મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) અમદાવાદ દ્રારા આયોજિત ‘જીતો બિઝનેસ બાઝાર’ -૨૦૨૨ એકઝિબિશનને ખુલ્લું મુકતા જણાવ્યું કે દરેક સમાજની એક આગવી ખાસિયત છે.
આપણે સૌ સમાજને સાથે રાખીને આર્થિક, સામાજિક, વાણિજ્યિક, ઔદ્યોગિક, સર્વગ્રાહી વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સૌના સાથ સૌના વિકાસ”ના મંત્રને “સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”થી સાકાર કર્યો છે.
રાજ્ય સરકારની વેપાર વ્યવસાય માટેની પ્રોત્સાહક નીતિ અન્વયે વેપાર-રોજગારને અને બજારોને પ્રોત્સાહન આપવા માટે વેપારી મહામંડળ સંગઠનોના સહયોગથી ‘જીતો બિઝનેસ બાઝાર -૨૦૨૨’ નું બે દિવસીય એકઝિબીશન યોજવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રીએ આ એકઝીબિશન નું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનની ઉપસ્થિતિ માં કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે “આત્મનિર્ભર ભારત” નો સંકલ્પ વડાપ્રધાન શ્રીએ આપણને આપ્યો છે તેની સંકલ્પના સાકાર કરવા માટે વર્ષ-૨૦૨૧-૨૨ માં ૪૦૦ બિલીયન ડોલરની નિકાસ નીતિની સામે સમગ્ર દેશમાં ગુજરાત ૨૫% લક્ષ્યાંક પૂર્ણ કરીને દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે.
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આઝાદી સમયે થયેલાં બલિદાનો અને સંઘર્ષ ગાથાઓની કહાની ભવિષ્યની પેઢીને જાણવા મળે અને ૧૦૦ વર્ષ પછી ભારત કેવું હોવું જોઈએ એની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા માટે દરેક સમાજ એકત્ર થઈને વિકાસની કેડી પર આગળ વધે એ સમયની માંગ છે.
દરેક વેપારી વર્ગ અને આત્મનિર્ભર બની વ્યવસાય કરતા નાગરિકો પોતાની સુઝબુઝ થકી “વોકલ ફોર લોકલ મંત્ર” ને સાકાર કરે તો સમાજ શક્તિના સહયોગથી ગામ,શહેર,રાજય અને રાષ્ટ્રની અવશ્ય પ્રગતિ થશે.
મુખ્યમંત્રી શ્રી એ આરોગ્ય પર ભાર આપતા કહ્યું હતું કે અત્યારે નાની ઉંમરમાં પણ અસાધ્ય બીમારીઓ આવી ગઈ છે ત્યારે સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ અને ઝેરી દવાઓનો છંટકાવ તેના માટે કારણભૂત છે ત્યારે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ગાય આધારિત સજીવ ખેતી કરતાં થાય તથા નાગરિકો પણ ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલ શાકભાજી અને ખેતપેદાશોનો ઉપયોગ કરતા થાય તેવી મુખ્યમંત્રી શ્રી એ અપીલ કરી હતી.
રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીને પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યું હતું કે જીતો દ્રારા વેપાર સાથે સંકળાયેલા સંગઠનોને એક મંચ આપવાનો પ્રયત્નથી વેપાર વાણિજ્યને ઘણુ પ્રોત્સાહન મળશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નાના- મોટા વેપાર સાથે જોડાયેલા અનેક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સમાજનાં આગેવાનો દ્વારા આ રીતે વેચાણ પ્રદર્શનના માધ્યમથી ટેકો આપવાનો સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકઝિબીશનમા ૨૦૦ જેટલાં સ્ટોલમા અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાંથી વેપારીઓ પોતાના પ્રોડકટના પ્રદર્શન અને વેચાણ અર્થે અહી આવ્યા છે.
આ પ્રસંગે જીતો અમદાવાદના ચેરમેન શ્રી ચેતનભાઈ શાહ,એપેક્ષના ચેરમેન શ્રી ગણપતભાઈ ચૌધરી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા વેપારીઓ, વિવિધ સંગઠનોના પ્રમુખશ્રીઓ,અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.