્રોનનાં ક્ષેત્રમાં નવાં સ્ટાર્ટ અપ્સ માટે આગળ આવવાનું પણ આહ્વાન કરીશ. આપણે સાથે મળીને ડ્રોન ટેક્નોલૉજી વડે સામાન્ય લોકોને સશક્ત બનાવવામાં આપણી ભૂમિકા ભજવીશું અને મને ખાતરી છે કે હવે પોલીસના કામમાં પણ સુરક્ષાના સંદર્ભમાં ડ્રોન મોટી સેવા કરી શકશે. કુંભ મેળા જેવા મોટા પ્રસંગો થાય છે. ડ્રોન ખૂબ મોટી રીતે મદદરૂપ થઈ શકે છે. જ્યાં ટ્રાફિક જામની સમસ્યા હોય ત્યાં ડ્રોનથી ઉકેલ મેળવી શકાય છે. એટલે કે આટલી સરળતાથી આ વસ્તુઓનો ઉપયોગ થવાનો છે. આપણે આપણી વ્યવસ્થાઓને આ ટેક્નોલોજીઓ સાથે જોડવાની છે, અને જેટલી વધુને વધુ આપણે આ સિસ્ટમોને એકસાથે જોડીશું. મને બરાબર યાદ છે, આજે હું અહીં જોઈ રહ્યો હતો કે તેઓ ડ્રોન વડે જંગલોમાં વૃક્ષો ઉગાડવા માટે જે બીજ હોય છે તેની ગોળીઓ બનાવે છે અને ઉપરથી ફેંકી દે છે. જ્યારે ડ્રોન નહોતું ત્યારે મેં એક પ્રયોગ કર્યો હતો. મારા તો તમામ તમામ પ્રયોગો દેશી હોય છે. તેથી તે સમયે કોઈ ટેક્નોલૉજી ન હતી. હું ઇચ્છતો હતો કે, જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, ત્યારે આ આપણા કેટલાક પહાડો છે, લોકો ત્યાં જાય,વૃક્ષો-છોડ વાવે, તો આશા રાખવી થોડી મુશ્કેલ છે. તો મેં શું કર્યું, ગેસના ફુગ્ગા છે, જે હવામાં ઉડે છે. મેં ગેસ બલૂનિસ્ટની મદદ લીધી અને મેં કહ્યું કે તે બલૂનમાં બીજ નાખો અને પહાડી છે ત્યાં જઈને ફુગ્ગા છોડી દો,જ્યારે ફુગ્ગા નીચે પડી જશે ત્યારે બીજ ફેલાશે અને જ્યારે આકાશમાંથી વરસાદ આવશે, ત્યારે નસીબ હશે તો તેમાંથી વૃક્ષ બહાર આવશે. આજે તે કામ ડ્રોનથી ખૂબ જ સરળતાથી થઈ રહ્યું છે. જિયો ટ્રેકિંગ ચાલી રહ્યું છે. તે બીજ ક્યાં ગયું, તેનું જીઓ-ટ્રેકિંગ થઈ રહ્યું છે અને તે બીજ વૃક્ષમાં પરિવર્તિત થઈ રહ્યું છે કે નહીં. તેનો હિસાબ લગાવી શકાય છે. એટલે કે એક રીતે માનો જંગલમાં લાગેલી આગ આપણે ડ્રોનની મદદથી આસાનીથી તેના પર નજર રાખી શકીએ છીએ, જો કોઈ નાની ઘટના પણ જોવા મળે તો તાત્કાલિક પગલાં લઈ શકીએ છીએ. એટલે કે,આપણે તેના દ્વારા કલ્પના કરી શકાય તેવી વસ્તુઓ પણ કરી શકીએ છીએ,આપણે આપણી સિસ્ટમનો વિસ્તાર કરી શકીએ છીએ. મને ખાતરી છે કે આજે આ ડ્રોન મહોત્સવ જિજ્ઞાસાના દૃષ્ટિકોણથી તો ઘણા લોકો માટે ઉપયોગી થશે જ થશે પરંતુ જે કોઈ તેને જોશે તેચોક્કસપણે કંઈક નવું કરવાનું વિચારશે, ચોક્કસપણે તેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશે,સિસ્ટમમાં ઉમેરો કરવાનો પ્રયાસ કરશે અને આખરે આપણે ટેક્નોલૉજી આધારિત ડિલિવરી ખૂબ જ ઝડપથી કરી શકીશું. આ વિશ્વાસ સાથે,હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.