ભારતની સૌથી મોટી ડિપોઝિટરી, નૅશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) એ ભારતીય મૂડી બજારોની સેવાના ગૌરવપૂર્ણ 25 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણીમાં માનનીય કેન્દ્રીય નાણા પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ, સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)નાં અધ્યક્ષા, શ્રીમતી માધબી પુરી બુચ અને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, શ્રીમતી વીણા રામકૃષ્ણ શ્રીનિવાસ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત મુંબઈમાં એક કોર્પોરેટ વિડીયોના અનાવરણ સાથે થઈ હતી, જેમાં છેલ્લા 25 વર્ષોમાં એનએસડીએલની શાનદાર યાત્રા દર્શાવવામાં આવી હતી.
નાણા પ્રધાન, શ્રીમતી નિર્મલા સીતારમણે હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ ‘બજાર કા એકલવ્ય’નો આજે પ્રારંભ કર્યો હતો. પ્રોગ્રામનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શેરબજારની મૂળભૂત બાબતોનો પરિચય કરાવવાનો છે. ભારતમાં કુલ 1.36 અબજની વસ્તીમાંથી, માત્ર આશરે 7% લોકો પાસે જ ડીમેટ એકાઉન્ટ છે અથવા ઇક્વિટીમાં રોકાણ છે અને આ જાગરૂકતા કાર્યક્રમનો ઉદ્દેશ્ય આવતીકાલના રોકાણકારોને રોકાણના જોખમ-વળતરના વિશ્લેષણ પર શિક્ષિત કરવાનો છે.’
આ સ્મારક પ્રસંગે બોલતા, નાણા પ્રધાન, શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “એનએસડીએલના ભવ્ય 25 વર્ષની ઉજવણી કરવા માટે આજે અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં એનએસડીએલના મહાન કાર્યથી સંસ્થામાં ઘણી ગતિશીલતા આવી છે. તે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલીઓ પ્રાપ્ત કરી રહી છે અને અન્ય કરતાં આગળ રહી છે. “બજાર કા એકલવ્ય” દ્વારા તમે એવા ઘણા લોકો સુધી પહોંચી શકશો જેમને નાણાકીય સાક્ષરતાની જરૂર છે. લોકોને જ્યારે બજાર વિશે જાણવાની આતુરતા છે ત્યારે તે યોગ્ય સમય છે અને એનએસડીએલ દ્વારા લેવામાં આવેલો અભિગમ અને માધ્યમ પણ યોગ્ય છે. જો વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તો આ પ્રકારની પહેલથી વિશ્વભરના યુવાનોને ફાયદો થશે.”
2019-20માં દર મહિને સરેરાશ 4 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા, જે 2020-21માં ત્રણ ગણા વધીને દર મહિને 12 લાખ થઈ ગયા હતા અને તે વધુ વધીને 2021-22માં દર મહિને લગભગ 26 લાખ થઈ ગયા હતા.
ઉદ્યોગના પ્રથમ પ્લેટફોર્મને લોન્ચ કરતી વખતે શ્રીમતી માધબી પુરી બુચે કહ્યું હતું કે, “એનએસડીએલના 25 વર્ષની ઉજવણીના સીમાચિહ્નરૂપ પ્રસંગ માટે અહીં આવવાનો ખરેખર આનંદ છે. ડિપોઝિટરી નવી ટેકનોલોજિસને અપનાવવા અને બોન્ડ ઇશ્યુઓની સુરક્ષા અને કરારની દેખરેખ માટે મહત્વપૂર્ણ બજાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કામ કરી રહી છે. આગળ જતાં, આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ તરીકે પણ યાદ કરવામાં આવશે કારણ કે આપણે બજારમાં ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજીના ઉપયોગના સંદર્ભમાં પ્રથમ પગલું ભરી રહ્યા છીએ.”
નાણા પ્રધાને ભારતીય મૂડી બજારોના વિકાસમાં એનએસડીએલના યોગદાનને સન્માનિત કરવા માય સ્ટેમ્પ અને વિશેષ કવર પણ બહાર પાડ્યા હતા. મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, શ્રીમતી વીણા રામકૃષ્ણ શ્રીનિવાસે વિમોચનનું સંચાલન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સ્ટેમ્પ એનએસડીએલની રજત જયંતીની ઉજવણીના સ્મારક સમારંભમાં બહાર પાડવામાં આવી હતી.
આ સ્મારક પ્રસંગે બોલતા એનએસડીએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, પદ્મજા ચુન્દ્રુએ જણાવ્યું હતું કે, “આ પ્રસંગે હું અમારા માનનીય નાણામંત્રી અને સેબીના અધ્યક્ષનો તેમની કૃપાયમાન ઉપસ્થિતિ બદલ આભાર માનું છું. ઉપરાંત, હું અમારા તમામ વ્યવસાયિક ભાગીદારો અને રોકાણકારોનો આભાર માનું છું જેમના વિના આ સફર શક્ય ન હોત. ટેકનોલોજી, ટ્રસ્ટ, અને પહોંચ અમારી સંસ્થાની કરોડરજ્જુ છે. એનએસડીએલ હંમેશા સેવાના ઉચ્ચ ધોરણોમાં વિશ્વાસ રાખે છે, અને અમે અમારા ગ્રાહકોને સરળતા પ્રદાન કરવા માટે નવીનતા અને નવી ટેકનોલોજીને અપનાવવાનું ચાલુ રાખીશું.”