મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે યુવા શકિતએ મેળવેલી શિક્ષા દિક્ષા થી સજ્જ થઈ પોતાની સામે આવનારા પડકારોને ઝીલી તેને તકમાં પલટાવીને પોતાના સપના સાકાર કરવાના છે.
મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું કે યુવાનોની શકિતને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિપુલ તકો નિર્માણ પામી છે
મુખ્યમંત્રીશ્રીએ પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીના નવમાં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ઉર્જા ક્ષેત્રે આવેલા બદલાવને સ્વીકારી નવા વિકલ્પો તૈયાર કરવાનું આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરી, પી.ડી.ઇ.યુ ના પ્રેસિડેન્ટ શ્રી મૂકેશ અંબાણીની વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ઉપસ્થિતીમાં યુનિવર્સિટીના આ નવમા પદવીદાન સમારોહમાં ૧૫૬૩ યુવાનોને ગ્રેજ્યુએશન, ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી ડીગ્રી અને ૧૦૨ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા હતા.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી,રાજ્યમંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર સહિત યુનિવર્સિટીના ગર્વનીન્ગ કાઉન્સીલના શ્રી પરિમલ નથવાણી અને અન્ય સભ્યો તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, ડીગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓના પરિવાર જનો તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ પદવીદાન સમારોહમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે કહ્યું કે, વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીઝની રાજ્યમાં શરૂઆત કરાવીને ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન અવસરો ઘર આંગણે આપવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પના બીજ આજે વટવૃક્ષ બની ગયા છે તેનું ઉત્તમ ઉદાહરણ આ પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે એ વર્ષે યુવા મિત્રો ઉર્જા ક્ષેત્રને સંલગ્ન વિવિધ પદવી મેળવી રહ્યા છે. આવા કુશળ યુવાનોની સામાજિક જવાબદારી પણ વિશેષ છે.
આ સંદર્ભમાં તેમણે યુવા વિદ્યાર્થીઓએ પેટ્રોલિયમ, ઊર્જા, કલાયમેટ ચેન્જ જેવા વિષયોમાં મેળવેલા જ્ઞાન કૌશલ્યનો સમાજના હિત માટે ઉપયોગ કરવાની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યુવાનો પાસે માતૃભૂમિનું હિત- રાષ્ટ્રહિત હૈયે રાખી કર્તવ્યરત રહેવાના અગણિત અવસર ઉપલબ્ધ છે, આજના યુવાનો પાસે ભારતની આવતી કાલ ઘડવાની સુવર્ણતક રહેલી છે તેમ પણ તેમણે ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાઓને ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવતા ઉમેર્યું હતું.
પી.ડી.ઇ.યુ.માં આજે પદવી મેળવનાર વિધાર્થીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય પ્રેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી શ્રી હરદીપ એસ. પુરીએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, હવે, પછીના સમયમાં ભારત દેશ સાથે વિશ્વમાં એનર્જી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે. આજે એક અંદાજ મુજબ દેશમાં નિયમિત ૬ કરોડ જેટલા વાહનોને ઇંઘણ પુરાવવા માટે પ્રેટ્રોલ પંપે જવું પડે છે. તેની સાથે દિવસે દિવસે પ્રેટ્રોલિયમ પેદાશની માંગ વિશ્વ કક્ષાએ વધતી જાય છે.
વિશ્વકક્ષાએ ભારત દેશ એનર્જીનું હબ બનશે, તેવો વિશ્વાસ વ્યકત કરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું પાંચ ટ્રિલીયન ઇકોનોમિનું સ્વપ્ન સાકાર કરવા માટે આ ક્ષેત્રમાં વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. તેમણે એનર્જી ક્ષેત્રે ભવિષ્યમાં કરવામાં આવનાર અને થઇ રહેલ વિકાસની રસપ્રદ આંકડાકીય વિગતો આપી હતી. આ ક્ષેત્રે આગામી સમયે ખૂબ મોટા સ્કીલ ડેવલોપમેન્ટ ધરાવતા મેન પાવરની જરૂર પડશે.
દેશના વડાપ્રધાનશ્રીનું ગ્રીન હાઇડ્રોજનના મિશનને આપણે સૌએ સાર્થક કરવાનું છે, તેવું કહી કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશમાં પ્રદૂષણ અને પ્રેટ્રોલ ઇંઘણની માંગ ઘટાડવા માટે ઇ- વ્હીકલ વપરાશ વધારવાની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. આ માટેની નીતી ઘડતર પણ કરવામાં આવ્યું છે. ઇ- વ્હીકલનો વપરાશ વધે તે માટે આગામી સમયમાં તેના રિચાર્જ કરવાના વિવિધ સ્ટેશનો બનાવવાનો મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશ સોલાર ઉર્જા સહિત અન્ય એનર્જી ક્ષેત્રે કેવી સિધ્ધી હાંસલ કરી છે. આગામી સમયે કેવી આ ક્ષેત્રે રોજગારી તકો હશે. તેની વાત કરીને આગામી સમયમાં સરકાર એનર્જી ક્ષેત્રે કેવી રીતે વિકાસ કરશે, તેનાથી વિધાર્થીઓને વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે પી.ડી.ઇ.યુ.ના પ્રેસિડેન્ટ અને રિલાયન્સ ગૃપના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ નવમા પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તમામ વિધાર્થીઓને તેમના સુર્વણ ભવિષ્ય માટેની શુભકામનાઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપી હતી.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર જનરલ શ્રી ર્ડા. એસ. સુંદર મનોહરણે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને સૂચન થકી પી.ડી.પી.યુ નું નામાકરણ હવે, પી.ડી.ઇ.યુ. કરવામાં આવ્યું છે. આ યુનિવર્સીટીમાં વિવિધ અભ્યાસ ક્રમો સાથે સાથે રિચર્સ સંલગ્ન અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. આ યુનિવર્સીટી ખાનગી યુનિવર્સીટીમાં અગ્રેસર છે.
આ દિક્ષાંત સમારંભને પી.ડી.ઇ.યુ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ર્ડા. હસમુખ અઢિયાના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિક્ષાંત સમારંભમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાધાણી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર સહિત વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.