મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજકોટમાં રૂપિયા ૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મી નગર અન્ડર બ્રિજનુ નામકરણ શહીદ સીડીએસ બિપિન રાવત બ્રિજ નામ આપી ઈ લોકાર્પણ કર્યુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે તે અંગે શુભકામના પાઠવી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે .શહેરોમાં કોઈ એક જ બાબત ના કાર્યો કરવાના બદલે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી લોકોની સર્વાંગી સુખાકારી ધ્યાનમાં રાખી કાર્યોનો પ્રારંભ કર્યો છે .
આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે લોકોના પ્રશ્નોની રજૂઆતો માટે અને લોકોના પ્રશ્નો નું નિરાકરણ થાય તે માટે ઝડપી પરિણામ લક્ષી કામગીરી થાય તે માટે સતત દેખરેખ સાથે કાર્ય વ્યવસ્થા સરકારે ઉપલબ્ધ કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ ની પણ આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં શહેરી વિકાસ સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપણે સિદ્ધ કરવો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બિન પરંપરાગત ઉર્જાના ઉપયોગના પ્રકલ્પો તેમજ અને ક્લીન એનર્જી ગ્રીન એનર્જી સાથે પર્યાવરણ સુરક્ષા માં પણ ગુજરાતે પણ ભાગીદારી નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરોના ગંદા પાણીનો નિકાલ તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે, ઉપરાંત શહેરો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય એ માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે .રાજકોટ માટે જરૂરિયાત મુજબના ટી.પી.ડી.પી મંજૂર કરીને આયોજિત વિકાસ આપવાનો પણ આપણો નેમ છે તેમ જણાવી રાજકોટમાં
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૧૮૭ કરોડના ૧૭૦ કામો કરવાની પણ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું .સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે રાજ્યના નગરો મહાનગરોને શહેરી વિકાસ સાથે ધબકતા રાખવા નો આપણો સંકલ્પ છે તેમ અંતમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જવાબદારીપૂર્વક નાગરિક સેવાઓનો વ્યાપ વધારી માળખાગત વિકાસના કાર્યો થાય તે માટે પણ કટિબદ્ધ છે.રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ ઘણા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટમાં વિકાસના અનેક કાર્યો મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ પણ રાજકોટમાં વિકાસના અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને હજુ વધુ વિકાસ કાર્યો હાથ ધરવાનું સરકારનું આયોજન છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ લક્ષ્મી નગર બ્રિજને લીધે હવે આ વિસ્તારમાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા નહીં નડે તેમ જણાવી શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપભાઈ ડવે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર માં જુદા જુદા વિસ્તારમાં લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે અંડર અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મી નગર રેલવે બ્રિજ ટ્રાફિકને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યો છે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ થતા આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.મેયરશ્રીએ પ્રવર્તમાન કોરોનાની મહામારીમાં મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી આરોગ્ય સેવા અંગેની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને ફાટકથી મુકિત આપવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે આયોજન કરવામાં આવ્યું છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાએ લક્ષ્મી નગર અંડરબ્રીજની ટેકનિકલ માળખાગત વ્યવસ્થા અને લોકોને મળનારી સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા
સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કાર્યક્રમના પ્રારંભે સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલે સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી ,શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઇ કાનગડ, ડેપ્યુટી મેયરડો. દર્શનાબેન શાહ, રાજકોટ રેલવે ડિવિઝન મેનેજર શ્રી અનિલકુમાર જૈન તેમજ નરેન્દ્રભાઈ ઠાકુર,સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.