પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022)

 

 

નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ, બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર સાથે, નેપાળના લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી અને લુમ્બિનીની પ્રથમ મુલાકાત હતી.

 

પ્રધાનમંત્રી શ્રી દેઉબા, તેમનાં જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, ગૃહ મંત્રી શ્રી બાલ કૃષ્ણ ખંડ, વિદેશ મંત્રી ડૉ. નારાયણ ખડકા, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન મંત્રી કુ. રેણુ કુમારી યાદવ, ઊર્જા, જળ સંસાધન અને સિંચાઈ મંત્રી કુ. પમ્ફા ભુસાલ, સાંસ્કૃતિક, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, શિક્ષણ મંત્રી શ્રી દેવેન્દ્ર પૌડેલ, કાયદા, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ગોવિંદા પ્રસાદ શર્મા અને લુમ્બિની પ્રાંતના મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી. દ્વારા પ્રધાનમંત્રીનું એમનાં આગમને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

 

આગમન પછી, બંને પ્રધાનમંત્રીઓએ માયાદેવી મંદિરની મુલાકાત લીધી, જેની અંદર ભગવાન બુદ્ધનું જન્મસ્થળ આવેલું છે. મંદિરમાં, પ્રધાનમંત્રીઓએ બૌદ્ધ ધાર્મિક વિધિઓ અનુસાર આયોજિત પ્રાર્થનામાં હાજરી આપી હતી અને અર્પણવિધિ કરી હતી. પ્રધાનમંત્રીઓએ દીવા પ્રગટાવ્યા અને ઐતિહાસિક અશોક સ્તંભની મુલાકાત લીધી, જે ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની હોવાના પ્રથમ શિલાલેખ પુરાવા ધરાવે છે. તેઓએ 2014 મા નેપાળની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા ભેટ તરીકે લાવેલાં પવિત્ર બોધિ વૃક્ષને પણ પાણી પીવડાવ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી દેઉબા સાથે મળીને નવી દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ બૌદ્ધ સંઘ (IBC)ના લુમ્બિનીના એક પ્લોટમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનાં નિર્માણ માટેના “શિલાન્યાસ” સમારોહમાં ભાગ લીધો હતો.

 

નવેમ્બર 2021માં લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આ પ્લોટ IBCને ફાળવવામાં આવ્યો હતો. “શિલાન્યાસ” સમારોહ પછી, પ્રધાનમંત્રીઓએ બૌદ્ધ કેન્દ્રના એક મોડેલનું પણ અનાવરણ કર્યું હતું, જે નેટ-ઝીરો સુસંગત વિશ્વ-સ્તરની સુવિધા તરીકે પરિકલ્પનામાં છે અને એમાં પ્રાર્થના ખંડ, ધ્યાન કેન્દ્ર, પુસ્તકાલય, પ્રદર્શન હૉલ, કાફેટેરિયા અને અન્ય સુવિધાઓ હશે અને વિશ્વભરના બૌદ્ધ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.

 

બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જે દરમિયાન તેઓએ નવી દિલ્હીમાં 2 એપ્રિલે યોજાયેલી તેમની ચર્ચાઓને આગળ વધારી હતી. તેઓએ સંસ્કૃતિ, અર્થતંત્ર, વેપાર, કનેક્ટિવિટી, ઊર્જા અને વિકાસ ભાગીદારી સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવા વિશિષ્ટ પહેલ અને વિચારોની ચર્ચા કરી હતી. બંને પક્ષો લુમ્બિની અને કુશીનગર વચ્ચે સિસ્ટર સિટી સંબંધો સ્થાપિત કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા, જે બૌદ્ધ ધર્મનાં સૌથી પવિત્ર સ્થળો પૈકીનાં છે અને બંને દેશો વચ્ચેના સહિયારા બૌદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે.

 

બંને પ્રધાનમંત્રીઓએ તાજેતરના મહિનાઓમાં દ્વિપક્ષીય વીજ ક્ષેત્રના સહયોગમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ઉત્પાદન પ્રોજેક્ટ્સ, પાવર ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ટ્રેડના વિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી દેઉબાએ નેપાળમાં વેસ્ટ સેટી હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ માટે ભારતીય કંપનીઓને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ નેપાળના હાઇડ્રોપાવર સેક્ટરના વિકાસમાં અને રસ ધરાવતા ભારતીય વિકાસકર્તાઓને આ સંબંધમાં ઝડપથી નવા પ્રોજેક્ટ્સ શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં ભારતના સમર્થનની ખાતરી આપી હતી. બંને પ્રધાનમંત્રીઓ બંને દેશોના લોકોને નજીક લાવવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વધુ વિસ્તૃત કરવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી શ્રી દેઉબા દ્વારા પ્રધાનમંત્રી શ્રી મોદીનાં સન્માનમાં બપોરનાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

બંને પ્રધાનમંત્રીઓએ નેપાળ સરકારના નેજા હેઠળ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત 2566મી બુદ્ધ જયંતિની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ સાધુઓ, અધિકારીઓ, મહાનુભાવો અને બૌદ્ધ વિશ્વ સાથે સંકળાયેલા લોકોની વિશાળ સભાને સંબોધિત કરી હતી.

 

પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત પ્રધાનમંત્રી શ્રી દેઉબાની 1-3 એપ્રિલ 2022 દરમિયાન દિલ્હી અને વારાણસીની સફળ મુલાકાતને અનુસરે છે. આજની મુલાકાતે બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપ્યો છે અને મુખ્ય ક્ષેત્રોમાં, ખાસ કરીને શિક્ષણ, સંસ્કૃતિ, ઊર્જા અને લોકો વચ્ચેના આદાન-પ્રદાનમાં અદ્યતન સહયોગને વધુ વેગ આપ્યો છે. પ્રધાનમંત્રી શ્રી મોદીની લુમ્બિનીની મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેના ઊંડા અને સમૃદ્ધ સંસ્કૃતિનાં જોડાણ અને તેને સંવર્ધન અને પ્રોત્સાહન આપવા બંને બાજુના લોકોનાં યોગદાન પર પણ ભાર મૂકે છે.

 

મુલાકાત દરમિયાન નિષ્કર્ષ પર આવેલા દસ્તાવેજોની સૂચિ અહીં જોઈ શકાય છે.